કડિયાદરા અંજની સુંદરકાંડના પરીવારે પાઠની આવકથી 124 પરિવારોને નિ:શુલ્ક અંતિમ સંસ્કારની કીટ અર્પણ કરી
વડાલી ઈડરના કડીયાદરામાં અંજની સુંદરકાંડ પરિવાર ભક્તિ અને સેવાના સમન્વયનું ઉત્કૃષ્ટ ઉદાહરણ પૂરું પાડી રહ્યું છે. આ મંડળ સુંદરકાંડના પાઠમાંથી થતી આવકનો ઉપયોગ સામાજિક સેવા કાર્યોમાં કરે છે. અત્યાર સુધીમાં તેમણે 124 શોકમગ્ન પરિવારોને નિઃશુલ્ક અંતિમ સંસ્કાર કીટ પૂરી પાડી છે.
કમલેશભાઈ દરજી અને વિનુભાઈ દેસાઈના સંચાલન હેઠળ, આ મંડળ છેલ્લા બે વર્ષથી એક સંવેદનશીલ પહેલ ચલાવી રહ્યું છે. ગામમાં કોઈ વ્યક્તિનું અવસાન થાય ત્યારે, શોકમગ્ન પરિવારને બજારમાં દોડધામ ન કરવી પડે તે હેતુથી 750ની અંતિમ સંસ્કાર કીટ સંપૂર્ણપણે નિઃશુલ્ક આપવામાં આવે છે. કીટમાં 500 ગ્રામ શુદ્ધ ઘી, પંચધાતુ, અબીલ, ગુલાલ, શ્રીફળ, અત્તર, અગરબત્તી, છાણાં અને ડાભડો સહિત 10થી વધુ જરૂરી સામગ્રીનો સમાવેશ થાય છે.
અંજની સુંદરકાંડ પરિવારના પ્રવક્તા કમલેશભાઈ દરજીએ જણાવ્યું હતું કે, અમે સુંદરકાંડના પાઠના માધ્યમથી જે દાન મેળવીએ છીએ, તેમાંથી મંડળનો સામાન્ય નિભાવ ખર્ચ બાદ કરી તમામ રકમ લોકોની સુખાકારી માટે વાપરીએ છીએ. અમારો ઉદ્દેશ્ય મુશ્કેલીના સમયે વ્યાકુળ પરિવારને આર્થિક અને માનસિક ટેકો આપવાનો છે.
અંતિમ સંસ્કાર કીટ ઉપરાંત, આ મંડળ અન્ય સામાજિક ક્ષેત્રોમાં પણ સક્રિય છે. તેઓ ઓછી આવક ધરાવતા મંદિરોના નિભાવ માટે આર્થિક સહયોગ આપે છે. કડીયાદરામાં ચાલતી અન્નપૂર્ણા રામરોટીમાં નિયમિત દાન કરે છે અને ઈડર ગઢ જીવદયા ટીમ દ્વારા થતાં અબોલ જીવોના સેવાકાર્યમાં પણ આર્થિક ફાળો આપે છે.
કડીયાદરાના અંજની સુંદરકાંડ પરિવાર દ્વારા કરવામાં આવતી આ નિઃસ્વાર્થ કામગીરીની સમગ્ર પંથકમાં પ્રશંસા થઈ રહી છે. ભક્તિની શક્તિને સેવામાં પરિવર્તિત કરીને, આ મંડળે સમાજ સમક્ષ એક નવી રાહ ચીંધી છે.
બ્યુરો રિપોર્ટ…. વિશાલ ચૌહાણ સાબરકાંઠા
મો ન 9998340891







Total Users : 165939
Views Today : 