ગીર ગઢડાના પાનખાન ગામે PGVCL ટીમ પર હુમલો: વીજ ચેકિંગ દરમિયાન ત્રણ કર્મચારી ઘાયલ
ગીર ગઢડા, 2 જૂન ગીર ગઢડા તાલુકાના પાનખાન ગામે ગેરકાયદેસર વીજ જોડાણોની તપાસ કરવા ગયેલી PGVCL ની ટીમ પર અજાણ્યા શખ્સો દ્વારા હુમલો કરવામાં આવ્યો હતો. આ હુમલામાં PGVCLના ત્રણ કર્મચારીઓને ઈજાઓ થતા તેમને સારવાર અર્થે ઉનાની સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.પ્રાથમિક વિગતો મુજબ, PGVCLની ટીમ પાનખાન ગામે વીજ ચેકિંગની કામગીરી કરી રહી હતી. આ દરમિયાન ગેરકાયદેસર વીજ જોડાણો ધ્યાને આવતા ટીમ દ્વારા તેની તપાસ કરવામાં આવી રહી હતી. તે સમયે અજાણ્યા શખ્સોએ અચાનક PGVCLની ટીમ પર ધોકા અને પથ્થરો વડે હુમલો કર્યો હતો.આ હુમલામાં PGVCLના ત્રણ કર્મચારીઓને ગંભીર ઈજાઓ પહોંચી હતી. હુમલા બાદ તાત્કાલિક તેમને ઉનાની સરકારી હોસ્પિટલમાં સારવાર અર્થે દાખલ કરવામાં આવ્યા હતા. ઘટનાની જાણ થતા જ ઉનાના DYSP અને પ્રાંત અધિકારી સહિતના ઉચ્ચ અધિકારીઓ સરકારી હોસ્પિટલ ખાતે દોડી ગયા હતા અને ઈજાગ્રસ્ત કર્મચારીઓના ખબર અંતર પૂછ્યા હતા
.આ ઘટના અંગે પોલીસે ગુનો નોંધી હુમલો કરનાર અજાણ્યા શખ્સોની શોધખોળ શરૂ કરી છે.