>
Sunday, June 14, 2026

ઉનામાં લોન અપાવવાના બહાને છેતરપિંડીનો ભાંડો ફૂટ્યો, બે સામે ગુનો નોંધાયો

ઉનામાં લોન અપાવવાના બહાને છેતરપિંડીનો ભાંડો ફૂટ્યો, બે સામે ગુનો નોંધાયો

 

ઉના શહેરમાં લોન અપાવવાના નામે લોકો સાથે છેતરપિંડી કરવાના કૌભાંડનો પર્દાફાશ થયો છે. અભણ અને અજાણ લોકોને વિશ્વાસમાં લઈને લોન અપાવવાની લાલચ આપી રૂપિયા પડાવવાના તેમજ તેમના દસ્તાવેજોનો દુરુપયોગ કરીને તેમના નામે લોન લઈ રકમ હડપ કરવાની ઘટના સામે આવતા ઉના પોલીસ હરકતમાં આવી છે.પ્રાપ્ત વિગતો મુજબ, ઉના શહેરમાં ચાલતી એક ફાઇનાન્સ ઓફિસ મારફતે અરજદારોને સરળતાથી લોન અપાવી આપવાની ખાતરી આપવામાં આવતી હતી. આ બહાને અરજદારો પાસેથી આધારકાર્ડ, પાનકાર્ડ સહિતના જરૂરી દસ્તાવેજો મેળવવામાં આવતા હતા. ત્યારબાદ કેટલાક કિસ્સાઓમાં લોન મંજૂર ન કરાવી આપતા હોવા છતાં પ્રોસેસિંગ ચાર્જના નામે હજારો રૂપિયાની રકમ વસૂલવામાં આવી હતી.

પોલીસ તપાસ દરમિયાન સામે આવ્યું છે કે એક ફરિયાદીના નામે લોન કરાવી આપવાના બહાને રૂ. 23,219ની રકમ લેવામાં આવી હતી, પરંતુ લોન મંજૂર કરાવી આપવામાં આવી નહોતી. જ્યારે અન્ય એક ફરિયાદીના દસ્તાવેજો મેળવી તેની જાણ બહાર મોબાઈલ એપ્લિકેશન મારફતે તેના નામે લોન લેવામાં આવી હતી. લોનની રકમમાંથી હજારો રૂપિયા અન્ય ખાતામાં ટ્રાન્સફર કરી દેવામાં આવ્યા હોવાનો આક્ષેપ છે. સાથે જ પ્રોસેસિંગ ચાર્જના નામે પણ રકમ વસૂલવામાં આવી હોવાનું બહાર આવ્યું છે.

ફરિયાદોના આધારે ઉના પોલીસ સ્ટેશનમાં ભારતીય ન્યાય સંહિતાની સંબંધિત કલમો હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે. પોલીસ દ્વારા મુખ્ય આરોપીની અટકાયત કરી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે, જ્યારે અન્ય એક આરોપીની શોધખોળ ચાલુ હોવાનું જાણવા મળ્યું છે.પોલીસે લોકોને અપીલ કરી છે કે લોન મેળવવા માટે કોઈપણ વ્યક્તિ કે ખાનગી એજન્સીને પોતાના મૂળ દસ્તાવેજો અથવા મોબાઈલની માહિતી આપતા પહેલાં સંપૂર્ણ ચકાસણી કરવી જોઈએ. કોઈપણ શંકાસ્પદ પ્રવૃત્તિ જણાય તો તાત્કાલિક પોલીસનો સંપર્ક કરવા અનુરોધ કરવામાં આવ્યો છે.

 

રિપોર્ટર ધર્મેશ ચાવડા

- Advertisement -
અન્ય સમાચાર
Advertisements
 
Polls
તાજા સમાચાર
Live Scores