AI થી બનેલા દિપડાના ફેક ફોટા થી મહોર ગામમાં ભય નો માહોલ..
સોશિયલ મીડિયા પર વાયરલ તસવીર ખોટી નીકળી, કાર્યવાહીની માંગ
વડાલી તાલુકાના મહોર ગામમાં સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા દિપડાના એક ફેક ફોટાએ ગ્રામજનોમાં ભારે દહેશત ફેલાવી દીધી હતી. ગામની શેરીઓમાં દિપડો લટાર મારતો હોય તેવી તસવીર વાયરલ થતાં લોકોમાં ભયનો માહોલ સર્જાયો હતો. જોકે, તપાસમાં સામે આવ્યું છે કે આ તસવીર કોઈ જંગલી પ્રાણીની હાજરીનો પુરાવો નહીં, પરંતુ આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ (AI) ટેકનોલોજીનો ઉપયોગ કરીને બનાવવામાં આવેલી ખોટી તસવીર છે.

આ તસવીર ઝડપથી વાયરલ થતાં ગામમાં અફવાઓએ જોર પકડ્યું હતું અને ગ્રામજનોમાં ફફડાટ વ્યાપી ગયો હતો. ઘણા ગ્રામજનો રાત્રે ઘરની બહાર નીકળતા પણ ડરવા લાગ્યા હતા. બાદમાં તપાસ કરતાં જાણવા મળ્યું કે કોઈ અસામાજિક તત્વે જાણીજોઈને લોકોમાં ભય અને અફરાતફરી ફેલાવવા માટે તસવીર એડિટ કરીને સોશિયલ મીડિયા પર મૂકી હતી.
આ અંગે મહોર ગામના સરપંચ પ્રવિણસિંહે જણાવ્યું હતું કે, “વાયરલ થયેલો ફોટો સંપૂર્ણપણે ખોટો અને પાયાવિહોણો છે. કોઈ માનસિક વિકૃત વ્યક્તિએ ટેકનોલોજીનો ગેરલાભ લઈને ગામમાં ભયનો માહોલ ઉભો કરવાનો પ્રયાસ કર્યો છે. ગ્રામજનોએ આવી અફવાઓથી ગભરાવું નહીં અને કોઈ પણ અપ્રમાણિત માહિતી પર વિશ્વાસ ન કરવો.”
બીજી તરફ, વડાલી વન વિભાગના આરએફઓ એલ.ડી. રાતડાએ જણાવ્યું હતું કે, “આ અંગે અમને કોઈ જાણ નથી.”
ડિજિટલ યુગમાં AI ટેકનોલોજીનો દુરુપયોગ કરીને ખોટા ફોટા અને અફવાઓ ફેલાવવાના બનાવો ચિંતાજનક બની રહ્યા છે. મહોર ગામની ઘટનાને પગલે ગ્રામજનોએ આવા તત્વોને શોધી તેમની સામે કાયદેસરની અને કડક કાર્યવાહી કરવાની માંગ ઉઠાવી છે. સ્થાનિકોમાં એવી પણ લાગણી છે કે સમયસર પગલાં લેવામાં આવે તો ભવિષ્યમાં આવી ભ્રામક અને ભય ફેલાવતી ઘટનાઓને અટકાવી શકાય.
બ્યુરો રિપોર્ટ… વિશાલ ચૌહાણ સાબરકાંઠા
મો ન 9998340891


