>
Friday, March 20, 2026

ખેડૂતને પોતાના પાકનું રક્ષણ કરવાનો અધિકાર પણ નહીં?” ઇકો-ઝોનના બહાને લાયસન્સ નામંજૂર, તંત્ર સામે તીખા સવાલો*

*“ખેડૂતને પોતાના પાકનું રક્ષણ કરવાનો અધિકાર પણ નહીં?” ઇકો-ઝોનના બહાને લાયસન્સ નામંજૂર, તંત્ર સામે તીખા સવાલો*

 

 

ખેતીપ્રધાન દેશમાં ખેડૂતને પોતાની મહેનતથી ઉગાડેલા પાકનું રક્ષણ કરવાનો અધિકાર પણ નથી? એવો સવાલ ગીર સોમનાથ જિલ્લાના ગીર ગઢડા તાલુકાના નીતલી ગામમાં ઉઠ્યો છે, જ્યાં એક ખેડૂતને પોતાની કેરીની વાડીના રક્ષણ માટે હથિયાર લાયસન્સ ન મળતા તંત્રની કામગીરી પર પ્રશ્નો ઊભા થયા છે.

 

માહિતી મુજબ, નીતલી ગામના ખેડૂતે પોતાની બાગાયતી કેરીના પાકને જંગલી પ્રાણીઓથી બચાવવા માટે હથિયાર લાયસન્સ માટે અરજી કરી હતી. આ પાક વર્ષમાં માત્ર એક જ વખત આવતો હોવાથી તે તેમની મુખ્ય આવકનો આધાર છે. પરંતુ ઉનાળાની ઋતુ દરમિયાન પાણી અને ખોરાકની અછતને કારણે ડુક્કર અને નીલગાય જેવા જંગલી પ્રાણીઓ વાડીમાં ઘૂસી પાકને ભારે નુકસાન પહોંચાડે છે.

ખેડૂતોએ વ્યથા વ્યક્ત કરતાં જણાવ્યું કે વર્ષભરની મહેનત એક જ ઝટકામાં બરબાદ થઈ જાય છે. “મોઢે આવેલો કોળિયો પણ છીનવાઈ જાય છે,” એવી તેમની પીડા છે.

 

અરજી બાદ પોલીસ વિભાગ દ્વારા સ્થળ તપાસ કરવામાં આવી હતી અને પાકને થયેલા નુકસાનની નોંધ લેવામાં આવી હતી. સાથે જ વન વિભાગના જસાધાર, ખાંભા અને ધારી વિસ્તારના અધિકારીઓએ પણ સ્થળ ચકાસણી કરીને પાકને થતું નુકસાન સ્વીકાર્યું હતું અને ખેડૂતને પાક રક્ષણ માટે હકારાત્મક અભિપ્રાય આપ્યો હતો.

 

તે છતાં, પોલીસ અધિક્ષક દ્વારા “ઇકો-ઝોન”નો મુદ્દો આગળ ધરી અરજી નામંજૂર કરવામાં આવી છે. આ નિર્ણયથી સ્થાનિક ખેડૂત વર્ગમાં ભારે અસંતોષ ફેલાયો છે.

વિશેષજ્ઞો અને સ્થાનિકોમાંથી સવાલ ઉઠી રહ્યો છે કે જ્યારે વન વિભાગ પોતે જ પાકને નુકસાન થતું હોવાનો હકારાત્મક અભિપ્રાય આપે છે, ત્યારે પોલીસનો વિરોધાભાસી નિર્ણય કેટલો યોગ્ય ગણાય? પોલીસનું મુખ્ય કાર્ય અરજદારની પૃષ્ઠભૂમિ અને યોગ્યતા તપાસવાનું હોય છે, ત્યારે ઇકો-ઝોનના નામે અરજી નકારવી ચર્ચાનો વિષય બની છે.

 

આ ઉપરાંત, સરકાર અને ન્યાયાલયોના અનેક નિર્ણયો મુજબ ઇકો-ઝોનમાં ખેતી અને ખેડૂતની આજીવિકા પર અનાવશ્યક અડચણો ન ઉભી થવી જોઈએ. છતાં પાક રક્ષણ માટે લાયસન્સ ન આપવું ખેડૂત હિતોની અવગણના સમાન ગણાઈ રહ્યું છે.

 

ખેડૂતની સ્પષ્ટ માંગ છે “અમારો પાક જ અમારી આજીવિકા છે. જો તેને બચાવવા માટે પણ પરવાનો ન મળે, તો ખેતી ચાલુ રાખવી મુશ્કેલ બની જશે.”

 

સ્થાનિક ખેડૂતોએ ચિંતા વ્યક્ત કરી છે કે આવી પરિસ્થિતિ ચાલુ રહેશે તો તેઓ ખેતી છોડવા મજબૂર બની શકે છે, જેના કારણે ગામડાંમાંથી શહેરોમાં સ્થળાંતર વધવાની શક્યતા છે. આ મુદ્દો હવે માત્ર એક વ્યક્તિનો નહીં, પરંતુ સમગ્ર ખેડૂત સમાજ માટે ચિંતાજનક બની રહ્યો છે.

સ્થાનિક ખેડૂતો દ્વારા સરકાર અને સંબંધિત તંત્ર પાસે માંગ ઉઠાવવામાં આવી છે કે પાક રક્ષણ માટે હથિયાર લાયસન્સ અંગે સંવેદનશીલતા દાખવી પારદર્શક અને ન્યાયસંગત નિર્ણય લેવામાં આવે.

- Advertisement -
અન્ય સમાચાર
Advertisements
 
Polls
તાજા સમાચાર
Live Scores