સાબરકાંઠાના ખેડબ્રહ્મામાં 80 મા સ્વાતંત્ર્ય પર્વની ભવ્ય ઉજવણી કરાઈ.
પ્રભારી મંત્રી ડૉ. પ્રદ્યુમન વાજાએ ધ્વજારોહણ કરી લહેરાવ્યો તિરંગો

વિકસિત ભારતના સંકલ્પ સાથે સાબરકાંઠાની ધરતી પર આઝાદીનો મહોત્સવ ઉજવાયો
સાબરકાંઠાના વિકાસ કામો માટે મંત્રીશ્રીએ ૨૫ લાખ રૂપિયાનો ચેક અર્પણ કર્યો

શહીદોના બલિદાન અને રાષ્ટ્ર પ્રથમના ભાવ સાથે ૨૦૪૭ સુધીમાં ભારતને વિશ્વની અગ્રણી શક્તિ બનાવવા પ્રભારી મંત્રીશ્રીનું આહ્વાન

સાબરકાંઠા જિલ્લાના ખેડબ્રહ્માની શેઠ કે. ટી. હાઇસ્કુલ ખાતે 80મા સ્વાતંત્ર્ય પર્વની જિલ્લા કક્ષાની દબદબાભેર ઉજવણી કરવામાં આવી હતી. આ પવિત્ર અવસરે જિલ્લા પ્રભારી મંત્રી ડૉ. પ્રદ્યુમન વાજાએ ધ્વજારોહણ કરી તિરંગાને સલામી આપી રાષ્ટ્રધ્વજને વંદન કર્યા હતા. દેશભક્તિના માહોલમાં મંત્રીશ્રીએ પરેડનું નિરીક્ષણ કર્યું હતું અને જિલ્લાના નાગરિકોને સંબોધતા સ્વાતંત્ર્ય સેનાનીઓના બલિદાનને યાદ કરી ૨૦૪૭ સુધીમાં ‘વિકસિત ભારત’ના નિર્માણ માટે દરેક નાગરિકને પોતાનું શ્રેષ્ઠ યોગદાન આપવા આહ્વાન કર્યું હતું.
ઉજવણી દરમિયાન પ્રભારી મંત્રી ડૉ. પ્રદ્યુમન વાજાએ જણાવ્યું હતું કે, આઝાદીનું આ અમૃત પર્વ એ માત્ર ઉત્સવ નથી પરંતુ લાખો શહીદોના બલિદાનની અમર ગાથાને યાદ કરવાનો અવસર છે. મહાત્મા ગાંધીએ સ્વરાજની નેમ લીધી હતી, ત્યારે આજે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં આપણે સ્વરાજથી સુરાજ તરફ આગળ વધી રહ્યા છીએ. તેમણે સ્પષ્ટ કર્યું હતું કે જ્યારે રાષ્ટ્ર પ્રથમનો ભાવ હોય ત્યારે દરેક નિર્ણય દેશહિતમાં હોય છે. ભારત આજે ૧૧મા ક્રમથી છલાંગ લગાવી વિશ્વની ચોથી સૌથી મોટી અર્થવ્યવસ્થા બન્યું છે, જે દરેક ભારતીય માટે ગૌરવની બાબત છે.

વિકાસની આંકડાકીય વિગતો રજૂ કરતા મંત્રીશ્રીએ જણાવ્યું કે, કેન્દ્ર અને રાજ્ય સરકારની જનકલ્યાણકારી યોજનાઓમાં ગુજરાત મોખરે રહ્યું છે. આયુષ્યમાન કાર્ડ, ઉજ્જવલા યોજના, જન ધન યોજના અને પીએમ સૂર્ય ઘર જેવી વિવિધ યોજનાઓમાં અગ્ર રહીને આજે ગુજરાતે નવી ક્રાંતિ સર્જી છે, જ્યારે એટીએસ અને પોલીસતંત્રે આતંકવાદ અને ડ્રગ્સ નેટવર્ક વિરુદ્ધ અભૂતપૂર્વ સફળતા મેળવી છે. સાબરકાંઠા જિલ્લાના સંદર્ભમાં તેમણે હિંમતનગર-ખેડબ્રહ્મા બ્રોડગેજ લાઇન, ધરોઈ ભાગ-૨ યોજના દ્વારા પીવાનું શુદ્ધ પાણી અને ખેતી ક્ષેત્રે બટાકાના ઉત્પાદનમાં થયેલા ધરખમ વધારાનો ઉલ્લેખ કર્યો હતો. આ પ્રસંગે મંત્રીશ્રીએ જિલ્લાના વિકાસ કામો માટે ૨૫ લાખ રૂપિયાનો ચેક જિલ્લા કલેક્ટરને અર્પણ કર્યો હતો.
આઝાદીના આ પર્વ નિમિત્તે ખેડબ્રહ્માની વિવિધ શાળાઓના બાળકો દ્વારા દેશભક્તિના રંગે રંગાયેલા સાંસ્કૃતિક કાર્યક્રમો રજૂ કરવામાં આવ્યા હતા. શેઠ કે. ટી. હાઈસ્કૂલ અને સંત શ્રી નથુરામ બાપા જ્યોતિ હાઈસ્કૂલના બાળકોએ દેશભક્તિ ગીતો પર નૃત્ય પ્રસ્તુત કર્યા હતા, જ્યારે આંગણવાડીના ભૂલકાંઓએ ‘ગરવી ગુજરાત’ની ગૌરવ ગાથા રજૂ કરી હતી. આ ઉપરાંત, જિલ્લા પોલીસની સુરક્ષા સેતુ સોસાયટી અને મહિલા પોલીસ ટીમ દ્વારા સૂર્યનમસ્કાર, યોગ અને કરાટેના નિદર્શન દ્વારા શારીરિક સૌષ્ઠવ અને આત્મરક્ષાનું પ્રદર્શન કરવામાં આવ્યું હતું. પ્રાદેશિક વાહન વ્યવહાર કચેરી દ્વારા માર્ગ સલામતી પર રજૂ કરાયેલા નાટકે સૌને જાગૃતિનો સંદેશ આપ્યો હતો તેમજ ઉપસ્થિત સૌને મંત્રીશ્રીએ માર્ગ સલામતીનો સંકલ્પ લેવડાવ્યો હતો.
કાર્યક્રમના અંતમાં જિલ્લામાં શ્રેષ્ઠ કામગીરી કરનાર અધિકારીઓ, કર્મચારીઓ અને રમતવીરોનું પ્રભારી મંત્રીશ્રી અને મહાનુભાવોના હસ્તે સન્માન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમના અંતે મંત્રીશ્રીએ માર્ગ સલામતી માટે ટોઈંગ વાનને લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવ્યું હતું અને વૃક્ષારોપણ કરી પર્યાવરણ સુરક્ષાનો સંદેશ આપ્યો હતો.
આ પ્રસંગે જિલ્લા પંચાયત પ્રમુખ રીનાબેન પટેલ, ખેડબ્રહ્મા નગરપાલિકા પ્રમુખ ડૉ. પ્રિયંકાબેન ખરાડી, સાંસદ શોભનાબેન બારૈયા, ધારાસભ્ય વી. ડી. ઝાલા અને ગજેન્દ્રસિંહ પરમાર, જિલ્લા કલેક્ટર લલિત નારાયણ સિંઘ સાંદુ, પોલીસ અધિક્ષક ડો. પાર્થરાજસિંહ ગોહિલ, ઇન્ચાર્જ જિલ્લા વિકાસ અધિકારી શ્રી કે. પી. પાટીદાર, નિવાસી અધિક કલેકટર શ્રીમતી ક્રિષ્ના વાઘેલા, પ્રયોજના વહીવટદાર શ્રી વિશાલ સક્સેના, પ્રાંત અધિકારી શ્રી નિમેશ પટેલ, અગ્રણી શ્રી કનુભાઈ પટેલ, પૂર્વ સાંસદ શ્રીમતી રમીલાબેન બારા, પૂર્વ ધારાસભ્ય શ્રી અશ્વિન કોટવાલ અને શ્રી મહેન્દ્રસિંહ બારૈયા સહિતના મહાનુભાવો અને મોટી સંખ્યામાં નગરજનો ઉપસ્થિત રહ્યા હતા.
બ્યુરો રિપોર્ટ… વિશાલ ચૌહાણ સાબરકાંઠા
મો ન 9998340891


