સાબરકાંઠાના તિરૂપતિ ઋષિવન ખાતે રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીની અધ્યક્ષતામાં ભવ્ય પ્રાકૃતિક કૃષિ સંમેલન યોજાયું
રાસાયણિક ખેતીના ઝેરથી મુક્ત થઈ દેશી ગાય આધારિત પ્રાકૃતિક ખેતી અપનાવવા રાજ્યપાલનું આહવાન

રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીએ પ્રાકૃતિક ખેતી મિશન માટે મળેલી રૂ. ૧.૧૧ લાખની રાશિ ‘ગંગા સ્વરૂપા’ બહેનોના કલ્યાણ અર્થે અર્પણ કરી
સાબરકાંઠા જિલ્લાના દેરોલ ગામ સ્થિત તિરૂપતિ ઋષિવન ખાતે ગ્રીન ગ્લોબલ બ્રિગેડ અને અસ્મિતા ફાઉન્ડેશન દ્વારા આયોજિત પ્રાકૃતિક કૃષિ ખેડૂત સંમેલનમાં રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીએ ખેતી અને પર્યાવરણના જતન માટે મક્કમ નિર્ધાર વ્યક્ત કર્યો હતો. આ ભવ્ય સંમેલનમાં રાજ્યપાલશ્રીએ રાસાયણિક ખેતીના ગંભીર દુષ્પરિણામો સામે લાલબત્તી ધરતા જણાવ્યું હતું કે, ગુજરાતમાં અત્યાર સુધીમાં ૮ લાખથી વધુ ખેડૂતો દેશી ગાય આધારિત પ્રાકૃતિક ખેતીના મહાઅભિયાનમાં જોડાઈ ચૂક્યા છે, જે પરિવર્તનની દિશામાં એક મોટું કદમ છે.

આ પ્રસંગે પરમ પૂજ્ય સ્વામી સચ્ચિદાનંદજી મહારાજે વિશેષ ઉપસ્થિત રહીને ઉપસ્થિત જનમેદનીને આશીર્વચન પાઠવ્યા હતા. સંસ્થાના ટ્રસ્ટીઓ અને સ્વામી સચ્ચિદાનંદજી દ્વારા રાજ્યપાલશ્રીનું પ્રાકૃતિક કૃષિના ‘ભીષ્મ પિતા’ નો ખિતાબ આપી વિશેષ સન્માન પણ કરવામાં આવ્યું હતું.
સંમેલનને સંબોધતા રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીએ રાસાયણિક ખાતરો અને ઝેરી જંતુનાશકોના કારણે વધતા જતા કેન્સર, હાર્ટ અટેક, ડાયાબિટીસ અને કિડની ફેલ્યોર જેવા રોગો પ્રત્યે ચિંતા વ્યક્ત કરી હતી. તેમણે એક ચોંકાવનારા વૈજ્ઞાનિક સંશોધનનો હવાલો આપતા જણાવ્યું હતું કે, ૧૦૫ માતાઓના દૂધના પરીક્ષણમાં યુરિયા અને આર્સેનિક જેવા ઝેરી તત્વો મળી આવ્યા છે, જે અત્યંત ગંભીર બાબત છે.
રાસાયણિક ખેતીને વિદેશી પદ્ધતિ ગણાવતા તેમણે ઉમેર્યું હતું કે, યુરિયાના લીધે બનતો નાઈટ્રસ ઓક્સાઈડ ગેસ કાર્બન ડાયોક્સાઈડ કરતા ૩૧૨ ગણો વધુ ખતરનાક છે, જે પર્યાવરણને નુકસાન પહોંચાડી રહ્યો છે. રાસાયણિક ખેતીના કારણે ધરતી માતા ઝેરી બની છે અને ભૂગર્ભ જળમાં પણ નાઈટ્રેટનું પ્રમાણ ભયજનક રીતે વધ્યું છે ત્યારે પ્રાકૃતિક ખેતી જ એકમાત્ર વિકલ્પ છે.
પર્યાવરણ સંરક્ષણ પર ભાર મૂકતા રાજ્યપાલશ્રીએ વૃક્ષોને ‘દેવતા’ સમાન ગણાવ્યા હતા અને કહ્યું હતું કે જે વ્યક્તિ ત્રણ વર્ષ સુધી વૃક્ષનું જતન કરે છે, તે વૃક્ષ તેને આજીવન પાળે છે.

કાર્યક્રમ દરમિયાન એક ઉમદા નિર્ણય લેતા રાજ્યપાલશ્રીએ પ્રાકૃતિક ખેતી મિશન માટે મળેલી રૂ. ૧,૧૧,૧૧૧ની રાશી સ્થળ પર જ ‘ગંગા સ્વરૂપા’ વિધવા બહેનોના કલ્યાણ અને તેમના બાળકોના શિક્ષણ માટે અર્પણ કરવાની જાહેરાત કરી હતી. તેમણે ગ્રીન ગ્લોબલ બ્રિગેડ અને તિરુપતિ ફાઉન્ડેશન જેવી સંસ્થાઓ દ્વારા કરવામાં આવતા જળ સંરક્ષણ અને પર્યાવરણના કાર્યોની મુક્ત કંઠે પ્રશંસા કરી હતી.
આ કાર્યક્રમમાં પ્રગતિશીલ ખેડૂતોનું રાજ્યપાલશ્રીના હસ્તે બહુમાન કરવામાં આવ્યું હતું. પ્રાકૃતિક કૃષિ કરતા ખેડૂતો દ્વારા તિરૂપતિ ઋષિવન ખાતે લગાવવામાં આવેલા વિવિધ સ્ટોલની મુલાકાત લઈને તેમણે ખેડૂતોને પ્રોત્સાહિત કર્યા હતા. તેમણે માસ્ટર ટ્રેનર્સ અને કૃષિ સખીઓને ગામડે-ગામડે જઈને પ્રાકૃતિક ખેતીનો પ્રચાર કરવા આહવાન કર્યું હતું જેથી ગુજરાત સમગ્ર દેશ માટે કૃષિ ક્ષેત્રે રોલ મોડેલ બની શકે.
બ્યુરો રિપોર્ટ …વિશાલ ચૌહાણ સાબરકાંઠા
મો ન 9998340891







Total Users : 145600
Views Today : 