ચોરખાનામાં છુપાવેલો દારૂ ઝડપાયો, પણ ચેકપોસ્ટની કામગીરી સામે સવાલો
તડ ચેકપોસ્ટ પરથી ફોર-વ્હીલમાંથી રૂ. 10,924નો વિદેશી દારૂ ઝડપાયો — વાહન સહિત રૂ. 35,924નો મુદ્દામાલ કબજે, એક ઇસમની ધરપકડ
ગીર સોમનાથ જિલ્લામાં ગેરકાયદેસર દારૂની હેરાફેરી સામે પોલીસની કાર્યવાહી વચ્ચે તડ ચેકપોસ્ટ પરથી ચોરખાનું બનાવી દારૂની હેરાફેરી કરતા એક ઇસમને ઝડપી પાડવામાં આવ્યો છે. નવાબંદર મરીન પોલીસની ટીમે પેટ્રોલિંગ દરમિયાન સફેદ રંગની મારૂતી ફન્ટી 800 કારને અટકાવી તપાસ કરતા કારની ડેકી તથા દરવાજાના ભાગે બનાવેલા ચોરખાનામાંથી ભારતીય બનાવટનો વિદેશી દારૂ મળી આવ્યો હતો.પોલીસે કારમાંથી 180 એમએલની રોયલ ચેલેન્જની 32 બોટલ, 180 એમએલની વેટ 69ની 5 બોટલ તથા 750 એમએલની સિગ્નેચર વ્હિસ્કીની 3 બોટલ મળી કુલ 40 બોટલ, કિંમત રૂ. 10,924નો દારૂ ઝડપી પાડ્યો હતો. વાહન સહિત કુલ રૂ. 35,924નો મુદ્દામાલ કબજે કરી ભનજીભાઈ રાજાભાઈ રાવલીયા, ઉંમર 46, રહે. જુનાગઢ, સામે પ્રોહિબિશનનો ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે.પોલીસની આ કાર્યવાહી નિશ્ચિતપણે પ્રશંસનીય છે. પરંતુ આ સાથે જ નાળિયા માંડવી ચેકપોસ્ટ અને તડ ચેકપોસ્ટ પરથી પસાર થતા વાહનોની ચેકિંગ અને કાર્યવાહી અંગે અનેક ગંભીર સવાલો પણ ઊભા થાય છે.જો ચેકપોસ્ટ પર સઘન અને નિષ્પક્ષ ચેકિંગ થતું હોય તો ગુજરાતમાં પ્રવેશતા દારૂના અન્ય જથ્થા ક્યાંથી પસાર થાય છે? શું દરેક વાહનની સમાન રીતે તપાસ થાય છે કે પછી માત્ર બાતમી મળેલા અથવા શંકાસ્પદ ગણાતા વાહનો સામે જ કાર્યવાહી થાય છે?એક તરફ પોલીસ દારૂની એક ગાડી પકડીને પોતાની કામગીરી સાબિત કરે છે, પરંતુ બીજી તરફ ઊના તાલુકા અને ગ્રામ્ય વિસ્તારોમાં સતત દારૂ મળી રહ્યો છે તો આ દારૂ આવે છે ક્યાંથી? ચેકપોસ્ટો પરથી પસાર થયા બાદ દારૂના જથ્થા સ્થાનિક વિસ્તારો સુધી પહોંચે છે તો વચ્ચેની ચેકિંગ વ્યવસ્થા સામે પણ સવાલો ઊભા થવા સ્વાભાવિક છે.અહીં કોઈ ચોક્કસ પોલીસ કર્મચારી કે અધિકારી સામે આક્ષેપ કરવાનો પ્રશ્ન નથી, પરંતુ દારૂબંધીના કાયદાનો અમલ ખરેખર સૌ માટે સમાન છે કે નહીં તે અંગે પારદર્શક તપાસ જરૂરી છે. જો ચેકપોસ્ટ પરથી દારૂની ગાડીઓ પસાર થતી નથી તો તાલુકાના ગામડાઓમાં પહોંચતો દારૂ ક્યાંથી આવે છે? અને જો પસાર થાય છે તો તેની જવાબદારી નક્કી કેમ ન થાય?પોલીસ દ્વારા ઝડપાયેલી આ કાર્યવાહી સારી શરૂઆત છે, પરંતુ હવે જરૂરી છે કે નાળિયા માંડવી અને તડ ચેકપોસ્ટ પરથી છેલ્લા કેટલાક સમયગાળામાં પસાર થયેલા વાહનો, થયેલી ચેકિંગ, ઝડપાયેલા દારૂના કેસો અને બાતમીના આધારે થયેલી કાર્યવાહીની પણ ઊંડાણપૂર્વક તપાસ કરવામાં આવે.એક ગાડી પકડવાથી દારૂબંધી સફળ થતી નથી—ગુજરાતમાં દારૂ ઘૂસાડવાની સમગ્ર ચેઇન તોડવામાં આવે ત્યારે જ પોલીસની કામગીરીને સાચા અર્થમાં સફળ કહી શકાય.
રિપોર્ટર ધર્મેશ ચાવડા


