ખેડબ્રહ્મા શેઠ કે. ટી. હાઈસ્કુલ ખાતે સ્વાતંત્ર્ય દિનની ઉજવણીનું રિહર્સલ યોજાયું
પરેડ, સલામી અને દેશભક્તિની થીમ આધારિત સાંસ્કૃતિક કાર્યક્રમોનું રિહર્સલ કરાયું
કલેક્ટર લલિત નારાયણ સિંઘ સાંદુ અને જિલ્લા પોલીસ વડા શ્રી ડૉ. પાર્થરાજસિંહ ગોહિલ સહિત વહીવટી તંત્રના ઉચ્ચ અધિકારીઓ ઉપસ્થિત રહ્યાં

સાબરકાંઠા જિલ્લામાં ૧૫મી ઓગસ્ટના રોજ યોજાનારી જિલ્લાકક્ષાની સ્વાતંત્ર્ય દિનની ઉજવણીની પૂર્વતૈયારીના ભાગરૂપે ખેડબ્રહ્મા ખાતેની શેઠ કે. ટી. હાઈસ્કુલ ખાતે રિયલટાઈમ રિહર્સલ યોજાયું હતું. જિલ્લા કલેક્ટર શ્રી લલિત નારાયણ સિંઘ સાંદુ અને જિલ્લા પોલીસ વડા શ્રી ડૉ. પાર્થરાજસિંહ ગોહિલની ઉપસ્થિતિમાં સ્વાતંત્ર્ય દિનની ઉજવણી અંતર્ગત યોજાનારા વિવિધ કાર્યક્રમોનું રિહર્સલ કરવામાં આવ્યું હતું.

રિહર્સલ દરમિયાન પરેડ, પોલીસ પ્લાટૂન દ્વારા સલામી તેમજ વિદ્યાર્થીઓ દ્વારા દેશભક્તિની થીમ પર રજૂ કરવામાં આવનાર વિવિધ સાંસ્કૃતિક કૃતિઓનું નિદર્શન કરવામાં આવ્યું હતું. કલેક્ટરશ્રી સહિત ઉપસ્થિત અધિકારીઓએ સમગ્ર કાર્યક્રમનું નિરીક્ષણ કરી જરૂરી માર્ગદર્શન અને સૂચનાઓ આપી હતી.
જિલ્લા કલેક્ટરશ્રીએ સ્વાતંત્ર્ય દિનની ઉજવણીની તૈયારીઓ અંગે સંબંધિત વિભાગના અધિકારીઓ સાથે સમીક્ષા કરી હતી તેમજ કાર્યક્રમનું સુચારુ આયોજન, સમયબદ્ધ કામગીરી અને જરૂરી વ્યવસ્થાઓ સુનિશ્ચિત કરવા માર્ગદર્શન આપ્યું હતું. રાષ્ટ્રીય પર્વની ઉજવણીમાં ઉપસ્થિત નાગરિકોને કોઈ અગવડતા ન પડે તે માટે પણ જરૂરી વ્યવસ્થાઓ ગોઠવવા સૂચના આપવામાં આવી હતી.

દેશભક્તિ અને રાષ્ટ્રભાવનાથી ઓતપ્રોત ૧૫મી ઓગસ્ટની ઉજવણી નાગરિકો માટે યાદગાર બની રહે તે માટે જિલ્લા વહીવટી તંત્ર અને પોલીસ વિભાગ દ્વારા સમગ્ર તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે.
જિલ્લા કલેક્ટર શ્રી લલિત નારાયણ સિંઘ સાંદુએ સાબરકાંઠા જિલ્લાના નાગરિકો, વિવિધ સંસ્થાઓ, વિદ્યાર્થીઓ અને યુવાનોને ૧૫મી ઓગસ્ટના સ્વાતંત્ર્ય દિનની ઉજવણીમાં ઉત્સાહભેર સહભાગી થવા અપીલ કરી છે.
બ્યુરો રિપોર્ટ …વિશાલ ચૌહાણ સાબરકાંઠા
મો ન 9998340891


