વડાલી ખાતે સગર સમાજની કુળદેવી મા રાજરાજેશ્વરી મહાકાળી માતાજીનો 29 મો પાટોત્સવ ધામધૂમપૂર્વક ઉજવાયો
સાબરકાંઠા જિલ્લાના વડાલી તાલુકામાં આવેલ ખેડબ્રહ્મા-વડાલી રોડ પર સ્થિત મા રાજરાજેશ્વરી મહાકાળી મંદિર ખાતે સગર સમાજની કુળદેવી માનો 29મો પાટોત્સવ શ્રદ્ધા, ભક્તિ અને આધ્યાત્મિક ઉલ્લાસ સાથે ભવ્ય રીતે ઉજવાયો હતો.

આ ધાર્મિક મહોત્સવમાં કુલ 7 યજમાનો દ્વારા વૈદિક વિધિ-વિધાન સાથે પૂજન-અર્ચન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં સગર સમાજના વિવિધ એસોસિયેશનના આગેવાનો, હોદ્દેદારો, સભ્યો તેમજ સમાજના ભાઈઓ-બહેનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. ખાસ કરીને સમગ્ર સગર સમાજે પોતાના ધંધા-રોજગાર બંધ રાખીને માતાજીની આરાધના અને પૂજા-અર્ચનામાં ભાવપૂર્વક સહભાગી બની આ પાવન પ્રસંગને ભવ્યતા બક્ષી હતી.
મંદિર પરિસરમાં દિવસભર ભક્તિમય અને દિવ્ય વાતાવરણ છવાયેલું રહ્યું હતું. માતાજીના જયઘોષ, ધાર્મિક અનુષ્ઠાનો અને પૂજનવિધિઓના કારણે સમગ્ર વિસ્તાર ભક્તિરસથી ઓતપ્રોત બની ગયો હતો
મા રાજરાજેશ્વરી મહાકાળી માતાજી પ્રત્યે ભક્તોમાં વિશેષ શ્રદ્ધા અને અખંડ આસ્થા જોવા મળે છે. સ્થાનિકોમાં એવી ગાઢ માન્યતા છે કે માતાજીના પરચા ખૂબ જ પ્રગટ છે અને ભક્તો દ્વારા સચ્ચા હૃદયથી કરાયેલી પ્રાર્થનાઓ માતાજી અવશ્ય પૂર્ણ કરે છે. આ જ કારણસર આ મંદિર માત્ર સગર સમાજની કુળદેવીનું પવિત્ર ધામ જ નહીં, પરંતુ આજુબાજુના ગામો અને વિસ્તારોના હજારો શ્રદ્ધાળુઓ માટે આસ્થા અને વિશ્વાસનું કેન્દ્રસ્થાન બની રહ્યું છે. ભક્તો માતાજીના આશીર્વાદ અને કૃપાના અનેક પ્રસંગો સાથે માતાજી પ્રત્યે પોતાની અડગ ભક્તિ વ્યક્ત કરતા જોવા મળ્યા હતા
કાર્યક્રમના અનુસંધાને સાંજે મહાપ્રસાદનું વિશાળ આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં અંદાજે 10 હજાર જેટલા શ્રદ્ધાળુઓએ મહાપ્રસાદનો લાભ લીધો હતો સમગ્ર આયોજન દરમિયાન ભક્તોમાં અનોખો ઉત્સાહ, સેવા ભાવના અને ધાર્મિક એકતા જોવા મળી હતી.
આ સમગ્ર કાર્યક્રમનું સફળ આયોજન મહાકાળી મંદિર કમિટી તથા પાંચ ગામ સગર સમાજના અધ્યક્ષસ્થાને સુવ્યવસ્થિત રીતે સંપન્ન કરવામાં આવ્યું હતું.
બ્યુરો રિપોર્ટ… વિશાલ ચૌહાણ સાબરકાંઠા
મો ન 9998340891


