ગીર ગઢડા પુરવઠા વિભાગની કામગીરી સામે ગંભીર સવાલો: સસ્તા અનાજની દુકાનોમાં નિયમોનો ખુલ્લેઆમ ભંગ?
ગીર ગઢડા તાલુકામાં પુરવઠા વિભાગ હેઠળ ચાલતી અનેક સસ્તા અનાજની દુકાનો ફરી વિવાદમાં આવી છે. સરકાર દ્વારા સ્પષ્ટ નિયમો બનાવવામાં આવ્યા હોવા છતાં અનેક દુકાનોમાં લાભાર્થીઓને પાક્કી રસીદ આપવામાં આવતી નથી અને અનાજ પણ સંપૂર્ણ પ્રમાણમાં આપવામાં ન આવતું હોવાના આક્ષેપો ઉઠ્યા છે.
સરકારના પરિપત્ર મુજબ દરેક લાભાર્થીને અનાજ વિતરણ બાદ પાક્કું બિલ આપવું ફરજિયાત છે, છતાં તાલુકાની ઘણી દુકાનોમાં આ નિયમ માત્ર કાગળ ઉપર જ જોવા મળી રહ્યો છે. રસીદ ન આપવાના કારણે કેટલું અનાજ આપવામાં આવ્યું અને કેટલું બાકી રહ્યું તેની પારદર્શિતા જળવાતી નથી, જેના કારણે શંકાઓ વધુ ઘેરાઈ રહી છે.
લાભાર્થીઓ દ્વારા એવો પણ આક્ષેપ કરવામાં આવી રહ્યો છે કે નિયમ મુજબ મળવાપાત્ર અનાજ કરતાં 2 થી 3 કિલો ઓછું અનાજ આપવામાં આવે છે. લોકો હક્કનું અનાજ માંગે તો વિવિધ બહાના બતાવી મામલો દબાવવાનો પ્રયાસ થતો હોવાની ચર્ચાઓ છે.
આ સમગ્ર મામલે ગીર ગઢડા મામલતદાર કચેરી સુધી લેખિત રજૂઆત કરવામાં આવી હોવા છતાં હજુ સુધી કોઈ કડક કાર્યવાહી સામે આવી નથી. જેના કારણે પુરવઠા વિભાગની કામગીરી અને દેખરેખ સામે ગંભીર પ્રશ્નો ઉભા થયા છે.
મોબાઇલમાં આવતા અનાજ વિતરણના મેસેજ અંગે પણ અનેક ફરિયાદો સામે આવી રહી છે. કેટલાક કિસ્સાઓમાં મેસેજ મોડા આવે છે તો કેટલાક લાભાર્થીઓમાં વિતરણની માહિતી અંગે ગેરસમજ ઉભી થઈ રહી છે.
સરકાર ગરીબ અને મધ્યમવર્ગીય પરિવારો સુધી પારદર્શક રીતે અનાજ પહોંચે તે માટે નિયમો બનાવે છે, પરંતુ જો મેદાન સ્તરે જ નિયમોનું પાલન ન થાય તો જવાબદારી કોની તે મોટો પ્રશ્ન બની રહ્યો છે.
હવે માંગ ઉઠી રહી છે કે તાલુકાની તમામ સસ્તા અનાજની દુકાનોની તાત્કાલિક ચકાસણી કરવામાં આવે, વિતરણ પ્રક્રિયામાં પારદર્શિતા લાવવામાં આવે, ડિજિટલ રેકોર્ડ જાહેર કરવામાં આવે અને નિયમોનો ભંગ કરનાર સામે કડક કાર્યવાહી કરવામાં આવે.
રિપોર્ટર ધર્મેશ ચાવડા


