>
Thursday, June 4, 2026

ગીર પૂર્વ વન વિભાગે માલધારીઓ અને વનવસાહત ગામોના પ્રશ્નો માટે યોજી મંથન સભા

ગીર પૂર્વ વન વિભાગે માલધારીઓ અને વનવસાહત ગામોના પ્રશ્નો માટે યોજી મંથન સભા

 

હડાળા નેસ ખાતે યોજાયેલી બેઠકમાં પ્રાથમિક સુવિધાઓની સમીક્ષા, રજૂઆતોના ઝડપી નિરાકરણની ખાતરી

 

ગીર પૂર્વ વન વિભાગ દ્વારા નાયબ વન સંરક્ષક વિકાસ યાદવ (ભા.વ.સે.)ની આગેવાની હેઠળ હડાળા નેસ ખાતે ગીર વિસ્તારના માલધારીઓ અને વનવસાહત ગામોના રહેવાસીઓ સાથે એક મહત્વપૂર્ણ મંથન સભાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ બેઠકમાં હડાળા, જસાધાર અને તુલસીશ્યામ રેન્જના રેન્જ ફોરેસ્ટ ઓફિસરો તેમજ સંબંધિત ફોરેસ્ટરો હાજર રહ્યા હતા.

સભાનો મુખ્ય હેતુ છેલ્લા એક વર્ષ દરમિયાન વન વિભાગ દ્વારા સેટલમેન્ટ ગામો અને નેસોમાં કરવામાં આવેલી પ્રાથમિક સુવિધાઓ સંબંધિત કામગીરીની સમીક્ષા કરવાનો તેમજ આગામી સમયમાં હાથ ધરાનારી વિકાસલક્ષી કામગીરી અંગે ચર્ચા કરવાનો હતો. ઉપરાંત માલધારીઓ અને ગ્રામજનો દ્વારા રજૂ કરવામાં આવતા પ્રશ્નો અને મુશ્કેલીઓના નિરાકરણ માટે વિચારણા પણ કરવામાં આવી હતી.આ મંથન સભામાં ચીખલકુબા, કોઠારીયા, જસાધાર, ઘોડાવડી અને ટીંબરવા વનવસાહત ગામો ઉપરાંત શિરનેસ, રાજસ્થળી, લોકી, પાડાગાળા, રેબડી, પડાળીયા, કાણેક, ખજૂરી, માંડવી, ઘુડજીંજવા, હડાળા, મીંઢા, લેરિયા, સરકડિયા અને દોઢી નેસના માલધારીઓએ ઉત્સાહભેર હાજરી આપી હતી.બેઠક દરમિયાન નેસોમાં પીવાના પાણી અને માલઢોર માટેની પાણીની વ્યવસ્થા, રસ્તાઓનું રિપેરિંગ, કોઝ-વે સહિતની કામગીરીની સમીક્ષા કરવામાં આવી હતી. સાથે જ વનવસાહત ગામોમાં પીવાના પાણી, ધોબીઘાટ, ગામના રસ્તાઓ, સ્ટ્રીટ લાઈટ, બ્લોક, ઘરઘર ગટર, પાણીના ટાંકા અને ડંકી જેવી વિવિધ સુવિધાઓ અંગે થયેલી કામગીરીનું મૂલ્યાંકન કરવામાં આવ્યું હતું.

નાયબ વન સંરક્ષક વિકાસ યાદવે માલધારીઓ અને ગ્રામજનોને ખાતરી આપી હતી કે પ્રાથમિક સુવિધાઓ સંબંધિત તમામ રજૂઆતોને કાયદાકીય જોગવાઈઓ અનુસાર સમયસર પૂર્ણ કરવામાં આવશે. આ માટે સંબંધિત અધિકારીઓને જરૂરી સૂચનાઓ પણ આપવામાં આવી હતી.સભા દરમિયાન વિવિધ નેસોના માલધારીઓ સાથે ખુલ્લી ચર્ચા કરવામાં આવી હતી અને તેમના દ્વારા રજૂ કરાયેલા પ્રશ્નો તથા સૂચનોની નોંધ લેવામાં આવી હતી. અધિકારીઓએ તમામ પ્રશ્નોના વહેલી તકે નિરાકરણ માટે પ્રયાસો હાથ ધરવાની ખાતરી આપી હતી.મંથન સભાના અંતે તમામ માલધારીઓએ આ પહેલને આવકારી હતી અને સહિયારા પ્રયાસોથી ગીરની પ્રાકૃતિક સંપદા, સંસ્કૃતિ અને પરંપરાનું સંરક્ષણ કરવા માટે સંકલ્પ વ્યક્ત કર્યો હતો.

 

રિપોર્ટર ધર્મેશ ચાવડા

- Advertisement -
અન્ય સમાચાર
Advertisements
 
Polls
તાજા સમાચાર
Live Scores