ગીર ગઢડા મામલતદાર કચેરી ખાતે ગૌરક્ષકો દ્વારા રેલી સ્વરૂપે આવેદનપત્ર પાઠવાયું
ગીર ગઢડા:
ભારતીય બંધારણના અનુચ્છેદ 48 અને 51A(g) ની મૂળ ભાવના અનુસાર ‘અખિલ ભારતીય વેદલક્ષણ ગોવંશ’ને “રાષ્ટ્રમાતા / રાષ્ટ્ર આરાધ્ય”નો બંધારણીય દરજ્જો આપવા સહિત ગૌસંવર્ધન અને ગૌરક્ષણ સંબંધિત વિવિધ માંગણીઓ સાથે ગીર ગઢડા મામલતદાર કચેરી ખાતે ગૌરક્ષકો દ્વારા આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું.
ગીર ગઢડા બે નંબર વિસ્તારથી 30થી વધુ ગૌભક્તો અને ગૌરક્ષકો રેલી સ્વરૂપે મામલતદાર કચેરીએ પહોંચ્યા હતા. રેલી દરમિયાન “ગૌમાતા રાષ્ટ્રની શાન”, “ગૌહત્યા બંધ કરો” જેવા સૂત્રોચ્ચારો સાથે ગૌસંરક્ષણ અંગે જનજાગૃતિ ફેલાવવામાં આવી હતી.
આવેદનપત્રમાં રાષ્ટ્રપતિશ્રીને સંબોધીને દેશભરમાં ગાયોના સંરક્ષણ માટે એકીકૃત કેન્દ્રીય કાયદો બનાવવાની, “કેન્દ્રીય ગાય સેવા મંત્રાલય”ની સ્થાપના કરવાની તેમજ દેશી ગાયોને બંધારણીય રક્ષણ આપવાની માંગ કરવામાં આવી હતી. સાથે જ ગૌવંશ પર થતા અત્યાચાર, અકસ્માતો, દાણચોરી અને ગૌહત્યાના મુદ્દાઓ પર ચિંતા વ્યક્ત કરવામાં આવી હતી.
ગૌરક્ષકોનું કહેવું હતું કે ભારતીય સંસ્કૃતિ અને કૃષિ આધારિત અર્થતંત્રમાં ગાયનું વિશેષ સ્થાન છે અને ગૌસંરક્ષણ માટે સમગ્ર દેશમાં એક સમાન નીતિ અમલમાં મુકવી સમયની માંગ બની ગઈ છે.
મામલતદારશ્રીએ ગૌરક્ષકો પાસેથી આવેદનપત્ર સ્વીકારી યોગ્ય કક્ષાએ રજુઆત પહોંચાડવાની ખાતરી આપી હતી.
રિપોર્ટર ધર્મેશ ચાવડા







Total Users : 145600
Views Today : 