ઉનામાં ત્રિ-દિવસીય શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવનો પ્રારંભ: શિક્ષણમંત્રી પ્રફુલભાઈ પાનસેરિયા દ્વારા બાળકોનું શાળા પ્રવેશે કરાવાયું
ઉના,26જૂન: આજથી ઉના જિલ્લામાં ત્રિ-દિવસીય શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવ 2025 નો ભવ્ય પ્રારંભ થયો છે. આ મહોત્સવનો મુખ્ય ઉદ્દેશ 6 થી 14 વર્ષના તમામ બાળકોને પ્રાથમિક શિક્ષણની સુવિધા પૂરી પાડવાનો અને ધોરણ 9 માં પ્રવેશને પાત્ર એક પણ બાળક માધ્યમિક શિક્ષણથી વંચિત ન રહે તે સુનિશ્ચિત કરવાનો છે. આ પ્રસંગે, ઉના તાલુકાના ગરાળ ગામે નવી બનેલી સીમ શાળાના બિલ્ડિંગનું પણ લોકાર્પણ કરવામાં આવ્યું હતું.શિક્ષણમંત્રીની ઉપસ્થિતિમાં બાળકોને શાળા પ્રવેશ રાજ્ય શિક્ષણમંત્રી શ્રી પ્રફુલભાઈ પાનસેરિયાએ આ મહોત્સવમાં ખાસ ઉપસ્થિત રહી, ઉના તાલુકાના અમોદ્રા અને ગરાળ સીમ શાળા ખાતે બાળકોને શાળા પ્રવેશ કરાવ્યો હતો. મંત્રીશ્રીએ નાના ભૂલકાંઓને ચોકલેટ આપીને પ્રવેશ કીટ અર્પણ કરી હતી, જ્યારે કન્યાઓને ચુંદડી ઓઢાડીને સન્માનિત કરી હતી, જે કન્યા કેળવણીના મહત્વ પર ભાર મૂકે છે.શિક્ષણમંત્રીએ ઉના તાલુકાના વિવિધ શાળાઓની મુલાકાત લીધી હતી, જેમાં આમોદ્રા વિનય મંદિર, આમોદ્રા કુમાર પેસેન્ટર શાળા, આમોદ્રા કન્યા શાળા, ભૂતડાદાદા સીમ શાળા, અને ગવર્મેન્ટ સેકન્ડરી સ્કૂલ, ગરાળનો સમાવેશ થાય છે. તેમણે આ શાળાઓમાં બાળકોને પ્રવેશ અપાવીને શિક્ષણ પ્રત્યે સરકારની પ્રતિબદ્ધતા દર્શાવી હતી
.ગરાળ ખાતે સીમ શાળાના નવા બિલ્ડિંગનું લોકાર્પણશાળા પ્રવેશોત્સવના ભાગરૂપે, ગરાળ ગામે આવેલી સીમ શાળા ખાતે નવા નિર્માણ પામેલા શાળાના બિલ્ડિંગનું પણ લોકાર્પણ કરવામાં આવ્યું હતું. આ નવું બિલ્ડિંગ બાળકોને વધુ સારા શૈક્ષણિક વાતાવરણ અને સુવિધાઓ પૂરી પાડવામાં મદદ કરશે.
સરકાર દ્વારા આ પ્રવેશોત્સવના માધ્યમથી શિક્ષણના અધિકારને સાકાર કરવા માટે સંનિષ્ઠ પ્રયાસો હાથ ધરવામાં આવ્યા છે. આ મહોત્સવ આગામી બે દિવસ સુધી જિલ્લામાં ચાલુ રહેશે, જે દરમિયાન વધુને વધુ બાળકોને શાળામાં પ્રવેશ અપાવીને તેમને ઉજ્જવળ ભવિષ્ય તરફ દોરવામાં આવશે.
રિપોર્ટર ધર્મેશ ચાવડા