>
Friday, August 7, 2026

ઇડર નાગરિક સહકારી બેંક ની ચૂંટણી ની તારીખ જાહેર..

ઇડર નાગરિક સહકારી બેંક ની ચૂંટણી ની તારીખ જાહેર..

 

૨૩ ઓગસ્ટે મતદાન-મતગણતરી

વિકાસ પેનલે ૧૩ ઉમેદવારો જાહેર કર્યા, ૨૨,૨૨૨ સભાસદો મતાધિકારનો ઉપયોગ કરશે.

 

ઇડર નાગરિક સહકારી બેંકના નિયામક મંડળની ચૂંટણીનું જાહેરનામું બહાર પડતાં જ તાલુકાના સહકારી રાજકારણમાં હલચલ મચી ગઈ છે. આગામી તા. ૨૩ ઓગસ્ટના રોજ યોજાનારી આ ચૂંટણી માટે વિકાસ પેનલે પોતાના ૧૩ ઉમેદવારોની યાદી જાહેર કરી દીધી છે. નોંધનીય છે કે ચૂંટણી પ્રક્રિયા પૂર્ણ થયા બાદ મતદાન અને મતગણતરી એક જ દિવસે યોજાશે.

 

૪૬ માંથી ૩૮ ફોર્મ માન્ય

 

ચૂંટણી અધિકારી પીકેશભાઈ શાહે જણાવ્યું હતું કે કુલ ૪૬ ઉમેદવારી ફોર્મનું વિતરણ કરવામાં આવ્યું હતું, જેમાંથી ૪૨ ફોર્મ ભરાયા હતા. ચકાસણી દરમિયાન ૪ ફોર્મ નામંજૂર થતાં હાલ ૩૮ ઉમેદવારીપત્રો માન્ય ઠર્યા છે. ઉમેદવારી પરત ખેંચવાની પ્રક્રિયા પૂર્ણ થયા બાદ આખરી ઉમેદવારોની યાદી જાહેર કરવામાં આવશે.

 

૧૩ બેઠકો માટે જંગ

 

બેંકના નિયામક મંડળની કુલ ૧૩ બેઠકો માટે ચૂંટણી યોજાશે, જેમાં ૧૦ સામાન્ય પુરુષ, ૨ સામાન્ય મહિલા અને ૧ અનુસૂચિત જાતિની બેઠકનો સમાવેશ થાય છે. મતદાન અને મતગણતરી ઇડરના કે.એમ. પટેલ વિદ્યાસંકુલ ખાતે યોજાશે અને પરિણામ પણ એ જ સ્થળે જાહેર કરાશે.

 

૨૨,૨૨૨ સભાસદો કરશે મતાધિકારનો ઉપયોગ

 

ઇડર નાગરિક સહકારી બેંકમાં અંદાજે ૨૨,૨૨૨ નોંધાયેલા સભાસદો છે, જેઓ મતદાનના દિવસે પોતાના મતાધિકારનો ઉપયોગ કરશે. વિકાસ પેનલે ઉમેદવારો જાહેર કર્યા બાદ આગામી દિવસોમાં અન્ય પેનલો પણ મેદાનમાં ઉતરે તેવી શક્યતા છે, જ્યારે કેટલાક ઉમેદવારો સ્વતંત્ર રીતે ચૂંટણી લડે તેવી ચર્ચા સહકારી વર્તુળોમાં ચાલી રહી છે.

 

રાજકીય સમીકરણોમાં ફેરફારના સંકેત

 

સૂત્રોના જણાવ્યા મુજબ વિવિધ સમાજોના આગેવાનોની દરમિયાનગીરી બાદ મિસ્ત્રી સમાજના બે ઉમેદવારોએ પોતાની ઉમેદવારી પરત ખેંચી લીધી છે. આ ઉપરાંત બેંકના પૂર્વ ચેરમેન કૈલાશભાઈ તવરે પણ સ્વૈચ્છિક રીતે ઉમેદવારી પરત ખેંચી લેતાં ચૂંટણીના રાજકીય સમીકરણોમાં ફેરફાર થવાની શક્યતા વ્યક્ત કરાઈ રહી છે.

 

હવે ઉમેદવારી પરત ખેંચવાની અંતિમ પ્રક્રિયા પૂર્ણ થયા બાદ જાહેર થનારી આખરી ઉમેદવારોની યાદી અને ચૂંટણીનું ચિત્ર સૌની નજર કેન્દ્રિત કરી રહ્યું છે.

 

બ્યુરો રિપોર્ટ …વિશાલ ચૌહાણ સાબરકાંઠા

 

મો ન 9998340891

- Advertisement -
અન્ય સમાચાર
Advertisements
 
Polls
તાજા સમાચાર
Live Scores