>
Saturday, June 13, 2026

વિકાસ અને પ્રકૃતિના સમન્વય સાથે સાબરકાંઠાની ‘પ્રગતિ પથ યાત્રા’ સંપન્ન.

વિકાસ અને પ્રકૃતિના સમન્વય સાથે સાબરકાંઠાની ‘પ્રગતિ પથ યાત્રા’ સંપન્ન.

 

વીરાંજલિ વન ખાતે શહીદોને અપાઈ શ્રદ્ધાંજલિ.

 

સાબરકાંઠા જિલ્લાના સર્વગ્રાહી વિકાસ, શૈક્ષણિક ઉત્થાન અને પ્રકૃતિના જતનને જનમાનસ સુધી પહોંચાડવાના ઉમદા હેતુ સાથે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા આયોજિત ત્રિ-દિવસીય ‘પ્રગતિ પથ યાત્રા’ ત્રીજા દિવસે વિજયનગર તાલુકાના વિકાસલક્ષી અને પર્યાવરણીય પ્રકલ્પોની મુલાકાત સાથે ઉત્સાહભેર સંપન્ન થઈ હતી.

યાત્રાના અંતિમ અને ત્રીજા દિવસે વિજયનગર તાલુકાના અંતરિયાળ અને પ્રકૃતિના ખોળે વિકસેલા પ્રવાસન તેમજ પર્યાવરણના વિવિધ પ્રોજેક્ટ્સની પ્રત્યક્ષ ઝાંખી કરીને વહીવટી તંત્ર અને પદાધિકારીશ્રીઓ દ્વારા તેની વિગતવાર સમીક્ષા કરવામાં આવી હતી.

 

આ પ્રગતિ પથ યાત્રાના ત્રીજા દિવસે સૌથી પહેલાં વિજયનગર તાલુકાના અંદ્રોખા ગામ નજીક આવેલ વનસ્પતિ ઉદ્યાન એટલે કે ‘બોટની ગાર્ડન’ની મુલાકાત લેવામાં આવી હતી. પોલો ફોરેસ્ટના હર્બલ અને બોટેનિકલ ગાર્ડન તરીકે ઓળખાતા તથા વણજ અને હરણાવ નદીની નજીક આવેલા આ સમૃદ્ધ પર્યાવરણીય સ્થળે વિવિધ પ્રકારની વનસ્પતિઓ, ઔષધીય જડીબુટ્ટીઓ તેમજ પ્રકૃતિ શિક્ષણ માટેના કુદરતી માર્ગોની વિશેષતાઓ અંગે ઝીણવટભરી માહિતી મેળવવામાં આવી હતી.

 

ત્યારબાદ પ્રવાસન અને જળસંચય ક્ષેત્રે જિલ્લાના મહત્વના પ્રોજેક્ટ એવા વણજ ખાતેના ‘હરણાવ જળાશય યોજના’ (વણજ ડેમ) ની મુલાકાત લેવાઈ હતી. અંદાજિત રૂપિયા ૯.૩૨ કરોડના ખર્ચે પોલો ફોરેસ્ટના સુરક્ષિત જળાશય વિસ્તારમાં બનેલ આ મનોહર સ્થળ ટ્રેકિંગ, પક્ષી નિરીક્ષણ (બર્ડ વોચિંગ) અને પિકનિક માટે આકર્ષણનું કેન્દ્ર બન્યું છે, જ્યાંથી અરવલ્લીની પર્વતમાળા અને ઉષ્ણકટિબંધીય શુષ્ક પાનખર જંગલોના મનમોહક દ્રશ્યો નિહાળી શકાય છે.

 

યાત્રાના અંતિમ ચરણમાં અને આ ત્રિ-દિવસીય પ્રગતિ પથ યાત્રાના સમાપન સ્થળ તરીકે વિજયનગરના પાલ ગામ ખાતે સ્થિત ‘વીરાંજલિ વન’ (શહીદ વન) સ્મારકની ભાવસભર મુલાકાત લેવામાં આવી હતી.

 

અંદાજિત રૂપિયા ૯.૭૫ કરોડના ખર્ચે આશરે ૫.૮ હેક્ટર વિસ્તારમાં ફેલાયેલા આ વિશિષ્ટ વનની મુલાકાત લઈ ઉપસ્થિત મહાનુભાવો અને અધિકારીઓએ પાલ-દઢવાવના શહીદોની સ્મૃતિને નમન કર્યા હતા અને શહીદોના બલિદાન પ્રત્યે શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી. કુદરતી સૌંદર્ય, હરિયાળી અને શાંતિપૂર્ણ વાતાવરણના અનોખા સમન્વય સમાન આ સ્થળે પ્રકૃતિનો આનંદ માણી પ્રગતિ પથ યાત્રાને પૂર્ણ જાહેર કરાઈ હતી.

 

આ ત્રિ-દિવસીય પ્રગતિ પથ યાત્રાનો પ્રારંભ પ્રાંતિજના સેન્ટર ઓફ એક્સેલન્સ વદરાડ ખાતેથી કરવામાં આવ્યો હતો અને તેનું ભવ્ય સમાપન વિજયનગરના ઐતિહાસિક વીરાંજલિ વન ખાતે થયું હતું. વિજયનગરના વીરાંજલિ વન ખાતે ઉપસ્થિત મહાનુભાવો દ્વારા પર્યાવરણના જતન અને હરિયાળીના સંદેશ સાથે ભાવપૂર્વક વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું.

 

આ પ્રગતિપથ યાત્રામાં જિલ્લા પંચાયત પ્રમુખશ્રી રીનાબેન પટેલ , જિલ્લા ઉપ પ્રમુખ અશોકભાઈ જોષી , જિલ્લા પંચાયત સદસ્યશ્રી બબુબેન પી રબારી, જિલ્લા કલેક્ટર લલિત નારાયણ સિંઘ સાંદુ, શ્રી અશ્વિનભાઈ કોટવાલ સહિતના મહાનુભાવો જોડાયા હતા. આ સાથે જ તાલુકા પંચાયત પ્રમુખ, પ્રાંત અધિકારી, મામલતદાર અને તાલુકા વિકાસ અધિકારી સહિતના વહીવટી તંત્રના ઉચ્ચ અધિકારીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા

 

બ્યુરો રિપોર્ટ… વિશાલ ચૌહાણ સાબરકાંઠા

 

મો ન 9998340891

- Advertisement -
અન્ય સમાચાર
Advertisements
 
Polls
તાજા સમાચાર
Live Scores