સાબરકાંઠા જિલ્લામાં LPG સિલિન્ડરનો પર્યાપ્ત જથ્થો ઉપલબ્ધ: કલેક્ટર કચેરી ખાતે ગેસ એજન્સીઓની સમીક્ષા બેઠક યોજાઈ
ગેસની સંગ્રહખોરી કે કાળાબજારી કરનારા સામે કડક કાર્યવાહી કરવા સૂચના અપાઈ
ગ્રાહકોને બિનજરૂરી બુકિંગ કે સંગ્રહ ન કરવા તંત્રનો અનુરોધ: તમામ ૨૦ ગેસ એજન્સીઓને નિયમોનું ચુસ્ત પાલન કરવા તાકીદ
સાબરકાંઠા જિલ્લાના નાગરિકોને ઘરેલુ ગેસનો પૂરતો જથ્થો મળી રહે અને વિતરણ વ્યવસ્થા સુચારૂ રહે તે હેતુથી જિલ્લા કલેક્ટર લલિત નારાયણ સિંઘ સાંદુના માર્ગદર્શન હેઠળ જિલ્લા કલેક્ટર કચેરી ખાતે એક મહત્વની બેઠક યોજાઈ હતી. જિલ્લા પુરવઠા અધિકારી મૌલિક ડાંગાના અધ્યક્ષસ્થાને યોજાયેલી આ જિલ્લા કક્ષાની બેઠકમાં જિલ્લાના તમામ તાલુકાઓમાં કાર્યરત વિવિધ ઓઇલ માર્કેટીંગ કંપનીઓની ગેસ એજન્સીઓના પ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યા હતા. બેઠકનો મુખ્ય ઉદ્દેશ્ય જિલ્લામાં LPG, CNG અને PNGના જથ્થાની ઉપલબ્ધતાની સમીક્ષા કરવાનો અને વિતરણ વ્યવસ્થામાં પારદર્શિતા જાળવવાનો હતો.

આ બેઠકમાં સાબરકાંઠા જિલ્લાના ૮ તાલુકાઓમાં કાર્યરત કુલ ૨૦ ગેસ એજન્સીઓના પ્રતિનિધિઓએ ભાગ લીધો હતો, જેમાં IOCLની ૧૦, BPCLની ૦૬ અને HPCLની ૦૪ એજન્સીઓનો સમાવેશ થાય છે. આ ઉપરાંત IOCL, HPCL અને BPCLના સેલ્સ ઓફિસર તેમજ સાબરમતી ગેસ એજન્સીના મેનેજર પણ ઉપસ્થિત રહ્યા હતા. બેઠક દરમિયાન કંપનીના અધિકારીઓએ ખાતરી આપી હતી કે જિલ્લામાં ઘરેલુ LPG કનેક્શન તેમજ CNG અને PNG માટે પર્યાપ્ત જથ્થો ઉપલબ્ધ છે અને પુરવઠાની કોઈ અછત નથી.
બેઠકમાં રાજ્ય સરકારની સૂચનાઓનો હવાલો આપી ગેસ એજન્સીઓને કડક તાકીદ કરી હતી કે જિલ્લામાં LPG સિલિન્ડરોનો બિનજરૂરી સંગ્રહ કે કાળાબજારી ન થાય તેની પૂરતી તકેદારી રાખવી. ગેસ એજન્સી ધારકોએ ગ્રાહકોને નિશ્ચિત સમયમર્યાદામાં સિલિન્ડર પૂરા પાડવા ઉપરાંત નિયત ભાવ, સત્તાવાર રિસિપ્ટ અને નિર્ધારિત વજન મુજબ જ ગેસનું વિતરણ કરવાની ખાતરી કરવા જણાવાયું હતું. ગ્રાહક સેવાઓમાં કોઈ પણ પ્રકારની શિથિલતા ચલાવી લેવામાં આવશે નહીં તેમ સ્પષ્ટ કરવામાં આવ્યું હતું.
વહીવટી તંત્ર દ્વારા ગેસ વિતરણ વ્યવસ્થા પર ચાંપતી નજર રાખવા માટે તમામ તાલુકાના મામલતદારો, નાયબ મામલતદાર (પુરવઠા) અને નાયબ મામલતદાર (MDM)ને તાલુકા કક્ષાએ નિયમિત બેઠકો યોજવા આદેશ અપાયો છે. આ અધિકારીઓને દૈનિક ધોરણે ગેસની માંગ અને પુરવઠાનું સઘન મોનીટરીંગ કરવા સૂચના આપવામાં આવી છે. જો કોઈ ગેસ એજન્સી ગેરરીતિ આચરતા ઝડપાશે તો તેની સામે આવશ્યક ચીજવસ્તુ અધિનિયમ-૧૯૫૫ અને LPG કંટ્રોલ ઓર્ડર-૨૦૦૦ની વિવિધ જોગવાઈઓ હેઠળ કડક શિક્ષાત્મક કાર્યવાહી કરવામાં આવશે.
સેલ્સ ઓફિસરો દ્વારા માહિતી આપવામાં આવી હતી કે હાલમાં કોમર્શિયલ ગેસ અંગે કેન્દ્ર સરકારની એડવાઇઝરી મુજબ કામગીરી ચાલી રહી છે. વધુમાં, હાલના સંજોગોમાં ડિલિવરીનો સમયગાળો ૨૧ દિવસના બદલે ૨૫ દિવસ કરવામાં આવ્યો હોવાની જાણકારી પણ આપવામાં આવી હતી. આ ફેરફાર છતાં જિલ્લામાં ઘરેલુ LPG સિલિન્ડરની કોઈ અછત ન હોવાનું વહીવટી તંત્ર દ્વારા પુનઃ ઉચ્ચારવામાં આવ્યું છે.
અંતમાં, જિલ્લા વહીવટી તંત્ર અને ઓઇલ માર્કેટીંગ કંપનીઓએ સંયુક્ત રીતે જનતાને અપીલ કરી છે કે જિલ્લામાં ગેસનો જથ્થો પૂરતો હોવાથી નાગરિકોએ ગભરાવાની કે બિનજરૂરી સંગ્રહ કરવાની જરૂર નથી. ગ્રાહકોને જરૂરિયાત વગર એડવાન્સ બુકિંગ ન કરવા અને સંગ્રહખોરીથી બચવા અનુરોધ કરાયો છે. સામાન્ય જનતાને કોઈ અગવડ ન પડે તે માટે તંત્ર દ્વારા એક્શન પ્લાન તૈયાર કરી સઘન પ્રયાસો હાથ ધરવામાં આવ્યા છે. આ બેઠકમાં તમામ તાલુકાના મહેસૂલી અધિકારીઓ અને એજન્સીના પ્રતિનિધિઓ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા.
બ્યુરો રિપોર્ટ …વિશાલ ચૌહાણ સાબરકાંઠા
મો ન 9998340891







Total Users : 145600
Views Today : 