વડાલીમાં વાંધાજનક પત્રિકાઓ ફેંકાતા ખળભળાટ…
સીસીટીવી ફૂટેજ ના આધારે તપાસ શરૂ…
વડાલી શહેરમાં રવિવારે મધરાતે અજાણ્યા શખ્સોએ બાઈક પર આવી વાંધાજનક લખાણ ધરાવતી પત્રિકાઓ ફેંકી હતી. આ ઘટનાથી સ્થાનિક રાજકીય અને પોલીસ વર્તુળોમાં ખળભળાટ મચી ગયો છે. વડાલી પોલીસ મોડી સાંજે સ્ટેશનમાં આ મામલે ફરિયાદ નોંધાવવાની તજવીજ હાથ ધરવામાં આવી હતી.
પ્રાથમિક માહિતી મુજબ રવિવારે મોડી રાત્રે શહેરના મુખ્ય માર્ગો અને રહેણાંક વિસ્તારોમાં આ પત્રિકાઓ ફેંકવામાં આવી હતી. આ પત્રિકાઓમાં ઉશ્કેરણીજનક અને મર્યાદા બહારના શબ્દોનો ઉપયોગ કરાયો હોવાનું સામે આવ્યું છે. પત્રિકાઓમાં દારૂ અને જુગાર જેવી અસામાજિક પ્રવૃત્તિઓને પરમિશન અપાવવાના સંકેતો સાથે ગંભીર આક્ષેપો કરાયા છે. તેમાં પોલીસ તંત્રમાં સેટિંગ હોવાના પાયાવિહોણા દાવા કરીને તંત્રની છબી ખરડવાનો પ્રયાસ થયો છે. આ પત્રિકાઓમાં રાજ્યના ઉચ્ચ પોલીસ અધિકારીઓ અને સ્થાનિક ધારાસભ્ય જેવા મહત્ત્વપૂર્ણ પદોના નામોનો પણ ઉલ્લેખ કરાયો છે.
ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને વડાલી પોલીસે તાત્કાલિક તપાસ શરૂ કરી છે. પ્રાથમિક તપાસમાં આ કૃત્ય પાછળ કોઈ વ્યક્તિગત અદાવત અથવા તંત્રની છબી બગાડવાનો મલીન ઈરાદો હોવાની શક્યતા વ્યક્ત કરાઇ રહી છે.
પોલીસે વિવિધ વિસ્તારોના CCTV ફૂટેજ મેળવવાની કામગીરી શરૂ કરી છે. આરોપીઓને ઝડપી પાડવા માટે ટીમો કાર્યરત કરવામાં આવી છે. પોલીસ સમગ્ર મામલે વિવિધ દિશામાં તપાસ કરી રહી છે અને ટૂંક સમયમાં હકીકતો બહાર આવશે તેવી શક્યતા છે.
બ્યુરો રિપોર્ટ… વિશાલ ચૌહાણ સાબરકાંઠા
મો ન 9998340891


