Qહિંમતનગરની પોદ્દાર ઇન્ટરનેશનલ સ્કૂલમાં રક્ષાબંધન પર્વ ની ઉજવણી..
રક્ષાબંધનના પવિત્ર સંદેશ સાથે નારી સશક્તિકરણ નો સુંદર સંદેશ..
પોદાર ઇન્ટરનેશનલ સ્કૂલમાં રક્ષાબંધન પર્વ નિમિત્તે ધોરણ 1, 2 અને 3ના વિદ્યાર્થીઓ માટે વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.
રક્ષાબંધનના પવિત્ર પર્વને માત્ર ભાઈ-બહેનના પ્રેમ અને રક્ષણના બંધન પૂરતો સીમિત ન રાખી, વિદ્યાર્થીઓ દ્વારા સમાજમાં પ્રેમ, સન્માન, સુરક્ષા અને સમાનતાનો સંદેશ આપવામાં આવ્યો હતો.
કાર્યક્રમનું મુખ્ય આકર્ષણ નારી સશક્તિકરણ પર આધારિત સુંદર નાટિકા રહી હતી. નાનકડા વિદ્યાર્થીઓએ નાટિકા દ્વારા નારીને માત્ર સન્માન આપવાની જ નહીં, પરંતુ તેને શિક્ષણ, આત્મવિશ્વાસ, સમાન અધિકાર અને પોતાના નિર્ણયો લેવાની તક આપવાની જરૂરિયાતને અસરકારક રીતે રજૂ કરી હતી. વિદ્યાર્થીઓની સુંદર અભિનય રજૂઆત દ્વારા “સશક્ત નારી એટલે સશક્ત સમાજ” નો પ્રેરણાદાયી સંદેશ આપવામાં આવ્યો હતો.
નાટિકા દ્વારા બાળકોએ દર્શાવ્યું કે સમાજની પ્રગતિ ત્યારે જ શક્ય બને છે, જ્યારે દીકરીઓ અને મહિલાઓને સમાન તકો અને સન્માન મળે. નાનકડા ભૂલકાઓ દ્વારા રજૂ કરવામાં આવેલા આ ગંભીર વિષયે ઉપસ્થિત સૌને ભાવુક તેમજ વિચારશીલ બનાવ્યા હતા.
આ પ્રસંગે શાળાના પ્રિન્સિપાલ શ્રી અવિનાશ ઓઝાએ વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરતાં જણાવ્યું કે બાળપણથી જ બાળકોમાં ભારતીય સંસ્કૃતિ સાથે માનવતા, સમાનતા, સંવેદનશીલતા અને નારી સન્માન જેવા મૂલ્યોનું સિંચન કરવું જરૂરી છે. આવા કાર્યક્રમો બાળકોને માત્ર મંચ પર રજૂઆત કરવાની તક જ આપતા નથી, પરંતુ જીવનના મહત્વપૂર્ણ મૂલ્યો પણ શીખવે છે.
ધોરણ 1, 2 અને 3ના વિદ્યાર્થીઓની ઉત્સાહભરી ભાગીદારી, સુંદર અભિનય અને સંદેશપ્રદ રજૂઆતથી સમગ્ર કાર્યક્રમ આનંદમય અને યાદગાર બન્યો હતો. રક્ષાબંધનની પવિત્ર ડોર સાથે નારી સશક્તિકરણનો સંદેશ આપતો આ કાર્યક્રમ પોદાર ઇન્ટરનેશનલ સ્કૂલની મૂલ્યઆધારિત શિક્ષણની સુંદર પહેલ બની રહ્યો.
બ્યુરો રિપોર્ટ… વિશાલ ચૌહાણ સાબરકાંઠા
મો ન 9998340891


