વડાલીના 500 વર્ષ જુના રૂપચતુર્ભુજ મંદિરે આજથી ભવ્ય નૂતન ચક્ષુ (નવા નેત્ર) મહોત્સવનો પ્રારંભ થશે..
22-23 જુલાઈએ બે દિવસીય ધાર્મિક અનુષ્ઠાન
સાબરકાંઠા જિલ્લાના ઐતિહાસિક અને ધાર્મિક મહત્ત્વ ધરાવતા વડાલી શહેરના મધ્યમાં આવેલા માણેકચોક વિસ્તારમાં બિરાજેલા ૫૦૦ વર્ષ જૂના પૌરાણિક રૂપચતુર્ભુજ મંદિરે એક અલૌકિક ધાર્મિક મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. ભગવાન શામળિયાના ચરણોમાં આસ્થા ધરાવતા નગરજનો અને ભક્તસમુદાય માટે આગામી ૨૨ અને ૨૩ જુલાઈ દરમિયાન ભગવાનના નૂતન ચક્ષુ (નવા નેત્ર) પ્રતિષ્ઠા મહોત્સવ ભવ્યાતિભવ્ય રીતે ઉજવવામાં આવશે, જેને લઈને સમગ્ર પંથકમાં અનેરો ઉત્સાહ અને અદભુત ધાર્મિક માહોલ જોવા મળી રહ્યો છે.

સ્થાનિક લોકવાયકાઓ અને વડીલોના જણાવ્યા અનુસાર, પશ્ચિમ દિશા તરફ ભિમુખ આવેલું આ પ્રાચીન રૂપચતુર્ભુજ મંદિર અદ્ભુત ચમત્કારો અને આસ્થા સાથે જોડાયેલું છે. કહેવાય છે કે આજના આ પવિત્ર મંદિરની જગ્યાએ વર્ષો પહેલાં રૂપાભાઈ અને સાંકળીબેન બારોટ નામના ભાઈ-બહેન નિવાસ કરતા હતા.
સમય જતાં આ બંને ભાઈ-બહેનને દિવ્ય સ્વપ્ન આવ્યા હતા, જેના માર્ગદર્શન હેઠળ આ જગ્યા પર ખોદકામ કરવામાં આવ્યું હતું. ખોદકામ દરમિયાન જમીનમાંથી ભગવાન શામળિયાની અત્યંત મનોહર અને દિવ્ય મૂર્તિ પ્રગટ થઈ હતી. આ અલૌકિક ઘટના બાદ રૂપાભાઈ દ્વારા તે જ પવિત્ર સ્થાને ભવ્ય મંદિરનું નિર્માણ કરાવવામાં આવ્યું હતું અને પોતાના તથા પ્રભુના નામ સાથે જોડીને આ પવિત્ર ધામનું નામ ‘રૂપચતુર્ભુજ મંદિર’ રાખવામાં આવ્યું હતું. સદીઓ વીતી ગયાં હોવા છતાં આજે પણ આ મંદિરની પવિત્રતા અને મહાત્મ્ય અકબંધ છે.
આ ઐતિહાસિક મંદિરે યોજાનાર બે દિવસીય નૂતન ચક્ષુ મહોત્સવને સફળ બનાવવા માટે મંદિર ટ્રસ્ટ અને ગ્રામજનો દ્વારા વ્યાપક તૈયારીઓ કરવામાં આવી છે. આ બે દિવસ દરમિયાન શાસ્ત્રોક્ત વિધિઓ અનુસાર વિવિધ ધાર્મિક અનુષ્ઠાનો યોજાશે
22 જુલાઈ (પ્રથમ દિવસ – મહોત્સવનો શુભારંભ) સવારે ૯:૦૦ કલાકે વૈદિક મંત્રોચ્ચાર સાથે ભવ્ય મહાપૂજાનો પ્રારંભ કરવામાં આવશે. ત્યારબાદ પ્રતિષ્ઠા હોમ, ચાલન વિધિ તેમજ ભગવાનનો વિશેષ અભિષેક કરાશે. પ્રથમ દિવસની પૂર્ણાહુતિ ભવ્ય અને દિવ્ય મહાઆરતી સાથે થશે ત્યારે 23 જુલાઈ (દ્વિતીય દિવસ – નૂતન ચક્ષુ વિધિ અને પૂર્ણાહુતિ) સવારથી જ પૂજાના મંગલ પ્રારંભ સાથે હોમ અને યજ્ઞ વિધિ આગળ વધશે. ત્યારબાદ ભગવાનનો વિશેષ જન્માભિષેક અને પૂજન અર્ચન થશે. મહોત્સવના મુખ્ય આકર્ષણ સમાન ભગવાનના નૂતન ચક્ષુ (નવા નેત્ર) ધારણ કરાવવાની અત્યંત પવિત્ર અને શ્રદ્ધાસભર વિધિ સંપન્ન થશે, જેની સાથે જ આ બે દિવસીય મહોત્સવની પૂર્ણાહુતિ કરવામાં આવશે.
આ સમગ્ર બે દિવસીય ધાર્મિક મહોત્સવ જાણીતા અને પ્રતિષ્ઠિત આચાર્ય સુભાષભાઈ પંડ્યા(વડાલીવાળા) તેમજ અનેક વિદ્વાન ભૂદેવોની પવિત્ર અને માર્ગદર્શક ઉપસ્થિતિમાં શાસ્ત્રોક્ત વિધિ-વિધાન સાથે પાર પાડવામાં આવશે. વૈદિક મંત્રોના ગુંજારવ અને હર્ષોલ્લાસ વચ્ચે યોજાનાર આ મહોત્સવમાં મોટી સંખ્યામાં ધર્મપ્રેમી જનતા ઉપસ્થિતિ રહીને ભગવાન રૂપચતુર્ભુજના દર્શન કરી ધન્યતા અનુભવશે.
બ્યુરો રિપોર્ટ…વિશાલ ચૌહાણ સાબરકાંઠા
મો ન 9998340891


