>
Monday, April 6, 2026

મેઘધનુષ સેવા ટ્રસ્ટનું શિવા અભિયાન હવે ઘર આંગણે જ મફત તબીબી સાધન સહાય.

મેઘધનુષ સેવા ટ્રસ્ટનું શિવા અભિયાન હવે ઘર આંગણે જ મફત તબીબી સાધન સહાય…

 

હાઇડ્રોલિક પલંગ વ્હીલ ચેર વોકર કમોડ ખુરશી તેમજ ઓક્સિજન કન્સન્ટ્રેટર અપાશે

 

વડાલી વિસ્તારમાં વર્ષોથી નિઃસ્વાર્થ સેવા આપતી મેઘધનુષ સેવા ટ્રસ્ટ દ્વારા સમાજહિતમાં વધુ એક સરાહનીય પહેલ હાથ ધરવામાં આવી છે. ટ્રસ્ટે હવે ઘરઆંગણે સારવાર લઈ રહેલા જરૂરિયાતમંદ દર્દીઓ માટે મફત તબીબી સાધન સહાય ઉપલબ્ધ કરાવવાનો મહત્વપૂર્ણ સંકલ્પ કર્યો છે.

ટ્રસ્ટ છેલ્લા 28 વર્ષથી અંબાજીના ભાદરવી પૂનમના મેળામાં લાખો પદયાત્રીઓને નિઃશુલ્ક તબીબી સેવા પૂરી પાડતું આવ્યું છે. આ લાંબા અનુભવના આધારે સંસ્થાએ સેવાકાર્યને વધુ વ્યાપક બનાવતા હવે ઘરઆધારિત સારવાર માટે જરૂરી સાધનો પૂરા પાડવાનો નિર્ણય લીધો છે. આજના સમયમાં ગંભીર બીમારીઓ, અકસ્માતો અથવા વૃદ્ધાવસ્થાના કારણે અનેક દર્દીઓને લાંબા સમય સુધી ઘરે જ સારવાર લેવી પડે છે. આવા સમયે જરૂરી તબીબી સાધનોના અભાવે ખાસ કરીને મધ્યમ અને ગરીબ વર્ગના પરિવારોને આર્થિક તેમજ માનસિક મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે. ટ્રસ્ટ દ્વારા શરૂ કરાયેલ આ સેવા આવા પરિવારો માટે રાહતરૂપ બનશે.

આ યોજના હેઠળ હાઇડ્રોલિક પલંગ, વ્હીલચેર, વોકર, કમોડ ખુરશી તેમજ ઓક્સિજન કન્સન્ટ્રેટર જેવા આવશ્યક સાધનો સંપૂર્ણપણે મફતમાં આપવામાં આવશે. ટ્રસ્ટના સભ્યોના જણાવ્યા મુજબ, આ પહેલનો હેતુ માત્ર સાધનો પૂરાં પાડવાનો નથી, પરંતુ દર્દીઓ અને તેમના પરિવારજનોને મુશ્કેલીના સમયમાં માનસિક આધાર અને માનવતાનો સ્પર્શ પહોંચાડવાનો પણ છે. ટ્રસ્ટ દ્વારા આપવામાં આવતા તમામ સાધનો જરૂરિયાત પૂર્ણ થયા બાદ પરત આપવાના રહેશે, જેથી વધુમાં વધુ જરૂરિયાતમંદ દર્દીઓ સુધી આ સેવા પહોંચી શકે. “જનસેવા એ જ પ્રભુસેવા”ના મંત્ર સાથે કાર્યરત ટ્રસ્ટનું આ અભિયાન સમાજ માટે આશીર્વાદરૂપ સાબિત થવાની આશા વ્યક્ત કરવામાં આવી રહી છે

 

બ્યુરો રિપોર્ટ…વિશાલ ચૌહાણ સાબરકાંઠા

 

મો ન 9998340891

- Advertisement -
અન્ય સમાચાર
Advertisements
 
Polls
તાજા સમાચાર
Live Scores