ગીર ગઢડાના સનવાવ ગામે દુષ્કર્મના આરોપીનું પોલીસ દ્વારા રિકન્સ્ટ્રક્શન અને જાહેરમાં સરઘસ
ગીર ગઢડા, ૧૪ ઓગસ્ટ, ૨૦૨૫: ગીર ગઢડા તાલુકાના સનવાવ ગામમાં એક સગીરા પર દુષ્કર્મ આચરવાના ગંભીર ગુનામાં પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરીને આરોપીને દબોચી લીધો છે. પોલીસે આરોપી ઘેલુ સોલંકીને ઘટનાસ્થળે લઈ જઈ ગુનાનું રિકન્સ્ટ્રક્શન કરાવ્યું હતું અને ત્યારબાદ જાહેરમાં તેનું સરઘસ કાઢી ગ્રામજનોને આવા ગુનાઓનું પરિણામ શું આવે તે દર્શાવ્યું હતું.
ઘટના અને પોલીસ કાર્યવાહી:ગત ૧૦ ઓગસ્ટ, ૨૦૨૫ના રોજ ગીર ગઢડા પોલીસ સ્ટેશનમાં સનવાવ ગામની એક દીકરી પર દુષ્કર્મ આચરવામાં આવ્યાની ફરિયાદ નોંધાઈ હતી. આ ગંભીર ઘટનાને પગલે ગીર ગઢડા પોલીસે ત્વરિત કાર્યવાહી હાથ ધરી હતી અને સઘન તપાસના અંતે આરોપી ઘેલુ સોલંકીને ઝડપી પાડવામાં સફળતા મેળવી હતી. પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે આરોપી ઘેલુ સોલંકી અગાઉ પણ ચોરી અને અન્ય ગુનાઓમાં સંડોવાયેલો હતો. પોલીસે આરોપી વિરુદ્ધ પોક્સો (Protection of Children from Sexual Offences) એક્ટ હેઠળની કલમો હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
ગુનાનું રિકન્સ્ટ્રક્શન:પ્રાથમિક તપાસમાં સામે આવ્યું હતું કે આરોપી દીકરીને સનવાવ ગામની અવાવરું જગ્યાઓ પર લઈ ગયો હતો. આરોપીની ધરપકડ બાદ, ગીર ગઢડા પોલીસે તેને ઘટનાસ્થળે લઈ જઈ ગુનાનું પંચરોજ કરવામાં આવ્યું હતું. આ દરમિયાન પોલીસે આરોપી પાસેથી સમગ્ર ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કરાવી ગુનાના દરેક પાસાની ઝીણવટભરી તપાસ કરી હતી.જાહેરમાં સરઘસ અને સામાજિક સંદેશ:રિકન્સ્ટ્રક્શન પૂર્ણ થયા બાદ, ગીર ગઢડા પોલીસે આરોપી ઘેલુ સોલંકીને સનવાવ ગામમાં જાહેરમાં ફેરવી તેનું સરઘસ કાઢ્યું હતું. આરોપીને જાહેરમાં જોઈને ગામલોકો ભેગા થઈ ગયા હતા. પોલીસ દ્વારા આ પ્રકારે આરોપીને જાહેરમાં ફેરવવાનો આશય સ્પષ્ટ હતો કે આવા જઘન્ય કૃત્ય આચરનારનું શું પરિણામ આવે છે તે સમાજમાં દાખલો બેસે. ગામલોકોએ પણ આ દ્રશ્ય જોઈને સંદેશ ગ્રહણ કર્યો હતો કે આવા નિંદનીય કૃત્યો કરનારાઓની હાલત આવી જ થાય છે અને સમાજમાં આવા અપરાધોને કોઈ સ્થાન નથી.આ ઘટના બાદ ગીર ગઢડા પોલીસે સમાજમાં એક સકારાત્મક સંદેશ આપવાનો પ્રયાસ કર્યો છે કે ગુનેગારોને કોઈ પણ સંજોગોમાં બક્ષવામાં આવશે નહીં અને તેમને કાયદાનું ભાન કરાવવામાં આવશે.
રિપોર્ટર ધર્મેશ ચાવડા