વડાલીના ધામડી ગામે ટેપ વગાડવા મુદ્દે વિવાદ,
મહિલા પરિવાર પર હુમલો, ચાર સામે ફરિયાદ
સાબરકાંઠા જિલ્લાના વડાલી તાલુકાના ધામડી ગામે ટેપ વગાડવાની નજીવી બાબતે પડોશીઓ વચ્ચે થયેલા વિવાદે ઉગ્ર સ્વરૂપ ધારણ કર્યું છે. આ ઘટનામાં એક મહિલા સહિત તેમના પરિવાર પર હુમલો કરી જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવી હતી. પીડિત પરિણીતાએ વડાલી પોલીસ સ્ટેશનમાં ચાર વ્યક્તિઓ વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
પ્રાપ્ત વિગતો અનુસાર, ધામડી ગામે પોતાના પિયરમાં રહેતી રક્ષાબેન મહેશભાઈ ઠાકોરે નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું છે કે, ગત ૦૯/૦૫/૨૦૨૬ના રોજ સાંજના સમયે તેમના પાડોશમાં રહેતા નરેશભાઈ કેશાભાઈ ઠાકોર પોતાના ઘરે ઊંચા અવાજે ટેપ વગાડીને બૂમાબૂમ કરી રહ્યા હતા. રક્ષાબેન તેમને સમજાવવા ગયા ત્યારે નરેશભાઈ ઉશ્કેરાઈ ગયા અને ગાળો બોલવાની શરૂઆત કરી.
રક્ષાબેન ઠાકોરના જણાવ્યા મુજબ, આ દરમિયાન નરેશભાઈના પિતા કેશાભાઈ ઠાકોર, રામનગરના લખુબેન રમેશભાઈ ઠાકોર અને રમેશભાઈ કાન્તીભાઈ ઠાકોર પણ ઘટનાસ્થળે આવી પહોંચ્યા હતા. આ ચારેયે રક્ષાબેન ઠાકોર તથા તેમના પરિવારને ગાળો આપી ઝઘડો કર્યો હતો. બાદમાં તેઓ લાકડીઓ લઈને મારવા દોડ્યા હતા, ત્યારે રક્ષાબેનની બહેન અને બનેવીએ વચ્ચે પડી તેમને છોડાવ્યા હતા.
ફરિયાદમાં વધુમાં જણાવાયું છે કે, તે જ દિવસે રાત્રે રક્ષાબેન ઠાકોરનો ભાઈ વિનોદ મજૂરીકામ કરીને ઘરે પરત ફર્યા બાદ ઘટનાની પૂછપરછ કરવા ગયો. આના કારણે ફરીથી વિવાદ સર્જાયો હતો. આરોપી નરેશભાઈએ વિનોદને તમાચો મારી તેનું ગળું દબાવવાનો પ્રયાસ કર્યો હતો. સાથે જ રક્ષાબેન ઠાકોરને ઉદ્દેશીને અપમાનજનક શબ્દો ઉચ્ચારી ‘તારું કોણ શું કરી લેશે’ કહી જાનથી મારી નાખવાની ધમકી પણ આપી હતી.
રક્ષાબેન ઠાકોરે જણાવ્યું હતું કે, આરોપીઓ તેમના જ કુટુંબીજનો હોવાથી શરૂઆતમાં સમાજ વચ્ચે સમાધાન થઈ જશે તેવી આશાએ પોલીસ ફરિયાદ કરવામાં આવી ન હતી. જોકે, સમાજ સ્તરે કોઈ ઉકેલ ન આવતાં અંતે વડાલી પોલીસ મથકે પહોંચી ચારેય આરોપીઓ વિરુદ્ધ કાયદેસરની ફરિયાદ નોંધાવવામાં આવી હતી. પોલીસે આ મામલે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
બ્યુરો રિપોર્ટ… વિશાલ ચૌહાણ સાબરકાંઠા
મો ન 9998340891


