વડાલી નગરપાલિકાની સાધારણ સભામાં ભારે હોબાળો થયો
હોદ્દાઓ માટે ‘પૈસાનો વહીવટ’ થયો હોવાના આક્ષેપ સાથે કોંગ્રેસના 6 સદસ્યોનો વોકઆઉટ..

સાબરકાંઠાની વડાલી નગરપાલિકામાં આજે યોજાયેલી ખાસ સાધારણ સભા ભારે વિવાદાસ્પદ બની હતી. પાલિકામાં સત્તાધારી કોંગ્રેસ પક્ષના જ સદસ્યોએ પોતાની જ નગરપાલિકાના નેતાઓ અને વહીવટી પ્રક્રિયા સામે મોરચો માંડી ભારે હોબાળો મચાવ્યો હતો. સભા દરમિયાન વિવિધ હોદ્દાઓની ફાળવણીમાં મોટા પાયે ‘પૈસાનો વહીવટ થયો હોવાના ગંભીર આક્ષેપો કરવામાં આવ્યા હતા. વિરોધ એટલો ઉગ્ર બન્યો હતો કે ૨૦ પૈકી ૬ જેટલા સદસ્યોએ ચાલુ સભામાંથી વોકઆઉટ કરી પોતાનો ઉગ્ર આક્રોશ ઠાલવ્યો હતો.

ખાસ સાધારણ સભા શરૂ થતાંની સાથે જ કોંગ્રેસના સદસ્યો આક્રમક મૂડમાં જોવા મળ્યા હતા, જેને પગલે પાલિકા કચેરીનું વાતાવરણ તંગ બની ગયું હતું. નારાજ સદસ્યોનો આક્ષેપ છે કે, પાલિકાના કેટલાક સદસ્યો દ્વારા મનસ્વી રીતે મોટા પાયે વહીવટી ગોઠવણો કરવામાં આવી છે અને અન્ય સાથી સદસ્યોને અંધારામાં રાખીને જ તમામ નિર્ણયો લેવાઈ રહ્યા છે. સદસ્યોએ આ વલણ સામે આકરો વિરોધ નોંધાવી આગામી દિવસોમાં નગરપાલિકા પ્રમુખની ચેમ્બરને તાળાબંધી કરવાની ચીમકી પણ ઉચ્ચારી હતી.
વડાલી નગરપાલિકામાં લાંબા સમય બાદ ભાજપના શાસનનો અંત આણી કોંગ્રેસે સત્તા મેળવી છે. સદસ્યોના જણાવ્યા મુજબ, તેઓએ ભારે મહેનત કરીને લોકોની વચ્ચે જઈ તેમની સમસ્યાઓ ઉકેલવાના વાયદા સાથે સત્તા મેળવી હતી, પરંતુ હવે વર્તમાન સિસ્ટમમાં ઘણું ખોટું થઈ રહ્યું છે. મહિલા સદસ્યોએ સનસનીખેજ આક્ષેપ કર્યો છે કે, ૧૪ જેટલા સભ્યોને પૈસા આપીને ખરીદી લેવાયા છે અને કારોબારી અધ્યક્ષ, બાંધકામ સમિતિ, પાણી પુરવઠો તથા ગટર જેવા મહત્વના ખાતાઓની વહેંચણી પૈસાના જોરે કરવામાં આવી છે.
પાલિકામાં સ્પષ્ટ બહુમતી મળ્યા બાદ પણ કોંગ્રેસ શાસકોમાં આંતરિક વિશ્વાસનો મોટો અભાવ જોવા મળી રહ્યો છે. શાસક પક્ષના આંતરિક કકળાટ અને ભ્રષ્ટાચારના ગંભીર આક્ષેપોને પગલે સમગ્ર વડાલી પંથકમાં ભારે ચર્ચા જાગી છે. એકતરફ વિવાદ વધુ ઉગ્ર બની રહ્યો છે, ત્યારે હવે કોંગ્રેસ સંગઠન દ્વારા આ નારાજ સદસ્યોને મનાવવા અને મામલો થાળે પાડવા માટે કેવા પગલાં લેવામાં આવે છે તેના પર સૌની નજર મંડાયેલી છે.
બ્યુરો રિપોર્ટ… વિશાલ ચૌહાણ સાબરકાંઠા
મો ન 9998340891


