વડાલીમાં મકાન માલિક સામે કાર્યવાહી..
ભાડુઆતની વિગતો પોલીસ સ્ટેશનમાં ન નોંધાવતા ગુનો નોંધાયો
વડાલી પોલીસે ભાડુઆતની વિગતો સંબંધિત પોલીસ સ્ટેશનમાં નોંધાવ્યા વિના મકાન ભાડે આપનાર મકાન માલિક સામે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. સાબરકાંઠા જિલ્લા મેજિસ્ટ્રેટ દ્વારા જાહેર કરાયેલા જાહેરનામાનો ભંગ કરવા બદલ આ કાર્યવાહી કરવામાં આવી છે.
પ્રાપ્ત માહિતી અનુસાર, વડાલી પોલીસ સ્ટાફ શહેર વિસ્તારમાં પેટ્રોલિંગ અને ચેકિંગ કરી રહ્યો હતો. આ દરમિયાન ગાયત્રીનગર સોસાયટીમાં તપાસ કરતા જાણવા મળ્યું કે વાસુદેવ ડાહ્યાલાલ દવે (ઉંમર 71) એ પોતાનું મકાન ઉત્તર પ્રદેશના ફતેહપુરના રહેવાસી ધીરજ શ્રીકાંત દ્વિવેદીને માસિક રૂ. 2,500ના ભાડે આપ્યું હતું.
પોલીસ તપાસમાં સામે આવ્યું કે મકાન માલિકે ભાડુઆતની ઓળખ અંગે કોઈ જરૂરી ચકાસણી કરી ન હતી. ઉપરાંત, મકાન ભાડે આપવા અંગે કોઈ લેખિત કરાર પણ કરવામાં આવ્યો ન હતો. જિલ્લા મેજિસ્ટ્રેટના જાહેરનામા મુજબ ફરજિયાત હોવા છતાં, ભાડુઆતની વિગતો સંબંધિત પોલીસ સ્ટેશનમાં નોંધાવવામાં આવી ન હતી.
જાહેરનામાની શરતોનો ભંગ થતો હોવાનું સ્પષ્ટ થતાં, વડાલી પોલીસે મકાન માલિક વાસુદેવ ડાહ્યાલાલ દવે સામે ભારતીય ન્યાય સંહિતા (BNS)-2023ની કલમ 223 હેઠળ ગુનો નોંધ્યો છે. પોલીસે ભાડુઆતની વિગતો, સાક્ષીઓના નિવેદનો અને જાહેરનામાની નકલ સહિતના જરૂરી પુરાવા એકત્ર કરવાની કાર્યવાહી શરૂ કરી છે.
બ્યુરો રિપોર્ટ… વિશાલ ચૌહાણ સાબરકાંઠા
મો ન 9998340891


