>
Thursday, June 25, 2026

જામવાળામાં નિર્દોષ યુવકની હત્યા બાદ ઉગ્ર રોષ: આરોપીઓના મકાનો પર બુલડોઝર કાર્યવાહી અને કડક કાયદાકીય પગલાંની માંગ

જામવાળામાં નિર્દોષ યુવકની હત્યા બાદ ઉગ્ર રોષ: આરોપીઓના મકાનો પર બુલડોઝર કાર્યવાહી અને કડક કાયદાકીય પગલાંની માંગ

 

ગીર ગઢડા, તા. 25 જૂન 2026

ગીરસોમનાથ જિલ્લાના ગીરગઢડા તાલુકાના જામવાળા ગામમાં થયેલી નિર્દોષ યુવકની નિર્દય હત્યાના બનાવે સમગ્ર પંથકમાં ભારે આક્રોશ અને ચિંતા ફેલાવી છે. મૃતક મેહુલભાઈ હકુભાઈ વડવાતરની હત્યા બાદ ગામલોકો અને વિવિધ આગેવાનો દ્વારા આરોપીઓ સામે કડકમાં કડક કાર્યવાહી કરવાની માંગ ઉઠી છે.

પ્રાપ્ત વિગતો મુજબ, ગત 23 જૂનના રોજ જામવાળા ગામે જમણવાર દરમિયાન થયેલી બોલાચાલી બાદ પાંચ શખ્સોએ ભેગા મળી મેહુલભાઈ પર જીવલેણ હુમલો કર્યો હતો. હુમલાખોરોએ પ્રથમ મેહુલભાઈની આંખોમાં સ્પ્રે છાંટી તેમને નિઃસહાય બનાવ્યા બાદ તેમના પર ક્રૂર હુમલો કર્યો હતો. ગંભીર ઇજાઓના કારણે મેહુલભાઈનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું.

આ બનાવ બાદ ગામમાં શોક સાથે ભારે રોષની લાગણી વ્યાપી ગઈ છે. સ્થાનિક લોકોના જણાવ્યા મુજબ આરોપીઓ અગાઉથી જ ગુનાહિત પ્રવૃત્તિઓમાં સંડોવાયેલા હોવાનું કહેવાય છે અને તેમની સામે દારૂબંધી, મારામારી, જીવલેણ હુમલા અને હુલ્લડ જેવા અનેક ગુનાઓ નોંધાયેલા હોવાનું પણ રજૂઆતમાં જણાવાયું છે.આ મામલે જિલ્લા પોલીસ તંત્ર અને વહીવટી તંત્રને કરવામાં આવેલી રજૂઆતમાં આરોપીઓ સામે માત્ર હત્યાનો ગુનો જ નહીં પરંતુ તેમના ગુનાહિત ભૂતકાળને ધ્યાનમાં રાખી GUJCTOC અને PASA જેવા કડક કાયદા હેઠળ પણ કાર્યવાહી કરવાની માંગ કરવામાં આવી છે. સાથે જ કેસની તપાસ ફાસ્ટ ટ્રેક ધોરણે પૂર્ણ કરી પીડિત પરિવારને ઝડપથી ન્યાય અપાવવા અપીલ કરવામાં આવી છે.રજુઆતમાં વધુમાં એવી પણ માંગ કરવામાં આવી છે કે જો આરોપીઓની કોઈ ગેરકાયદેસર મિલ્કતો કે બાંધકામો હોય તો કાયદાકીય પ્રક્રિયા પૂર્ણ કરીને તેમના સામે બુલડોઝર કાર્યવાહી કરવામાં આવે, જેથી ભવિષ્યમાં આવા ગંભીર ગુનાઓ કરનાર તત્વોમાં કાયદાનો ડર ઉભો થાય.

ગામલોકોનું કહેવું છે કે આ ઘટના માત્ર એક વ્યક્તિની હત્યા નથી, પરંતુ કાયદો અને વ્યવસ્થાને ખુલ્લો પડકાર સમાન છે. તેથી જવાબદાર તમામ આરોપીઓને કડક સજા મળે અને પીડિત પરિવારને ન્યાય મળે તેવી માંગ ઉઠી રહી છે.

 

રિપોર્ટર ધર્મેશ ચાવડા

- Advertisement -
અન્ય સમાચાર
Advertisements
 
Polls
તાજા સમાચાર
Live Scores