>
Saturday, August 29, 2026

ઐતિહાસિક ગ્રામીણ ક્રિકેટનો મહાકુંભ સમાપ્ત.. 

ઐતિહાસિક ગ્રામીણ ક્રિકેટનો મહાકુંભ સમાપ્ત..

 

10,000 થી વધુ દર્શકોની સાક્ષીએ ચોટાસણ ઇલેવન બન્યું જિલ્લા ચેમ્પિયન, ભજપુરામાં સર્જાયો ક્રિકેટનો સુવર્ણ ઇતિહાસ..

 

 

વાયુનેત્ર યુથ એન્ડ ફ્યુચર ફાઉન્ડેશન દ્વારા આયોજિત વાઇબ્રન્ટ યુથ ક્રિકેટ ટુર્નામેન્ટ – જિલ્લા ગ્રામીણ ક્રિકેટ ચેમ્પિયનશિપ 2026 નો ભવ્ય અને ઐતિહાસિક સમાપન સમારોહ ભજપુરા ગામ ખાતે યોજાયો હતો. ગુજરાતના ગ્રામ્ય વિસ્તારમાં યોજાયેલા સૌથી વિશાળ ક્રિકેટ આયોજનોમાં સ્થાન પામનાર આ ટુર્નામેન્ટે રમતગમત ક્ષેત્રે એક નવો ઇતિહાસ રચ્યો છે.

10 મે 2026થી શરૂ થયેલી આ ટુર્નામેન્ટ સતત 28 દિવસ સુધી ચાલી હતી, જેમાં સાબરકાંઠા જિલ્લાના વિવિધ તાલુકાઓમાંથી કુલ 95 ટીમો અને અંદાજે 1500થી વધુ ખેલાડીઓએ ભાગ લીધો હતો. સમગ્ર ટુર્નામેન્ટ દરમિયાન હજારો ક્રિકેટપ્રેમીઓ જોડાયા હતા, જ્યારે ફાઇનલ મુકાબલામાં 10,000થી વધુ દર્શકોની ઉપસ્થિતિએ સમગ્ર વાતાવરણને ક્રિકેટમય બનાવી દીધું હતું.

ફાઇનલ મુકાબલો ચોટાસણ ઇલેવન અને મેત્રાલ ઇલેવન વચ્ચે રમાયો હતો. છેલ્લી ક્ષણ સુધી રોમાંચ જાળવી રાખનાર આ મુકાબલો ખૂબ જ કટોકટીભર્યો અને યાદગાર રહ્યો હતો. અંતિમ ઓવરો સુધી ચાલેલી રસાકસી બાદ ચોટાસણ ઇલેવન વિજેતા બની જિલ્લા ગ્રામીણ ક્રિકેટ ચેમ્પિયન – 2026નો ખિતાબ પોતાના નામે કર્યો હતો.

કાર્યક્રમમાં પૂજ્ય સંત શ્રી સોહમપુરી મહારાજના આશીર્વચન સાથે અનેક મહાનુભાવોની ગૌરવમય ઉપસ્થિતિ રહી હતી. આ પ્રસંગે સાબરકાંઠા જિલ્લા પોલીસ વડા ડૉ. પાર્થરાજસિંહ ગોહિલ, ઇડર-વડાલી ધારાસભ્ય રમણલાલ વોરા, જિલ્લા ભાજપ પ્રમુખ કનુભાઈ પટેલ, જિલ્લા પંચાયત પ્રમુખ રીનાબેન પટેલ, જિલ્લા પ્રભારી બ્રિજરાજસિંહ ઝાલા, સાબરડેરી વાઇસ ચેરમેન ઋતુરાજભાઈ પટેલ, જિલ્લા મહામંત્રી રમણભાઈ દેસાઈ, ઇડર DYSP સ્મિત ગોહિલ, વડાલી તાલુકા પંચાયત પ્રમુખ ભરતભાઈ પટેલ, મામલતદાર હર્ષભાઈ પરમાર, પૂર્વ પ્રમુખ કાંતિભાઈ પટેલ, અશ્વિનભાઈ પટેલ, ઇડર તાલુકા પંચાયત પ્રમુખ દિવ્યાબેન પટેલ, PI પઢેરીયા સાહેબ, તાલુકા મહામંત્રી ગીરીશભાઈ બ્રહ્મભટ્ટ, ડાહ્યાભાઈ ઠાકોર, જિલ્લા સદસ્ય નરેશભાઈ પટેલ, લાલશિંહ ચૌહાણ સહિત અનેક આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.

આ પ્રસંગે ધારાસભ્ય રમણલાલ વોરા સાહેબે ભજપુરા ગામના વિકાસ માટે રૂ.13.50 લાખની ગ્રાન્ટની જાહેરાત કરી હતી, જેને ગ્રામજનોએ તાળીઓના ગડગડાટથી વધાવી લીધી હતી.

મહાનુભાવોએ પોતાના સંબોધનમાં જણાવ્યું હતું કે આજના ડિજિટલ યુગમાં રમતગમત યુવાનોને મોબાઇલ અને નશાના વ્યસનથી દૂર રાખવાનું સૌથી અસરકારક માધ્યમ છે. આવા આયોજનો યુવાનોમાં શિસ્ત, નેતૃત્વ, ટીમવર્ક અને આત્મવિશ્વાસનું નિર્માણ કરે છે.

વાયુનેત્ર યુથ એન્ડ ફ્યુચર ફાઉન્ડેશન છેલ્લા ચાર વર્ષથી વડીલો માટે “વડીલોનું વૃંદાવન”, બાળકો માટે AI પાઠશાળા, તેમજ યુવાનો માટે રમતગમત, સેમિનાર અને વિવિધ સામાજિક પ્રવૃત્તિઓ દ્વારા સતત કાર્ય કરી રહી છે. સંસ્થાએ વડાલી તાલુકામાં ત્રણ ક્રિકેટ ગ્રાઉન્ડના નિર્માણમાં પણ મહત્વપૂર્ણ યોગદાન આપ્યું છે અને આજે હજારો યુવાનો સાથે જોડાયેલી એક સશક્ત યુવા ચળવળ બની છે.

ઉપસ્થિત મહાનુભાવોએ આગામી સમયમાં પણ વાયુનેત્ર યુથ એન્ડ ફ્યુચર ફાઉન્ડેશનને સંપૂર્ણ સહયોગ અને માર્ગદર્શન આપવાની ખાતરી વ્યક્ત કરી હતી.

 

બ્યુરો રિપોર્ટ… વિશાલ ચૌહાણ સાબરકાંઠા

 

મો ન 9998340891

- Advertisement -
અન્ય સમાચાર
Advertisements
 
Polls
તાજા સમાચાર
Live Scores