હિંમતનગરના ગોકુલનગર ફાટક પાસે ઈન્દોર-અસારવા ટ્રેન અચાનક રીવર્સ થતાં કુતુહલ સર્જાયું..
વ્યક્તિ પાટા પર આવી જતાં રોકાઈ હોવાની ચર્ચા : અમદાવાદ, ઉદેપુર સહિતના રૂટ પર દોડતી ઈન્દોર-અસારવા પેસેન્જર ટ્રેન શુક્રવારે સવારે હિંમતનગરના ગોકુલનગર રેલવે ફાટક પાસે અચાનક અટકી જતાં અને ત્યારબાદ થોડું અંતર રીવર્સમાં જતાં સ્થાનિકો તથા ફાટક પાસે ઉભેલા વાહનચાલકોમાં ભારે કુતુહલ વ્યાપી ગયું હતું.
મળતી માહિતી મુજબ ટ્રેન સવારે આશરે ૮:૩૦ વાગ્યાની આસપાસ હિંમતનગર રેલવે સ્ટેશન તરફ આવી રહી હતી. તે દરમિયાન ગોકુલનગર રેલવે ફાટક નજીક ટ્રેન અચાનક થંભી ગઈ હતી. થોડા જ ક્ષણોમાં લોકો પાયલટે ટ્રેનને રીવર્સમાં ચલાવતા સ્થળ પર હાજર લોકો આશ્ચર્યમાં મુકાઈ ગયા હતા.
જોકે થોડા સમય બાદ ટ્રેન ફરીથી આગળ વધી હિંમતનગર રેલવે સ્ટેશન પહોંચી હતી અને ત્યારબાદ પોતાના નિર્ધારિત રૂટ પર રવાના થઈ હતી.
સ્થાનિકોના જણાવ્યા મુજબ ટ્રેનની સામે એક વ્યક્તિ રેલવે પાટા પર આવી જતાં સલામતીના ભાગરૂપે લોકો પાયલટે તાત્કાલિક ટ્રેન રોકી રીવર્સ લીધી હતી. ત્યારબાદ પાટા પરથી વ્યક્તિ ખસી જતાં ટ્રેન ફરીથી આગળ વધારી હતી. જોકે આ ઘટનાના સત્તાવાર કારણ અંગે રેલવે તંત્ર તરફથી કોઈ અધિકૃત માહિતી જાહેર કરવામાં આવી નથી.
બ્યુરો રિપોર્ટ …વિશાલ ચૌહાણ સાબરકાંઠા
મો ન 9998340891


