>
Friday, May 8, 2026

થુરાવાસ માં ખેતીકામ દરમિયાન વીજ કરંટથી મોત થયું

થુરાવાસ માં ખેતીકામ દરમિયાન વીજ કરંટથી મોત થયું

 

થ્રેસરની ટ્રોલી હાઈટેન્શન લાઈનને અડતા ટ્રેક્ટરમાં પ્રસરી ગયો કરંટ; સારવાર દરમિયાન યુવકે તોડ્યો દમ

 

 

સાબરકાંઠા જિલ્લાના વડાલી તાલુકાના થુરાવાસ ગામની સીમમાં ગુરૂવાર બપોરના સમયે ખેતીકામ દરમિયાન વીજ કરંટ લાગવાથી એક યુવાનનું કરુણ મોત નિપજતાં સમગ્ર પંથકમાં શોકની લાગણી વ્યાપી ગઈ છે. ખેતરમાં થ્રેસર વડે કામગીરી દરમિયાન હાઈટેન્શન વીજ લાઈન સાથે ટ્રોલી અડી જતા ટ્રેક્ટરમાં કરંટ પ્રસરી ગયો હતો અને યુવક તેની લપેટમાં આવી ગયો હતો.

 

મળતી માહિતી મુજબ, થુરાવાસ ગામે રહેતા ખેડૂત પટેલ રાજેન્દ્રકુમાર શિવાભાઈના ખેતરમાં હાલ સીઝનલ ખેતીકામ ચાલી રહ્યું હતું. આ કામગીરી માટે જુનાચામુ ગામના રહીશ ઠાકોર યોગેશભાઈ રમેશભાઈ પોતાનું ટ્રેક્ટર (નંબર GJ09 BN 1073) અને થ્રેસર લઈને ખેતરમાં આવ્યા હતા.

ખેતરમાં કામગીરી ચાલી રહી હતી તે દરમિયાન થ્રેસરની ટ્રોલીને હાઇડ્રોલિક વડે ઉપર ઉંચકવાની જરૂર પડી હતી. આ દરમિયાન ખેતરની ઉપરથી પસાર થતી ઉચ્ચ દબાણવાળી હાઈટેન્શન વીજ લાઈન સાથે ટ્રોલી અડી જતા પળવારમાં આખા ટ્રેક્ટરમાં હાઈ વોલ્ટેજ કરંટ પ્રસરી ગયો હતો. ઘટનાના સમયે ટ્રેક્ટર પર હાજર યોગેશભાઈ ઠાકોર ગંભીર રીતે કરંટની ઝપેટમાં આવી ગયા હતા. વીજ આંચકો એટલો પ્રચંડ હતો કે તેઓ સ્થળ પર જ બેભાન થઈને ફસડાઈ પડ્યા હતા.

ખેતરમાં હાજર અન્ય મજૂરો અને ખેડૂતોએ બૂમાબૂમ કરતા આસપાસના લોકો દોડી આવ્યા હતા. ઘટનાની જાણ થતાં સ્થાનિકોએ તાત્કાલિક 108 ઇમરજન્સી સેવાને જાણ કરી હતી. બાદમાં ગંભીર હાલતમાં યોગેશભાઈને વડાલી સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. જ્યાં ફરજ પરના તબીબોએ તપાસ બાદ તેમને મૃત જાહેર કર્યા હતા.

 

જુનાચામુ ગામના આશાસ્પદ યુવાનના અચાનક મોતના સમાચાર ગામમાં પ્રસરી જતા પરિવારજનો અને સગાસંબંધીઓ હોસ્પિટલ ખાતે દોડી આવ્યા હતા. યુવાન પુત્રના નિધનથી પરિવાર પર આભ ફાટી પડ્યું હોય તેવી સ્થિતિ સર્જાઈ હતી અને હોસ્પિટલમાં શોકમય દ્રશ્યો સર્જાયા હતા.

હાલમાં વડાલી પોલીસે અકસ્માતે મોતનો ગુનો દાખલ કરવાની કાર્યવાહી હાથ ધરી છે. તેમજ મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી વધુ તપાસ શરૂ કરવામાં આવી છે.

 

બ્યુરો રિપોર્ટ… વિશાલ ચૌહાણ સાબરકાંઠા

 

મો ન 9998340891

- Advertisement -
અન્ય સમાચાર
Advertisements
 
Polls
તાજા સમાચાર
Live Scores