વડાલી તાલુકાના ભાલુસણા-બાબસર રોડ પર પિકઅપ-કાર વચ્ચે જોરદાર અકસ્માત, યુવાન ફસાયો
ગ્રામજનોએ અડધા કલાકની મહેનત બાદ બહાર કાઢ્યો, હોસ્પિટલ ખસેડાયો
વડાલી તાલુકાના ભાલુસણા અને બાબસર ગામને જોડતા માર્ગ પર આજે એક અકસ્માત સર્જાયો હતો. પિકઅપ ડાલા અને કાર વચ્ચે થયેલી ટક્કરમાં કારને ભારે નુકસાન થયું હતું અને તેમાં સવાર એક યુવાન ફસાઈ ગયો હતો. જોકે, ગ્રામજનોની સમયસૂચકતાથી મોટી જાનહાનિ ટળી હતી.
મળતી માહિતી મુજબ, કચ્છના રાજ મોહનભાઈ પારસીયા (ફોટોગ્રાફર) પોતાના વ્યવસાયિક કામ અર્થે વડાલી પંથકમાં આવ્યા હતા. તેઓ પોતાની કાર (નંબર GJ-01-2BF-8290) લઈને ભાલુસણા–બાબસર રોડ પરથી પસાર થઈ રહ્યા હતા, ત્યારે સામેથી આવતા પિકઅપ ડાલા (નંબર GJ-06-BT-7775) સાથે તેમની કારની ટક્કર થઈ હતી.
ટક્કર એટલી જોરદાર હતી કે કારની બોડી દબાઈ જતાં રાજભાઈ અંદર જ ફસાઈ ગયા હતા. અકસ્માતનો અવાજ સાંભળીને નજીકના ખેતરોમાં કામ કરતા શ્રમિકો અને સ્થાનિક લોકો ઘટનાસ્થળે દોડી આવ્યા હતા. ગેસ કટર જેવા સાધનો ન હોવા છતાં, લોકોએ લાકડાના ફાચર અને લોખંડના સળિયાની મદદથી અંદાજે અડધા કલાકની મહેનત બાદ કારનો દરવાજો તોડી રાજભાઈને બહાર કાઢ્યા હતા.
ઘટનાની જાણ થતાં ૧૦૮ એમ્બ્યુલન્સને બોલાવવામાં આવી હતી. સ્થળ પર ઈએમટી મહેશભાઈ સગર અને પાઈલોટ વિનોદભાઈ પહોંચ્યા હતા. પ્રાથમિક સારવાર બાદ રાજભાઈને વધુ સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.
આ અકસ્માતના કારણે ભાલુસણા–બાબસર રોડ પર કેટલાક સમય માટે વાહનવ્યવહાર ખોરવાયો હતો, જેના પરિણામે વાહનોની લાંબી કતારો જોવા મળી હતી.
બ્યુરો રિપોર્ટ… વિશાલ ચૌહાણ સાબરકાંઠા
મો ન 9998340891







Total Users : 165643
Views Today : 