હિંમતનગરના રાજપુર (નવા) ખાતે B.F.Sc. અભ્યાસક્રમનો પ્રારંભ..
મત્સ્યવિજ્ઞાન ક્ષેત્રે કારકિર્દીની નવી તક
સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર તાલુકાના રાજપુર (નવા) ખાતે આવેલી કામધેનુ યુનિવર્સિટી સંચાલિત મત્સ્યવિજ્ઞાન મહાવિદ્યાલયમાં ચાલુ શૈક્ષણિક વર્ષથી બેચલર ઓફ ફિશરીઝ સાયન્સ (B.F.Sc.) અભ્યાસક્રમની શરૂઆત કરવામાં આવી છે. આ અભ્યાસક્રમ માટે ૨૫ વિદ્યાર્થીઓની પ્રવેશ ક્ષમતા નક્કી કરવામાં આવી છે અને પ્રવેશ પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે.
ચાર વર્ષના આ અભ્યાસક્રમ દરમિયાન વિદ્યાર્થીઓને મત્સ્ય સંવર્ધન, જળસંપત્તિ વ્યવસ્થાપન અને આધુનિક મત્સ્યઉછેર ટેકનોલોજી અંગે વ્યાપક શિક્ષણ આપવામાં આવશે. અભ્યાસ પૂર્ણ કર્યા બાદ વિદ્યાર્થીઓ માટે રાજ્ય અને કેન્દ્ર સરકારના વિભાગો, ICAR સંશોધન સંસ્થાઓ તેમજ ખાનગી ક્ષેત્રમાં રોજગારની અનેક તકો ઉપલબ્ધ બનશે.
સ્વરોજગાર ક્ષેત્રે બાયોફ્લોક, એક્વાપોનિક્સ અને માછલી બીજ ઉત્પાદન જેવા વ્યવસાયોમાં પણ ઉજ્જવળ ભવિષ્ય રહેલું છે. ઉપરાંત વિદ્યાર્થીઓ M.F.Sc., એગ્રી-બિઝનેસ મેનેજમેન્ટ અને પીએચ.ડી. જેવા ઉચ્ચ અભ્યાસક્રમોમાં પણ પ્રવેશ મેળવી શકશે.
વર્ષ ૨૦૧૫-૧૬થી શરૂ થયેલી આ સંસ્થા હાલમાં એક્વાકલ્ચર અને ફિશ બાયોટેક્નોલોજી વિષયોમાં અનુસ્નાતક અભ્યાસક્રમો સફળતાપૂર્વક ચલાવી રહી છે. આધુનિક પ્રયોગશાળાઓ, સ્માર્ટ ક્લાસરૂમ અને સંશોધન પ્રોજેક્ટ્સથી સજ્જ આ સંસ્થા રાજ્યના મત્સ્યોદ્યોગ ક્ષેત્રે કુશળ માનવબળ તૈયાર કરવામાં મહત્વની ભૂમિકા ભજવશે.
બ્યુરો રીપોર્ટ …વિશાલ ચૌહાણ સાબરકાંઠા
મો ન 9998340891


