હિંમતનગર ખાતે SPG કાર્યાલય નું ઉદઘાટન કરાયું
સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર શહેરમાં સરદાર પટેલ ગ્રુપ (SPG)ના નવા કાર્યાલયનું ઉદ્ઘાટન સમાજના આગેવાનો, કાર્યકરો અને દાતાઓની ઉપસ્થિતિમાં કરવામાં આવ્યું હતું. કાર્યક્રમની શરૂઆત દીપ પ્રાગટ્યથી કરવામાં આવી હતી. ત્યારબાદ ઉપસ્થિત મહેમાનોનું ફુલહારથી સ્વાગત કરવામાં આવ્યું હતું. SPGને સાથ-સહકાર આપનાર દાતાઓનું સન્માન પણ કરવામાં આવ્યું હતું.
કાર્યક્રમને સંબોધતા SPGના અધ્યક્ષ લાલજી પટેલે સંગઠનને વધુ મજબૂત બનાવવા માટે આગામી ત્રણ મહિનામાં એક લાખ સભ્યો બનાવવાનો લક્ષ્યાંક જાહેર કર્યો હતો. તેમણે પાટીદાર સમાજના લોકોને રૂ. ૧૨૦૦માં આજીવન સભ્ય બનવા માટે અપીલ કરી હતી. આગામી સમયમાં સભ્યપદ માટે ઇન્ટરવ્યૂની વ્યવસ્થા કરવામાં આવશે તેમ પણ તેમણે જણાવ્યું હતું.
લાલજી પટેલે વધુમાં જાહેરાત કરી હતી કે SPG દ્વારા આગામી સમયમાં ગુજરાતના તમામ ૩૩ જિલ્લાઓમાં કાર્યાલયો શરૂ કરવામાં આવશે. સંગઠનની પ્રવૃત્તિઓને વધુ લોકો સુધી પહોંચાડવા માટે સોશિયલ મીડિયા નેટવર્કને પણ મજબૂત બનાવવા કાર્યકરોને હાકલ કરવામાં આવી હતી.
તેમણે જણાવ્યું હતું કે નાની રકમથી પણ મોટી સંખ્યામાં લોકો સંગઠન સાથે જોડાય તો સમાજના હિત માટે મોટું ફંડ ઊભું થઈ શકે છે. સમાજમાં દાનના મહત્વ પર ભાર મૂકતા તેમણે દાનની રકમનો ઉપયોગ સમાજના હિતમાં જ થાય તેવી અપીલ કરી હતી.
આ ઉપરાંત દીકરીઓના લગ્ન સહિતના વિવિધ સામાજિક પ્રશ્નોના નિરાકરણ માટે SPG દ્વારા સહયોગ કરવામાં આવશે તેમ જણાવાયું હતું. લાલજી પટેલે કહ્યું હતું કે છેલ્લા છ વર્ષથી લગ્ન નોંધણી સહિતના વિવિધ મુદ્દે સરકાર સમક્ષ રજૂઆતો કરવામાં આવી રહી છે. પરિવારની કોઈ દીકરી લગ્ન બાદ ઘરેથી ચાલી જાય તેવી પરિસ્થિતિ ઊભી થાય તો પરિવારજનો SPGનો સંપર્ક કરી શકે છે અને સંભવિત કાનૂની કાર્યવાહી સહિત જરૂરી મદદ માટે સંગઠન સહયોગ કરશે તેમ તેમણે જણાવ્યું હતું.
કાર્યાલયના ઉદ્ઘાટન પ્રસંગે સમાજના આગેવાનો, કાર્યકરો અને મોટી સંખ્યામાં દાતાઓ ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમ દરમિયાન સંગઠનને વધુ વ્યાપક અને સક્રિય બનાવવાના સંકલ્પ સાથે આગામી કામગીરી અંગે પણ ચર્ચા કરવામાં આવી હતી.
બ્યુરો રીપોર્ટ… વિશાલ ચૌહાણ સાબરકાંઠા
મો ન 9998340891


