સાબરકાંઠામાં ર૦૦થી વધુ પોલીસ કોન્સ્ટેબલોની બદલી થવાની શકયતા
પોલીસવડાએ તમામ પોલીસ સ્ટેશનો પાસેથી વિગતો મંગાવી
(એક ભારત ન્યુઝ – સંજય ગાંધી)
સાબરકાંઠા જિલ્લામાં આવેલા તમામ પોલીસ સ્ટેશનોમાં ત્રણ વર્ષ કે પાંચ વર્ષથી વધુ સમય સુધી ફરજ બજાવતા પોલીસ કોન્સ્ટેબલોની વહીવટી અનુકુળતા માટે તાજેતરમાં જિલ્લા પોલીસવડાએ તમામ પોલીસ સ્ટેશનો પાસેથી વિગતો મંગાવી છે. જે આવ્યા બાદ આગામી સમયમાં સ્વવિનંતીથી અથવા તો વહીવટી અનુકુળતા મુજબ એક પોલીસ સ્ટેશનમાંથી અન્ય પોલીસ સ્ટેશનમાં બદલીના હુકમો કરાશે.
આ અંગે આધારભુત સૂત્રોમાંથી મળતી માહિતી મુજબ જિલ્લામાં આવેલા તમામ પોલીસ સ્ટેશન અને પોલીસવડા સ્થિત કચેરીની વિવિધ શાખાઓમાં ફરજ બજાવતા પોલીસ કોન્સ્ટેબલ, હેડ કોન્સ્ટેબલ, એએસઆઈ કેટલા સમયથી જેતે પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવે છે તેમની માહિતી મંગાવાઈ છે. જોકે કેટલાક કર્મચારીઓએ અંગત કારણોસર સ્વવિનંતીથી બદલી કરી આપવા માટે જિલ્લા પોલીસવડાને અગાઉથી જ લેખિતમાં જાણ કરી હોવાથી જિલ્લા પોલીસવડા તેને પણ ધ્યાને લઈને બદલીના હુકમો આગામી દિવસોમાં કરે તેવી શકયતા દર્શાવાઈ રહી છે.
ઉલ્લેખનીય છે કે આજથી હોળાષ્ટક શરૂ થઈ ચુકયા છે ત્યારે જો પોલીસવડા બદલીના આદેશ કરે તો પણ જે તે પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા કર્મચારીઓ હોળીના તહેવાર પૂર્ણ થયા બાદ નવા સ્થળે હાજર થાય તો નવાઈ નહીં. બદલી માટે શરૂ કરાયેલી કાર્યવાહી આગામી ત્રણેક દિવસમાં પૂર્ણ થશે તેવું આધારભુત સૂત્રોમાંથી જણાવાયું છે.