*બનાસકાંઠામાં બોર્ડની પરીક્ષાના પ્રથમ દિવસે હકારાત્મક ઉર્જાનો સંચાર: વહીવટી તંત્રની પ્રેરણાદાયી પહેલ*
*કોઈપણ પ્રકારના ડર વગર, શાંત ચિત્તે અને આત્મવિશ્વાસ સાથે પરીક્ષા આપો:- જિલ્લા કલેકટરશ્રી મિહિર પટેલ*

*શ્રી કે.કે.ગોઠી વિદ્યાલય પાલનપુર ખાતે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા બોર્ડ પરીક્ષાર્થીઓનું આત્મીય સ્વાગત*

*બોર્ડ પરીક્ષા માટે તમામ કેન્દ્રો CCTV અને મેડિકલ સુવિધાઓથી સજ્જ :- જિલ્લા કલેકટરશ્રી મિહિર પટેલ*
*બનાસકાંઠામાં આ વર્ષે અંદાજે ૮૮,૩૫૦ જેટલા વિદ્યાર્થીઓ ૩૧૧ પરીક્ષા કેન્દ્રો પર બોર્ડની પરીક્ષા આપશે*
—————–
(માહિતી બ્યુરો, પાલનપુર)
સમાચાર સંખ્યા:- ૮૭/૬૨
ગુજરાત રાજ્યમાં ૨૬ ફેબ્રુઆરી ૨૦૨૬થી શરૂ થયેલ એસ.એસ.સી (SSC) તથા એચ.એસ.સી (HSC) ની બોર્ડ પરીક્ષાના પ્રથમ દિવસે, પરીક્ષાર્થી વિદ્યાર્થીઓમાં આત્મવિશ્વાસ વધે અને તેઓ તણાવમુક્ત વાતાવરણમાં પરીક્ષા આપી શકે તેવા ઉમદા હેતુથી પાલનપુરની શ્રી કે. કે. ગોઠી વિદ્યાલય ખાતે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા એક વિશેષ આવકાર કાર્યક્રમનું સફળ આયોજન કરવામાં આવ્યું હતું.
જિલ્લા કલેક્ટર શ્રી મિહિર પટેલના અધ્યક્ષસ્થાને યોજાયેલા આ કાર્યક્રમમાં જિલ્લા વિકાસ અધિકારી શ્રી એમ.જે.દવે પણ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. જિલ્લા કલેકટર શ્રી તેમજ મહાનુભાવો દ્વારા પરીક્ષાર્થીઓને પુષ્પગુચ્છ અને પેન આપીને તેમજ સાકરથી મોઢું મીઠું કરાવીને અત્યંત આત્મીયતાપૂર્વક આવકારવામાં આવ્યા હતા. આ પ્રેરણાદાયી પહેલ દ્વારા વિદ્યાર્થીઓમાં સકારાત્મક ઉર્જાનો સંચાર થાય અને તેઓ નિર્ભયતાપૂર્વક મજબૂત મનોબળ સાથે પરીક્ષા ખંડમાં પ્રવેશ કરે તેવો પ્રયાસ કરવામાં આવ્યો હતો. જિલ્લા વહીવટી તંત્રના આ ઉષ્માભર્યા અભિગમને કારણે પરીક્ષાના પ્રથમ દિવસે વિદ્યાર્થીઓના ચહેરા પર આત્મવિશ્વાસ અને હર્ષની ઝલક સ્પષ્ટપણે જોવા મળી હતી.

આ પ્રસંગે જિલ્લા કલેકટરશ્રી મિહિર પટેલે આજથી શરૂ થતી ધોરણ ૧૦ અને ૧૨ની બોર્ડની પરીક્ષાઓ અંગે જિલ્લાના તમામ વિદ્યાર્થીઓને વહીવટી તંત્ર વતી શુભેચ્છાઓ પાઠવી હતી. તેમણે જણાવ્યું હતું કે, જિલ્લામાં આ વર્ષે અંદાજે ૮૮,૩૫૦ જેટલા વિદ્યાર્થીઓ ૩૧૧ પરીક્ષા કેન્દ્રો પર પરીક્ષા આપનાર છે. પરીક્ષાનું સંચાલન સંપૂર્ણ પારદર્શક વાતાવરણમાં થાય તે માટે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા તમામ પૂર્વ તૈયારીઓ કરી લેવામાં આવી છે, જેમાં ૭૦થી વધુ ઓબ્ઝર્વરની નિમણૂક કરવામાં આવી છે. આ ઉપરાંત, તમામ પરીક્ષા કેન્દ્રોને CCTV કેમેરા અને મેડિકલ સુવિધાઓથી સજ્જ કરવામાં આવ્યા છે. પરીક્ષાના પ્રથમ દિવસે વિદ્યાર્થીઓનો ઉત્સાહ વધારવા માટે તમામ ૩૧૧ કેન્દ્રો પર વિધાર્થીઓનું ગુલાબનું ફૂલ, પેન અને સાકર આપીને ઉષ્માભર્યું સ્વાગત પણ કરવામાં આવ્યું હતું.
અહેવાલ = અલ્તાફ મેમણ







Total Users : 145600
Views Today : 