>
Monday, June 8, 2026

ખિલાવડ નજીક ગેરકાયદેસર સિંહ દર્શન કરવા આવેલા બે શખ્સો ઝડપાયા, વન વિભાગે રૂ. 50 હજારની એડવાન્સ રિકવરી વસૂલ કરી

ખિલાવડ નજીક ગેરકાયદેસર સિંહ દર્શન કરવા આવેલા બે શખ્સો ઝડપાયા, વન વિભાગે રૂ. 50 હજારની એડવાન્સ રિકવરી વસૂલ કરી

 

ઉના/ધારી: ગીરના અભ્યારણ્ય વિસ્તારમાં ગેરકાયદેસર સિંહ દર્શન અને જંગલ વિસ્તારમાં થતી ગેરપ્રવૃત્તિઓ પર અંકુશ લાવવા માટે ગીર (પૂર્વ) વન વિભાગ દ્વારા સતત નાઈટ પેટ્રોલિંગ અને કોમ્બિંગ કામગીરી હાથ ધરવામાં આવી રહી છે. આ કામગીરી દરમિયાન જસાધાર રેન્જની ટીમે ખિલાવડ ગામ નજીક અભ્યારણ્ય વિસ્તારમાં ચોરીછૂપીથી પ્રવેશ કરી સિંહ જોવા આવેલા બે શખ્સોને ઝડપી પાડી તેમની સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.મળતી માહિતી મુજબ નાયબ વન સંરક્ષકશ્રી, ગીર (પૂર્વ) વન વિભાગ ધારી તેમજ મદદનીશ વન સંરક્ષકશ્રી, ઉનાના માર્ગદર્શન અને સૂચના હેઠળ જસાધાર રેન્જના ફોરેસ્ટર એમ. એચ. સોંદરવા અને વન રક્ષક એ. એ. વણજારા દ્વારા રાત્રિ પેટ્રોલિંગ અને કોમ્બિંગ કામગીરી ચાલી રહી હતી. તે દરમિયાન ખિલાવડ ગામ પાસે આવેલા અભ્યારણ્ય જંગલ વિસ્તારમાં બે વ્યક્તિઓ શંકાસ્પદ હાલતમાં જોવા મળ્યા હતા.

વન વિભાગની ટીમે તપાસ કરતાં જાણવા મળ્યું હતું કે બંને વ્યક્તિઓ સિંહ દર્શન કરવાના ઇરાદે ગેરકાયદેસર રીતે જંગલ વિસ્તારમાં પ્રવેશ્યા હતા. ત્યારબાદ ટીમે બંનેને ઝડપી પાડી તેમની ઓળખ કરી હતી. ઝડપાયેલા ઈસમોમાં સૈફુદીન યુસુફ ભાડરકા અને ઝુબૈર મામદ ભાડરકા, બંને રહેવાસી ઉનાનો સમાવેશ થાય છે.વન વિભાગે બંને ઇસમો સામે વન્યપ્રાણી સંરક્ષણ અધિનિયમની જોગવાઈઓ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. ઉપરાંત બંને પાસેથી કુલ રૂ. 50,000ની એડવાન્સ રિકવરી પણ વસૂલ કરવામાં આવી હતી.

વન વિભાગના અધિકારીઓએ જણાવ્યું હતું કે ગીરના જંગલ વિસ્તારમાં ગેરકાયદેસર પ્રવેશ, સિંહ દર્શન, વન્યજીવોને ખલેલ પહોંચાડતી પ્રવૃત્તિઓ અને અન્ય ગેરકાયદેસર કૃત્યો સામે કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે. જંગલ અને વન્યજીવોની સુરક્ષા માટે દિવસ-રાત પેટ્રોલિંગ કરવામાં આવી રહ્યું છે અને ભવિષ્યમાં પણ આવી કાર્યવાહી સતત ચાલુ રહેશે.

ગીરના સંવેદનશીલ જંગલ વિસ્તારમાં પરવાનગી વિના પ્રવેશ કરવો કાયદેસર ગુનો છે. વન વિભાગે લોકોને અપીલ કરી છે કે તેઓ ગેરકાયદેસર સિંહ દર્શન કે જંગલ વિસ્તારમાં પ્રવેશ જેવી પ્રવૃત્તિઓથી દૂર રહે અને વન્યજીવ સંરક્ષણમાં સહયોગ આપે.

 

રિપોર્ટર ધર્મેશ ચાવડા

- Advertisement -
અન્ય સમાચાર
Advertisements
 
Polls
તાજા સમાચાર
Live Scores