રમતોત્સવ દ્વારા બનાસકાંઠા માં વિશ્વ ઓલિમ્પિક દિવસની અનોખી ઉજવણી કરાઈ
બનાસકાંઠા જિલ્લામાં રિલાયન્સ ફાઉન્ડેશન રાજસ્થાન બાળ કલ્યાણ સમિતિ સાથે જોડાઈને દાંતા,હડાદ અને અમીરગઢ તાલુકામાં ગ્રામ વિકાસ પ્રવૃત્તિઓને વેગ આપવામાં આવી રહ્યો છે. આ પ્રવૃત્તિઓના ભાગરૂપે તેમજ આગામી વર્ષોમાં ગુજરાતના અમદાવાદ ખાતે યોજાનાર ઓલિમ્પિક રમતો અંગે જનજાગૃતિ ફેલાવવાના હેતુથી વિશ્વ ઓલિમ્પિક દિવસની અનોખી ઉજવણીનું આયોજન કરવામાં આવ્યું હતું.

વિશ્વ ઓલિમ્પિક દિવસ નિમિત્તે તા. ૨૧ જૂનથી ૨૩ જૂન દરમિયાન અમીરગઢ તાલુકાના કાકવાડા, ડેરી, ખારા અને ઘાઘું તેમજ હડાદ તાલુકાના દલપુરા ગામે રમતો ઉત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં પ્રાથમિક શાળાના બાળકો, સરપંચશ્રીઓ, પંચાયત પ્રતિનિધિઓ, શિક્ષકો તથા ગામના સક્રિય આગેવાનોની ઉપસ્થિતિમાં ઉત્સાહભેર ઓલિમ્પિક દિવસની ઉજવણી કરવામાં આવી હતી.

પ્રસ્તુત કાર્યક્રમોમાં ૧,૦૦૦થી વધુ બાળકોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. બાળકો માટે લીંબુ-ચમચી દોડ, ૧૦૦ મીટર દોડ, રસ્સાખેંચ, કોથળા દોડ સહિત વિવિધ રમતોનું આયોજન કરવામાં આવ્યું હતું. રમતગમત પ્રવૃત્તિઓ દ્વારા બાળકોમાં ખેલદિલી, ટીમભાવના અને શારીરિક તંદુરસ્તી અંગે જાગૃતિ લાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો.
કાર્યક્રમ દરમિયાન બાળકો તેમજ ગ્રામજનોને ઓલિમ્પિક રમતોનું મહત્વ, તેના મૂલ્યો અને વિવિધ રમતો અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. રમતોત્સવમાં વિજેતા તેમજ ઉત્સાહપૂર્વક ભાગ લેનાર બાળકોને પ્રોત્સાહક ઇનામો આપી સન્માનિત કરવામાં આવ્યા હતા.
આ સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા માટે પાંચેય ગામોના શાળા પરિવાર, ગ્રામ પંચાયતના પ્રતિનિધિઓ, સક્રિય આગેવાનો, રિલાયન્સ ફાઉન્ડેશન તથા રાજસ્થાન બાળ કલ્યાણ સમિતિનો નોંધપાત્ર ફાળો રહ્યો હતો. કાર્યક્રમ દ્વારા બાળકોમાં રમતગમત પ્રત્યે રસ વધારવા તેમજ ઓલિમ્પિકના મૂલ્યોને ગ્રામ્ય સ્તર સુધી પહોંચાડવાનો સફળ પ્રયાસ કરવામાં આવ્યો હતો.
બ્યુરો રિપોર્ટ… વિશાલ ચૌહાણ બનાસકાંઠા
મો ન 9998340891


