પ્રભાસ પાટણમાં ગેરકાયદેસર પિસ્તોલ સાથે યુવાન ઝડપાયો
પોલીસએ દેશી બનાવટની પિસ્તોલ, ૭ જીવતા કાર્ટીસ અને મોબાઈલ ફોન કબ્જે કર્યા
ગીર સોમનાથ જિલ્લાના પ્રભાસ પાટણ વિસ્તારમાં પોલીસએ ગેરકાયદેસર હથિયાર રાખનાર શખ્સ સામે કાર્યવાહી કરતા એક ઇસમને દેશી બનાવટની પિસ્તોલ અને જીવતા કાર્ટીસ સાથે ઝડપી પાડ્યો હતો. પોલીસે આરોપી પાસેથી કુલ રૂ. ૩૨,૭૦૦નો મુદ્દામાલ કબ્જે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
પ્રાપ્ત માહિતી અનુસાર, જુનાગઢ રેન્જ ડી.આઇ.જી.પી રાજેન્દ્રસિંહ ચુડાસમા, જિલ્લા પોલીસ વડા જયદિપસિંહ જાડેજા તથા વેરાવળ વિભાગના I/C નાયબ પોલીસ અધિક્ષક સી.સી. ખટાણા દ્વારા જિલ્લામાં ગેરકાયદેસર હથિયારો સામે કડક કાર્યવાહી કરવા સૂચનાઓ આપવામાં આવી હતી.
તે અનુસંધાને પ્રભાસ પાટણ પોલીસ સ્ટેશનના I/C પોલીસ ઇન્સ્પેક્ટર ડી.બી. ગઢવીના માર્ગદર્શન હેઠળ પો.સબ ઇન્સ્પેક્ટર એસ.જે. સોલંકી અને સર્વેલન્સ સ્ટાફ ગત રાત્રે વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા. દરમિયાન પોલીસને મળેલી બાતમીના આધારે પ્રભાસ પાટણ સફારી સર્કલ નજીક સિમેન્ટ ત્રણ રસ્તા પાસેથી એક શંકાસ્પદ ઇસમને ઝડપી તપાસ કરવામાં આવી હતી.
તપાસ દરમિયાન આરોપી પાસેથી એક દેશી બનાવટની પિસ્તોલ, એક મેગેઝીન, સાત જીવતા કાર્ટીસ અને એક મોબાઈલ ફોન મળી આવ્યો હતો. પોલીસે તાત્કાલિક તમામ મુદ્દામાલ કબ્જે કરીને આરોપીની ધરપકડ કરી હતી.
પકડાયેલા આરોપીની ઓળખ રમંકાંત અનિલભાઈ ગુપ્તા (ઉ.વ.૨૯), રહે. સેક્ટર-૫૮, બિશનપુરા ગામ, ગૌતમ બુદ્ધનગર, નોઇડા, ઉત્તર પ્રદેશ તરીકે થઈ છે. આરોપી મજૂરી કામ કરતો હોવાનું જાણવા મળ્યું છે.
પોલીસે આરોપી સામે પ્રભાસ પાટણ પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી છે.
કબ્જે કરાયેલ મુદ્દામાલ
દેશી બનાવટની પિસ્તોલ – રૂ. ૩૦,૦૦૦
મેગેઝીન – ૧ નંગ
જીવતા કાર્ટીસ – ૭ નંગ રૂ. ૭૦૦
મોબાઈલ ફોન – રૂ. ૨,૦૦૦
કુલ મુદ્દામાલ કિંમત રૂ. ૩૨,૭૦૦ હોવાનું પોલીસે જણાવ્યું છે.
રિપોર્ટર ધર્મેશ ચાવડા


