ચણા અને રાયડાની ટેકાના ભાવે ખરીદીનો ગાંધીનગર ખાતેથી વર્ચ્યુઅલ શુભારંભ કરાવતા કૃષિ મંત્રી શ્રી રાઘવજી પટેલ
ખેડૂતો પાસેથી રૂ. ૧,૯૦૩ કરોડના મૂલ્યનો ૩.૩૬ લાખ મેટ્રિક ટન ચણાનો જથ્થો ખરીદી કરાશે
રાયડાના ખેડૂતો પાસેથી રૂ. ૭૬૭ કરોડના મૂલ્યનો ૧.૨૯ લાખ મેટ્રિક ટન રાયડાનો જથ્થો ખરીદાશે

ચણા માટે ૩.૩૬ લાખ અને રાયડા માટે ૧.૧૮ લાખથી વધુ ખેડૂતોએ ઓનલાઈન નોંધણી કરાવી
કૃષિ મંત્રી શ્રી રાઘવજી પટેલે આજે ગાંધીનગર ખાતેથી રાજ્યભરમાં ટેકાના ભાવે ચણા અને રાયડાની ખરીદીનો વર્ચ્યુઅલ શુભારંભ કરાવ્યો હતો. તેમણે આ વેળાએ જણાવ્યું હતું કે, ટેકાના ભાવે ચણાના વેચાણ માટે રાજ્યના કુલ ૩.૩૬ લાખથી વધુ ખેડૂતોએ તેમજ રાયડાના વેચાણ માટે રાજ્યના કુલ ૧.૧૮ લાખથી વધુ ખેડૂતોએ ઓનલાઈન નોંધણી કરાવી છે. નોંધાયેલા તમામ ખેડૂતો પાસેથી રાજ્ય સરકાર દ્વારા ચણા માટે નક્કી કરાયેલા ૧૭૯ ખરીદ કેન્દ્રો અને રાયડા માટે નક્કી કરાયેલા ૮૭ ખરીદ કેન્દ્રો ખાતેથી ટેકાના ભાવે ખરીદી કરવામાં આવશે.
પ્રાઇઝ સપોર્ટ સ્કીમ (PSS) હેઠળ ભારત સરકારની મંજૂરી મુજબ રૂ. ૧,૯૦૩ કરોડના મૂલ્યનો કુલ ૩.૩૬ લાખ મેટ્રિક ટન ચણાનો જથ્થો તેમજ રૂ. ૭૬૭ કરોડના મૂલ્યનો કુલ ૧.૨૯ લાખ મેટ્રિક ટન રાયડાનો જથ્થો ખેડૂતો પાસેથી ખરીદવામાં આવશે. ખેડૂતોને આર્થિક નુકશાનથી બચાવીને તેમની આવક વધારવાના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના સંકલ્પને સાકાર કરવાની દિશામાં ટેકાના ભાવે વિવિધ પાકોની ખરીદી એક મહત્વપૂર્ણ પગલું પૂરવાર થઇ રહ્યું છે. મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ રાજ્યમાં ટેકાના ભાવે ખરીદી આજથી શરુ કરાઈ છે, તેમ મંત્રી શ્રી પટેલે ઉમેર્યું હતું.

આ પ્રસંગે કૃષિ અને ખેડૂત કલ્યાણ વિભાગના અધિક મુખ્ય સચિવ ડૉ. અંજુ શર્મા, ખેતી નિયામક શ્રી પ્રકાશ રબારી સહિત કૃષિ વિભાગના ઉચ્ચ અધિકારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા. સાથે જ, વર્ચ્યુઅલ માધ્યમથી વિવિધ ખરીદ કેન્દ્રો ખાતેથી અધિકારીશ્રીઓ અને ખેડૂતો આ કાર્યક્રમમાં જોડાયા હતા.
અત્રે ઉલ્લેખનીય છે કે, ભારત સરકારે વર્ષ ૨૦૨૪-૨૫ની રવિ સીઝન દરમિયાન ચણા માટે રૂ. ૫,૬૫૦ પ્રતિ ક્વિન્ટલ (રૂ. ૧,૧૩૦ પ્રતિ મણ) તથા રાયડા પાક માટે રૂ. ૫,૯૫૦ પ્રતિ ક્વિન્ટલ (રૂ. ૧,૧૯૦ પ્રતિ મણ) ટેકાના ભાવ જાહેર કર્યો હતો.
તસવીર અહેવાલ .. વિશાલ ચૌહાણ સાબરકાંઠા
મો ન 9998340891








Total Users : 154623
Views Today : 