>
Monday, June 15, 2026

થોરડી (ગીર) ગામે આતંક મચાવનાર દીપડો બે દિવસમાં પાંજરે પુરાયો

થોરડી (ગીર) ગામે આતંક મચાવનાર દીપડો બે દિવસમાં પાંજરે પુરાયો

 

ગીરગઢડા: ગીરગઢડા તાલુકાના થોરડી (ગીર) ગામે છેલ્લા બે દિવસથી ગ્રામજનો અને ખેડૂતોમાં ભયનું વાતાવરણ સર્જનાર દીપડાને વન વિભાગે સફળ કામગીરી હાથ ધરી પાંજરે પુર્યો છે. દીપડાએ ગામની સીમમાં અલગ-અલગ સમયે હુમલા કરી ત્રણ ખેડૂતો સહિત વન વિભાગના એક રોજમદાર કર્મચારીને ઇજાગ્રસ્ત કર્યા હતા.

 

પ્રાપ્ત માહિતી મુજબ, થોરડી ગામની સીમમાં આવેલા કેળાના બગીચા અને ખેતીવાડી વિસ્તારમાં કામ કરી રહેલા ખેડૂતો પર દીપડાએ અચાનક હુમલો કર્યો હતો. આ હુમલામાં ત્રણ ખેડૂતોને સામાન્ય ઇજાઓ પહોંચી હતી. ત્યારબાદ દીપડાને શોધવા અને કાબૂમાં લેવા માટે વન વિભાગની ટીમો સતત મેદાનમાં ઉતરી હતી. શોધખોળ દરમિયાન દીપડાએ વન વિભાગના રોજમદાર કર્મચારી પર પણ હુમલો કરતા તેમને પણ સામાન્ય ઇજા પહોંચી હતી.

ઘટનાની ગંભીરતા ધ્યાનમાં રાખી વન વિભાગ દ્વારા વિસ્તારમાં પાંજરાં ગોઠવવામાં આવ્યા હતા તેમજ સતત પેટ્રોલિંગ અને મોનિટરિંગ કરવામાં આવી રહ્યું હતું. આખરે બે દિવસની ભારે જહેમત બાદ દીપડો પાંજરામાં કેદ થતાં ગ્રામજનોએ રાહતનો શ્વાસ લીધો છે.

 

દીપડાના સતત હુમલાઓને કારણે થોરડી ગામ અને આસપાસના વિસ્તારમાં લોકોમાં ભયનો માહોલ જોવા મળ્યો હતો. ખાસ કરીને ખેડૂતો અને મજૂરો ખેતરમાં કામ કરવા જતાં ડર અનુભવતા હતા. દીપડો પાંજરે પુરાતા હવે ગ્રામજનોમાં ખુશી અને રાહતની લાગણી જોવા મળી રહી છે.

 

વન વિભાગના અધિકારીઓએ જણાવ્યું હતું કે પાંજરે પુરાયેલા દીપડાની તબીબી તપાસ કરવામાં આવશે અને ત્યારબાદ નિયમ મુજબની કાર્યવાહી હાથ ધરવામાં આવશે. સાથે જ ગ્રામજનોને સાવચેતી રાખવા અને જંગલી પ્રાણીઓ દેખાય તો તાત્કાલિક વન વિભાગને જાણ કરવાની અપીલ પણ કરવામાં આવી છે.

 

રિપોર્ટર ધર્મેશ ચાવડા

- Advertisement -
અન્ય સમાચાર
Advertisements
 
Polls
તાજા સમાચાર
Live Scores