>
Sunday, March 22, 2026

ગીર પંથકમાં રેલવેના પૈડાં થંભતા જનઆક્રોશનો જ્વાળામુખી: ગીર ગઢડા અને હરમડીયામાં ચોથા દિવસે પણ ‘ભક્તિ સાથે શક્તિ’નું પ્રદર્શન

ગીર પંથકમાં રેલવેના પૈડાં થંભતા જનઆક્રોશનો જ્વાળામુખી: ગીર ગઢડા અને હરમડીયામાં ચોથા દિવસે પણ ‘ભક્તિ સાથે શક્તિ’નું પ્રદર્શન

 

તંત્રની ઘોર નિદ્રા અને નેતાઓની નફ્ફટાઈ સામે ગીરની જનતાએ છેડ્યું એલાન-એ-જંગ; ‘ટ્રેન નહીં તો વોટ નહીં’ના ગુંજ્યા નાદ

 

 

ગીર ગઢડા:

ગીર પંથકની જીવાદોરી સમાન રેલવે સેવા લાંબા સમયથી ઠપ્પ હોવા છતાં રેલવે તંત્રના પેટનું પાણી હલતું નથી. ગીર ગઢડા અને હરમડીયા રેલવે સ્ટેશન ખાતે ચાલી રહેલા પ્રતીક ઉપવાસ આજે ચોથા દિવસે પણ યથાવત રહ્યા છે. એક તરફ જનતા સુવિધા વગર ટળવળી રહી છે અને બીજી તરફ તંત્ર “બહેરા” હોવાનો પુરાવો આપી રહ્યું છે, જેના વિરોધમાં આજે રોષે ભરાયેલા મહિલાઓ અને પુરુષોએ રામધૂન બોલાવી તંત્રને જગાડવાનો પ્રયાસ કર્યો હતો.

સત્તાધીશોની નફ્ફટાઈ સામે જનતાનો હુંકાર

 

સ્થાનિકોનો આક્ષેપ છે કે જ્યારે ચૂંટણીઓ આવે છે ત્યારે રાજનેતાઓ મધલાળ ટપકતી વાતો કરીને મતો અંકે કરી જાય છે, પરંતુ આજે જ્યારે ગરીબ શ્રમિકો, વિદ્યાર્થીઓ અને ગંભીર દર્દીઓ ટ્રેન સુવિધાના અભાવે મોંઘા ખાનગી વાહનોમાં લૂંટાઈ રહ્યા છે, ત્યારે આ પદાધિકારીઓ ક્યાં છુપાયા છે? લોકશાહીમાં પોતાના મૂળભૂત હક માટે આ રીતે રસ્તા પર ઉતરવું પડે તે શાસકો માટે શરમજનક બાબત છે.”રેલવે રૂટ બંધ થવાથી જનજીવન અસ્તવ્યસ્ત થઈ ગયું છે. જો તાત્કાલિક જૂના સમયપત્રક મુજબ ટ્રેનો શરૂ કરવામાં નહીં આવે, તો આ લડત માત્ર હરમડીયા પૂરતી સીમિત નહીં રહે, પણ સમગ્ર જિલ્લામાં આકરા આંદોલનના મંડાણ થશે.”

મુખ્ય વેધક સવાલો અને જનતાની માંગ:

 

કેમ સમયપત્રક બદલાતું નથી? વર્ષો જૂની વ્યવસ્થાને તોડીને જનતાને શા માટે હેરાન કરવામાં આવી રહી છે?

ગરીબોની મજાક: મોંઘાડીઝલના ભાવ વચ્ચે ખાનગી વાહનોમાં મુસાફરી કરવી સામાન્ય માણસ માટે અશક્ય છે, શું તંત્ર ઈચ્છે છે કે લોકો મુસાફરી કરવાનું જ બંધ કરી દે?

ચૂંટણી બહિષ્કારની ચીમકી: ગ્રામજનોએ સ્પષ્ટ શબ્દોમાં ચીમકી ઉચ્ચારી છે કે જો સમસ્યાનો ઉકેલ નહીં આવે તો આગામી ચૂંટણીમાં નેતાઓને ગામમાં ઘૂસવા દેવામાં આવશે નહીં.

 

રામધૂન સાથે વિરોધ

 

ચોથા દિવસે આંદોલનકારીઓએ રેલવે સ્ટેશન પરિસરમાં ભેગા મળીને ધૂન બોલાવી હતી. આ ધૂન એ તંત્રની સદબુદ્ધિ માટેની પ્રાર્થના ઓછી અને “બહેરા તંત્ર” સામેનો કટાક્ષ વધુ હતી. હજુ પણ જો રેલવે વિભાગ જાગશે નહીં, તો આગામી દિવસોમાં રેલ રોકો આંદોલન કે ઉગ્ર દેખાવો થવાની પૂરેપૂરી શક્યતા છે.

 

રિપોર્ટર: ધર્મેશ ચાવડા

- Advertisement -
અન્ય સમાચાર
Advertisements
 
Polls
તાજા સમાચાર
Live Scores