>
Thursday, April 2, 2026

વડાલીમાં નવી ટ્રેન નું સ્ટોપેજ ન હોય મુસાફરોને ખેડબ્રહ્મા અને ઇડરની ટિકિટ ફરજિયાત લેવી પડે છે

વડાલીમાં નવી ટ્રેન નું સ્ટોપેજ ન હોય મુસાફરોને ખેડબ્રહ્મા અને ઇડરની ટિકિટ ફરજિયાત લેવી પડે છે

 

400 મીટરના પ્લેટફોર્મના બદલે 250 મીટર નું પ્લેટફોર્મ બનાવતા સ્ટોપેજ ન મળ્યું

 

અસારવા—ખેડબ્રહ્મા મેમૂ ટ્રેનને વડાપ્રધાન દ્વારા 31 માર્ચે લીલી ઝંડી બતાવ્યા બાદ વડાલી અને જાદર જેવા રેલવે સ્ટેશનોને સ્ટોપેજ ન મળ્યું હોવાની વિગતો બહાર આવી છે. વડાલીના વતની અને હાલ અમદાવાદ – ખાતે રહેતા નિર્મલ પંચાલે – જણાવ્યું કે જ્યારે તેઓ -અમદાવાદના નરોડા રેલ્વે સ્ટેશન પર ટિકિટ લેવા ગયા ત્યારે કાઉન્ટર પરથી જાણવા મળ્યું હતું

 

કે વડાલીનું સ્ટોપેજ ઉપલબ્ધ નથી. આથી મુસાફરોએ ફરજિયાતપણે ઈડર અથવા ખેડબ્રહ્માની ટિકિટ લેવી પડે છે. સાબરકાંઠા સાંસદ શોભનાબેન બારૈયાએ આ મુદ્દે પ્રતિક્રિયા આપતા જણાવ્યું હતું કે, લાંબી ટ્રેનોને ઉભી રાખવા માટે હાલનું પ્લેટફોર્મ સાંકડું (ટૂંકું) પડે છે. આ અંગે રેલવે વિભાગમાં રજૂઆત કરવામાં આવી છે અને શક્ય તેટલું ઝડપથી પ્લેટફોર્મની લંબાઈ વધારીને સમસ્યાનું નિરાકરણ લાવવા માટે તજવીજ હાથ ધરી છે

 

બ્રોડગેજ રેલવે પ્રોજેક્ટની કામગીરી પૂર્ણ થયા બાદ, 31 માર્ચે વડાપ્રધાને વર્ચ્યુઅલ લોકાર્પણ કરીને ખેડબ્રહ્માથી ટ્રેન દોડાવી હતી. વેસ્ટર્ન રેલવે દ્વારા દાવો કરવામાં આવ્યો હતો કે હિંમતનગર, ઈડર, વડાલી અને ખેડબ્રહ્માના વિસ્તારોને ઝડપી કનેક્ટિવિટી મળશે, જેનાથી મુસાફરો, વેપારીઓ અને ખેડૂતોને મોટો ફાયદો થશે. પરંતુ શાકભાજીનું હબ ગણાતા વડાલી પંથકના ખેડૂતોને હજુ મહિનાઓ સુધી રેલવે સેવાનો લાભ લેવા માટે રાહ જોવી પડે તેવી સ્થિતિ સર્જાઈ છે.

 

આ અંગે તપાસ કરતા રેલવેના એન્જિનિયરિંગ સિવિલ વિભાગના સુપરવિઝન અને ઇન્સ્પેક્શન સહિત દૂરંદેશીતાનો અભાવ હોવાનું સામે આવ્યું છે. ટ્રેનને ઉભી રાખવા—સ્ટોપેજ માટે 400 મીટરના પ્લેટફોર્મની જરૂરિયાત હોય છે, જેની સામે વડાલીમાં માત્ર 250 મીટરનું જ પ્લેટફોર્મ બનાવવામાં આવ્યું છે, જેના કારણે ટ્રેનને અહીં ઉભી રાખવી શક્ય નથી.

સ્ટોપેજ ન હોવા અંગે વેસ્ટર્ન રેલવેના અજયભાઈ સોલંકીએ જણાવ્યું હતું કે, તેઓ આ મામલે ઓપરેટિંગ ડિવિઝનમાં તપાસ કરીને વિગતો આપશે. પશ્ચિમ રેલ્વેની સલાહકાર સમિતિના સભ્ય મોહનભાઈએ જણાવ્યું હતું કે વડાલી સ્ટેશન પર હાલમાં પ્લેટફોર્મની લંબાઈ માત્ર 250 મીટર જ છે, જ્યારે ટ્રેનના સ્ટોપેજ માટે પ્લેટફોર્મની લંબાઈ લઘુત્તમ 400 મીટર હોવી અનિવાર્ય છે. આ મર્યાદાને કારણે હાલમાં ટ્રેનો ઉભી રાખવી શક્ય નથી. આ અંગે ઉચ્ચ સ્તરે રજૂઆત કરવામાં આવી છે અને આગામી બે થી ત્રણ મહિનામાં પ્લેટફોર્મ લંબાવવાની કામગીરી પૂર્ણ થવાની શક્યતા છે. આ કામગીરી પૂર્ણ થયા બાદ વડાલી રેલ્વે સ્ટેશનને વિધિવત સ્ટોપેજ ફાળવવામાં આવશે તેવી ખાતરી પણ તેમણે આપી હતી

 

બ્યુરો રિપોર્ટ… વિશાલ ચૌહાણ સાબરકાંઠા

 

મો ન 9998340891

- Advertisement -
અન્ય સમાચાર
Advertisements
 
Polls
તાજા સમાચાર
Live Scores