બ્યુરો રિપોર્ટર કમલેશ સિંધી સાબરકાંઠા
ગઢોડા સ્થિત કેદાર સિટી રેસીડેન્સીમાં લાઈટ બિલ બાકી રહેતા લાઈટ કનેક્શન કપાઈ જવાને કારણે રાત્રે અંધારું રહે છે અને તેની અસરરૂપે અંદરથી વારંવાર બાઈક ચોરીની ઘટનાઓ બનતી હોવાનો રહેવાસીઓનો આક્ષેપ છે.
મળતી માહિતી મુજબ રેસીડેન્સીના કોમન એરિયામાં વીજળી બિલ ન ભરાતા વીજ પુરવઠો બંધ કરી દેવામાં આવ્યો છે. રહેવાસીઓ દ્વારા વારંવાર બિલ્ડરને રજૂઆત કરવામાં આવી હોવા છતાં બિલ્ડરનું કહેવું છે કે સોસાયટીની જવાબદારી હવે કમિટીને સોંપી દેવામાં આવી છે. બીજી તરફ કમિટીના પ્રતિનિધિઓનું કહેવું છે કે ઘણા રહેવાસીઓ મેન્ટેનન્સ ચૂકવતા નથી, જેના કારણે બિલ ભરવામાં મુશ્કેલી પડે છે.
લાઈટ બંધ હોવાથી રાત્રિના સમયે સમગ્ર પરિસર અંધકારમય બની જાય છે, જેના કારણે સુરક્ષાનો પ્રશ્ન ઉભો થયો છે. અગાઉ પણ રેસીડેન્સીમાંથી બાઈક ચોરી થયાની ઘટનાઓ સામે આવી ચૂકી છે.
રહેવાસીઓએ માંગ કરી છે કે તાત્કાલિક લાઈટ બિલની સમસ્યા ઉકેલી કોમન એરિયામાં વીજ પુરવઠો ફરી શરૂ કરવામાં આવે તથા સુરક્ષા માટે જરૂરી પગલાં લેવાય. સ્થાનિક પ્રશાસન અને પોલીસ તંત્ર દ્વારા પણ આ મામલે યોગ્ય તપાસ અને કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ ઉઠી રહી છે.


