ખોટી નંબર પ્લેટ લગાવી દારૂની હેરાફેરી કરતી સ્કોર્પિયો એલસીબીના હાથે ઝડપાઈ
સાબરકાંઠા એલસીબીની મોટી કાર્યવાહી: ₹18.41 લાખનો દારૂ, સ્કોર્પિયો અને મોબાઇલ સહિતનો મુદ્દામાલ જપ્ત..
સાબરકાંઠા જિલ્લામાં દારૂના ગેરકાયદે વેપાર સામે એલસીબી દ્વારા વધુ એક સફળ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. ઉચ્ચ અધિકારીઓની સૂચના અને માર્ગદર્શન હેઠળ એલસીબીની ટીમે તલોદ પોલીસ સ્ટેશન વિસ્તારના પુન્સરી ગામની સીમમાં બાતમીના આધારે વાહન ચેકિંગ દરમિયાન એક કાળા રંગની સ્કોર્પિયો કારને અટકાવી તપાસ કરતાં ભારતીય બનાવટનો વિદેશી દારૂનો જથ્થો મળી આવ્યો હતો.
તપાસ દરમિયાન સ્કોર્પિયો કારમાંથી 83 પેટીમાં ભરેલી કુલ 2,436 બોટલ/ટીન (895 લિટર) ભારતીય બનાવટનો વિદેશી દારૂ મળી આવ્યો હતો, જેની કિંમત ₹8,31,388 થાય છે. ઉપરાંત ₹10 લાખની સ્કોર્પિયો કાર અને બે મોબાઇલ ફોન સહિત કુલ ₹18,41,388નો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો હતો.
તપાસમાં વધુ ચોંકાવનારી હકીકત સામે આવી હતી કે સ્કોર્પિયોનું અસલ રજીસ્ટ્રેશન નંબર RJ27UC7139 હોવા છતાં તેના પર GJ06PR2394ની ખોટી નંબર પ્લેટ લગાવી હેરાફેરી કરવામાં આવી રહી હતી. આ મામલે પોલીસે ગુજરાત પ્રોહિબિશન એક્ટ તથા ભારતીય ન્યાય સંહિતાની સંબંધિત કલમો હેઠળ ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી છે.
આ કાર્યવાહી દરમિયાન પોલીસે રાજસ્થાનના રહેવાસી મહેન્દ્ર ઉર્ફે જેકી મોહનલાલ ડાંગી અને પ્રકાશ પ્રેમલાલ પટેલની ધરપકડ કરી છે. જ્યારે દારૂ મોકલનાર, માલ ભરાવનાર અને અમદાવાદ ખાતે માલ સ્વીકારનાર સહિત ત્રણ આરોપીઓને વોન્ટેડ જાહેર કરી તેમની શોધખોળ હાથ ધરવામાં આવી છે.
સાબરકાંઠા એલસીબીના પોલીસ ઇન્સ્પેક્ટર ડી.સી. સાકરીયાના માર્ગદર્શન હેઠળ પો.સબ.ઇન્સ્પેક્ટર આર.જે. જાડેજા તથા એલસીબીની ટીમે સમગ્ર કાર્યવાહી સફળતાપૂર્વક પાર પાડી હતી.
બ્યુરો રિપોર્ટ… વિશાલ ચૌહાણ સાબરકાંઠા
મો ન 9998340891


