વડાલીના સવાસલા ગામના ખેડૂત સાથે લાખો રૂપિયાની છેતરપિંડી..
વડાલી તાલુકાના સવાસલા ગામમાં એક ખેડૂત સાથે લાખો રૂપિયાની છેતરપિંડીનો ગંભીર કિસ્સો સામે આવ્યો છે. ખેતી અને ભાડાના વ્યવસાય માટે ખરીદેલા ટ્રેક્ટર, રોટાવેટર અને જેસીબી જેવા કિંમતી સાધનો ગીરો મુકવાના તેમજ ભાડે આપવાના બહાને પચાવી પાડવામાં આવ્યા હોવાનો આક્ષેપ છે. સમગ્ર મામલે ત્રણ શખ્સો સામે પોલીસ ફરિયાદ નોંધાતા વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે.
ફરિયાદ મુજબ, સવાસલા ગામના મુકેશભાઈ ખીમજીભાઈ ગઢવીએ વર્ષ ૨૦૨૪-૨૫ દરમિયાન બેંક લોન ઉપર જોનડીયર કંપનીનું ટ્રેક્ટર (GJ-09-BM-0450) તથા ACE કંપનીનું જેસીબી (GJ-09-DA-1372) ખરીદ્યું હતું. ખેતી સાથે ભાડે આપીને આવક વધારવાના હેતુથી આ સાધનો લેવામાં આવ્યા હતા. ઓગસ્ટ ૨૦૨૫ દરમિયાન થુરાવાસ ગામના દશરથભાઈ મોતીભાઈ વણઝારાએ મુકેશભાઈનો સંપર્ક કરી ટ્રેક્ટર ભાડે લેવા માટે વાતચીત કરી હતી.

આરોપ મુજબ, દશરથ વણઝારાએ મહેસાણા જિલ્લાના ઐઠોર ગામના રતનજી શંકરજી ઠાકોર સાથે મળી ટ્રેક્ટર ૩ લાખ રૂપિયામાં ગીરો રાખી દીધું હતું. ૧૧ મહિનાનો કરાર પૂર્ણ થયા છતાં ટ્રેક્ટર પરત આપવામાં આવ્યું નહોતું. બદલેમાં ટ્રેક્ટર પોરબંદર ખાતે હોવાનું કહી ખેડૂતને વારંવાર ગેરમાર્ગે દોરવામાં આવ્યો હતો, જેના કારણે મુકેશભાઈને ભારે આર્થિક નુકસાન વેઠવું પડ્યું હતું.
તે જ રીતે, દશરથ વણઝારા અને તેના સાથી સુખદેવદાન તેજદાન ગઢવી (રહે. નાના ચિલોડા, અમદાવાદ)એ જેસીબી ભાડે લેવા માટે ૩.૨૦ લાખ રૂપિયાની ડિપોઝિટ ચૂકવી સાધન મેળવી લીધું હતું. શરૂઆતમાં વિશ્વાસ જમાવી સાધન લઈ લીધા બાદ લાંબા સમય સુધી ભાડું ચૂકવવામાં આવ્યું નહોતું. મુકેશભાઈએ વારંવાર સંપર્ક કરવા છતાં સંતોષકારક જવાબ મળ્યો નહોતો.
પછી સુખદેવ ગઢવીએ જેસીબી ૨૦ લાખ રૂપિયામાં ખરીદવાની તૈયારી દર્શાવી ઈડર ખાતે વેચાણ કરાર પણ કર્યો હતો. જોકે, કુલ રકમમાંથી ૧૧.૮૦ લાખ રૂપિયા બાકી રહેતા વારંવાર ઉઘરાણી છતાં ચુકવણી કરવામાં આવી નહોતી. ફરિયાદ મુજબ, મુકેશભાઈ પૈસા લેવા માટે સુખદેવના ઘરે પહોંચતા તેના પિતાને માહિતી આપતાં સુખદેવે ફોન પર જાનથી મારી નાખવાની ધમકી આપી હતી, જેનાથી ખેડૂતમાં ભયનો માહોલ સર્જાયો હતો.
ફરિયાદમાં વધુમાં જણાવાયું છે કે આ ટોળકીએ દાત્રોલી ગામના યતીનકુમાર પરમારનું એક્ટિવા વાહન પણ ગીરો રાખી પચાવી પાડ્યું હોવાનું સામે આવ્યું છે, જેનાથી આ ગેંગ દ્વારા ગોઠવાયેલ ગેરકાયદેસર પ્રવૃત્તિઓની શંકા વધુ ગાઢ બની છે.
આ સમગ્ર મામલે મુકેશભાઈ ગઢવીએ દશરથભાઈ મોતીભાઈ વણઝારા (રહે. થુરાવાસ, વડાલી), રતનજી શંકરજી ઠાકોર (રહે. પોલવાસ, ઐઠોર, મહેસાણા) અને સુખદેવદાન તેજદાન ગઢવી (રહે. નાના ચિલોડા, અમદાવાદ) વિરુદ્ધ વિશ્વાસઘાત, છેતરપિંડી અને ધમકી આપવાના ગુનાઓ હેઠળ પોલીસ ફરિયાદ નોંધાવી છે. પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે અને આરોપીઓની શોધખોળ હાથ ધરી છે.
સ્થાનિક સ્તરે ખેડૂતો અને વાહન માલિકોમાં આ ઘટનાને લઈ ચિંતા વ્યાપી છે. આવા કિસ્સાઓને ધ્યાનમાં રાખીને ભાડે સાધનો આપતા પહેલા યોગ્ય દસ્તાવેજી ખાતરી અને ઓળખ ચકાસવાની જરૂરિયાત નિષ્ણાતો દ્વારા વ્યક્ત કરવામાં આવી રહી છે.
બ્યુરો રિપોર્ટ… વિશાલ ચૌહાણ સાબરકાંઠા
મો ન 9998340891


