ખેડબ્રહ્માના નવા ચાપલપુર વસાહતમાં બંધ મકાનમાં અગમ્ય કારણોસર આગ લાગી..
ઘરવખરી બળીને ખાખ, ફાયર બ્રિગેડની ત્વરિત કામગીરીથી આગ કાબૂમાં આવી
ખેડબ્રહ્મા શહેરના નવા ચાપલપુર વસાહતમાં રવિવારે સવારે અંદાજે 11:00 વાગ્યે એક બંધ મકાનમાં અગમ્ય કારણોસર અચાનક આગ લાગતાં વિસ્તારમાં દોડધામ મચી ગઈ હતી.
સ્થાનિકોએ ધુમાડો અને આગની જ્વાળાઓ જોઈ તાત્કાલિક ખેડબ્રહ્મા નગરપાલિકાના સેનેટરી ઇન્સ્પેક્ટર નરેન્દ્રસિંહ પરમારને જાણ કરી હતી. જાણ થતાં જ નગરપાલિકાની ફાયર બ્રિગેડની ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી.
ફાયર બ્રિગેડના કર્મચારીઓ સંતોષ પટેલ અને સીતારામે ત્વરિત પાણીનો મારો ચલાવી આગ પર કાબૂ મેળવ્યો હતો. સમયસર કામગીરી થતાં આગને આસપાસના મકાનો સુધી ફેલાતી અટકાવવામાં સફળતા મળી હતી.

જોકે આગની ઘટનામાં મકાનમાં રહેલી ઘરવખરી સંપૂર્ણપણે બળીને ખાખ થઈ ગઈ હોવાનું જાણવા મળ્યું છે. સદનસીબે ઘટના સમયે મકાન બંધ હોવાથી કોઈ જાનહાનિ કે ઇજા થઈ નથી.
આગ લાગવાનું ચોક્કસ કારણ હજુ સુધી જાણવા મળ્યું નથી. સંબંધિત તંત્ર દ્વારા આગના કારણ અંગે વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.
બ્યુરો રિપોર્ટ.. વિશાલ ચૌહાણ સાબરકાંઠા
મો ન 9998340891


