વડાલી સિવિલનો ઓક્સિજન પ્લાન્ટ એક વર્ષથી બંધ હાલતમાં..
કોરોનાકાળમાં લાખોના ખર્ચે બનેલો પ્લાન્ટ આજે ભંગાર હાલતમાં
વડાલી સિવિલ હોસ્પિટલમાં કોરોનાની બીજી લહેર દરમિયાન લાખોના ખર્ચે સ્થાપવામાં આવેલો ૨૫૦ લિટર પ્રતિ મિનિટ ઓક્સિજન ઉત્પાદન ક્ષમતા ધરાવતો પ્લાન્ટ છેલ્લા એક વર્ષથી ટેકનિકલ ખામીના કારણે બંધ હાલતમાં છે. આ પ્લાન્ટ ભવિષ્યમાં ઓક્સિજનની કટોકટી ન સર્જાય તે હેતુથી રાજ્ય સરકાર દ્વારા સ્થાપવામાં આવ્યો હતો.

પ્લાન્ટ લાંબા સમયથી નિષ્ક્રિય હોવા છતાં તેની દુરસ્તી માટે કોઈ અસરકારક પગલાં લેવાયા નથી. સૂત્રોના જણાવ્યા અનુસાર, નિયમિત જાળવણીના અભાવે પ્લાન્ટ બિનઉપયોગી બન્યો છે. હાલમાં સિવિલ હોસ્પિટલમાં ગંભીર દર્દીઓ માટે ઓક્સિજનની વ્યવસ્થા મેન્યુઅલ સિલિન્ડર દ્વારા કરવામાં આવી રહી છે. આધુનિક પ્લાન્ટ હોવા છતાં જૂની પદ્ધતિ પર આધાર રાખવાથી દર્દીઓની સંખ્યામાં અચાનક વધારો થાય અથવા કોઈ મોટી કટોકટી સર્જાય તો પૂરતી ઓક્સિજન ઉપલબ્ધ કરાવવામાં મુશ્કેલી પડી શકે છે.
આ મામલે વડાલી સિવિલના વહીવટી અધિકારી દિનેશભાઈનો સંપર્ક કરતા તેમણે સ્વીકાર્યું કે પ્લાન્ટ છેલ્લા એક વર્ષથી બંધ છે. તેમણે જણાવ્યું કે, “ઓક્સિજન પ્લાન્ટ બંધ હોવા અંગેની દરખાસ્ત અમે ઉચ્ચ કક્ષાએ મોકલી આપી છે. હાલમાં ઈમરજન્સી દર્દીઓ માટે મેન્યુઅલ ઓક્સિજન દ્વારા વ્યવસ્થા કરવામાં આવી રહી છે.”
વડાલી સિવિલ હોસ્પિટલની આ સ્થિતિ અંગે ઉચ્ચ આરોગ્ય વિભાગ દ્વારા તાત્કાલિક ધ્યાન આપી ઓક્સિજન પ્લાન્ટને કાર્યરત કરવામાં આવે તે અત્યંત આવશ્યક છે.
બ્યુરો રિપોર્ટ… વિશાલ ચૌહાણ સાબરકાંઠા
મો ન 9998340891






Total Users : 166634
Views Today : 