>
Friday, June 26, 2026

સાબરકાંઠા માં કોમી એકતા સાથે મોહરમ પર્વની શાંતિપૂર્ણ ઉજવણી

સાબરકાંઠા માં કોમી એકતા સાથે મોહરમ પર્વની શાંતિપૂર્ણ ઉજવણી

 

તાજીયાના જુલૂસ નીકળ્યા

 

 

સાબરકાંઠા જિલ્લામાં મોહરમ પર્વની પરંપરાગત અને શાંતિપૂર્ણ માહોલમાં ઉજવણી કરવામાં આવી હતી. હિંમતનગર તાલુકાના ઈલોલ, વક્તાપુર, કાનઈ, હિંમતનગર છાપરિયા, માળી છાપરિયા અને અન્ય વિસ્તારોમાંથી કોમી એકતાના પ્રતીક સમાન મોહરમના દસમા દિવસે તાજીયાના ભવ્ય જુલૂસ નીકળ્યા હતા. મોહરમના આ દસમા દિવસને ‘આશુરા’ તરીકે ઓળખવામાં આવે છે.

આ પવિત્ર અને સંવેદનશીલ પ્રસંગે સાબરકાંઠા જિલ્લા પોલીસ સ્ટાફ દ્વારા કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે અલગ-અલગ વિસ્તારોમાં ચુસ્ત પેટ્રોલિંગ કરવામાં આવ્યું હતું.

 

મોહરમ નિમિત્તે નક્કી કરાયેલા રૂટ પર ધાર્મિક જુલૂસનું આયોજન કરવામાં આવ્યું હતું.

 

સમગ્ર તહેવાર શાંતિપૂર્ણ રીતે ઉજવાય તે માટે પોલીસ જવાનો ખડેપગે તૈનાત જોવા મળ્યા હતા.

તહેવાર દરમિયાન શહેરમાં શાંતિ, સલામતી અને કોમી એકતાનો માહોલ જળવાઈ રહે તે માટે સાબરકાંઠા જિલ્લા વહીવટી તંત્ર અને પોલીસ પ્રશાસન સંપૂર્ણપણે સતર્ક જોવા મળ્યું હતું. આ જુલુસ દરમિયાન કાયદો અને વ્યવસ્થાની સ્થિતિની જાત-તપાસ કરવા માટે જિલ્લા કલેક્ટરશ્રી તેમજ સાબરકાંઠા જિલ્લા પોલીસ અધિક્ષક (S.P.) ખાસ ઘટનાસ્થળે હાજર રહ્યા હતા. ઉચ્ચ અધિકારીઓની આ પ્રત્યક્ષ હાજરીને કારણે સ્થાનિક લોકો અને શાંતિ સમિતિના સભ્યોમાં પણ ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો.

 

 

કરબલાના શહીદોની યાદ અને બલિદાનનો ઇતિહાસ..

 

મોહરમનો આ દિવસ કરબલાના ઐતિહાસિક યુદ્ધ અને હઝરત ઈમામ હુસૈન તથા તેમના સાથીઓના સર્વોચ્ચ બલિદાનની યાદ અપાવે છે. ઇતિહાસ અનુસાર, ઈમામ હુસૈન અને તેમના પરિવારના સભ્યો, યુવાનો તેમજ વૃદ્ધો સહિત 72 વફાદાર સાથીઓ યઝીદની હજારોની ક્રૂર સેના સામે હિંમતપૂર્વક લડ્યા હતા. આ ધર્મયુદ્ધ દરમિયાન તેમની પાસે અન્ન કે પાણીનો એક ટીંપો પણ નહોતો.

યુદ્ધની શરૂઆત પહેલાં ઈમામ હુસૈને યઝીદની સેનાને ઇસ્લામના સાચા મૂલ્યો અને માનવતા યાદ કરાવવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ સત્તાના નશામાં ચૂર સેનાએ તેમની વાત સાંભળી ન હતી. આ યુદ્ધમાં ઈમામ હુસૈનના ભાઈ હઝરત અબ્બાસ અલમદાર, જેઓ નાના બાળકો માટે નદીએથી પાણી લાવવાનો પ્રયાસ કરી રહ્યા હતા, તેમને નિર્દયતાથી શહીદ કરવામાં આવ્યા હતા. આ ઉપરાંત, ઈમામ હુસૈનના યુવાન પુત્ર અલી અકબર અને માત્ર છ મહિનાના માસૂમ બાળક અલી અસ્ગરને પણ તરસ્યા જ શહીદ કરી દેવાયા હતા.

 

સામાજિક જાગૃતિના કાર્યો: બ્લડ ડોનેશન અને વૃક્ષારોપણ..

 

સાબરકાંઠા જિલ્લામાં મોહરમના 10 દિવસ દરમિયાન માત્ર શોક જ નહીં, પરંતુ માનવતાવાદી અને સામાજિક જાગૃતિના અનેક અનોખા કાર્યક્રમો પણ યોજાયા હતા. ઠેર-ઠેર સ્ટોલ ઊભા કરીને રાહદારીઓ અને આમ પબ્લિક માટે ઠંડા શરબત, પાણી અને અન્ય ચીજવસ્તુઓનું વિતરણ કરવામાં આવ્યું હતું.

વર્તમાન સંજોગોને ધ્યાનમાં રાખીને પર્યાવરણની જાળવણી માટે ખાસ ‘વૃક્ષારોપણ કાર્યક્રમ’ રાખવામાં આવ્યો હતો, જેમાં લોકોને વિનામૂલ્યે વૃક્ષના રોપા વહેંચવામાં આવ્યા હતા. આ સાથે જ **’પાણી બચાવો, વૃક્ષ વાવો’** જેવા સામાજિક અભિયાનો ચલાવવામાં આવ્યા હતા અને રક્તદાન (બ્લડ ડોનેશન) કેમ્પનું પણ ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું, જે કોમી એકતા અને માનવ સેવા ઉદાહરણ પૂરું પાડે છે.

 

હિંમતનગર: કલેક્ટર અને જિલ્લા પોલીસ વડાની હાજરીમાં મહોર્રમની ઉજવણી

 

બ્યુરો રિપોર્ટ.. વિશાલ ચૌહાણ સાબરકાંઠા

- Advertisement -
અન્ય સમાચાર
Advertisements
 
Polls
તાજા સમાચાર
Live Scores