ખેડબ્રહ્મા પોલીસે ચોરીના ટ્રેકટર સાથે આરોપીને ગણતરીના સમયમાં ઝડપી પાડ્યો
ખેડબ્રહ્મા પોલીસે 2.05 લાખનું ટ્રેક્ટર કબજે કરી આરોપીની ધરપકડ કરી
સાબરકાંઠા જિલ્લાના પોલીસ મહાનિરીક્ષક વીરેન્દ્રસિંહ યાદવ તથા પોલીસ અધિક્ષક ડો. પાર્થરાજસિંહ ગોહીલ તેમજ નાયબ પોલીસ અધિક્ષક ડો. કુલદીપ નાયીના માર્ગદર્શન હેઠળ મિલકત તથા વાહન ચોરીના ગુનાઓ શોધી કાઢવા માટે આપવામાં આવેલી સૂચનાઓના અનુસંધાને ખેડબ્રહ્મા પોલીસ સ્ટેશન દ્વારા નોંધપાત્ર સફળતા પ્રાપ્ત કરવામાં આવી છે.
ખેડબ્રહ્મા પોલીસ સ્ટેશનમાં ભારતીય ન્યાય સંહિતા-2023ની કલમ 303(2) હેઠળ નોંધાયેલા ટ્રેક્ટર ચોરીના ગુનાની તપાસ દરમિયાન પોલીસ દ્વારા ચોરાયેલ મહિન્દ્રા યુવરાજ મીની ટ્રેક્ટર (લાલ રંગ, લીલા હુડ સાથે) ની શોધખોળ હાથ ધરવામાં આવી હતી.
તપાસ દરમિયાન ખાનગી બાતમીના આધારે લમીપુરા ચાર રસ્તા નજીક એક શંકાસ્પદ વ્યક્તિ ટ્રેક્ટર સાથે આવતો હોવાની માહિતી મળી હતી. પોલીસે સ્થળ પર વોચ ગોઠવી ટ્રેક્ટરને અટકાવી ચાલકની પૂછપરછ કરી હતી. ટ્રેક્ટર ચાલકે પોતાનું નામ સરદારભાઈ હંગરાભાઈ પારઘી (ઉંમર 20 વર્ષ), રહે. ડેરી (પારઘી ફળો), તા. કોટડા છાવણી, જિલ્લો ઉદયપુર (રાજસ્થાન) હોવાનું જણાવ્યું હતું.
પોલીસ દ્વારા ટ્રેક્ટર અંગે પૂછપરછ કરતાં આરોપી સંતોષકારક જવાબ આપી શક્યો ન હતો. ટ્રેક્ટર પર નોંધણી નંબર ન હોવા તેમજ ચેસિસ નંબર અને એન્જિન નંબરની ચકાસણી દરમિયાન ટ્રેક્ટરના માલિકીની વિગતો અલગ જણાતા આરોપીને વધુ પૂછપરછ માટે પોલીસ સ્ટેશન લાવવામાં આવ્યો હતો. સઘન પૂછપરછ દરમિયાન આરોપીએ ટ્રેક્ટર ચોરીની કબૂલાત કરી હતી.
પોલીસે ગુનામાં ચોરાયેલ અંદાજિત રૂ. 2,05,000 કિંમતનું મહિન્દ્રા યુવરાજ મીની ટ્રેક્ટર કબ્જે કરી આરોપીની ધરપકડ કરી વધુ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
આ સફળ કામગીરીમાં પોલીસ ઇન્સ્પેક્ટર ડી.વી. હડાત પોલીસ સબ ઇન્સ્પેક્ટર કે.વી. વહોનીયા તેમજ હેડ કોન્સ્ટેબલ કનુભાઈ મોઘા પોલીસ કોન્સ્ટેબલ અભિતસિંહ વણસિંહ દીપસિંહ મહેસિંહ અને વિનોદભાઈ મેવાભાઈ સહિતની ટીમે મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી.
ખેડબ્રહ્મા પોલીસ દ્વારા ગણતરીના દિવસોમાં ટ્રેક્ટર ચોરીનો ગુનો ઉકેલી ચોરાયેલ વાહન સાથે આરોપીને ઝડપી પાડવાની આ કામગીરીની જનસામાન્યમાં પ્રશંસા થઈ રહી છે.
બ્યુરો રિપોર્ટ… વિશાલ ચૌહાણ સાબરકાંઠા
મો ન 9998340891


