વડાલીના વૈજનાથ મહાદેવ મંદિર ખાતે આંજણા પટેલ (ચૌધરી) સમાજ દ્વારા રક્તદાન કેમ્પ યોજાયો
વડાલીના શ્રી વૈજનાથ મહાદેવ મંદિર પરિસરમાં વડાલી આંજણા (ચૌધરી) પટેલ સમાજ વિકાસ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા સમાજસેવા અને જનજાગૃતિને કેન્દ્રમાં રાખી રક્તદાન કેમ્પ, પ્રાકૃતિક કૃષિ શિબિર (કિસાન ગોષ્ઠિ) તેમજ વૃક્ષારોપણ જેવા ત્રિવિધ સેવાકીય કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં સમાજના આગેવાનો, ખેડૂતો અને યુવાનોની નોંધપાત્ર ઉપસ્થિતિ જોવા મળી હતી.
હિંમતનગર રેડ ક્રોસ સોસાયટીના સહયોગથી યોજાયેલા રક્તદાન કેમ્પમાં સમાજના યુવાનો અને નાગરિકોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. કેમ્પ દરમિયાન કુલ 40 યુનિટ રક્ત એકત્રિત થયું હતું, જે માનવસેવાની ભાવનાનું પ્રેરણાદાયક ઉદાહરણ બન્યું હતું.
‘આત્મા’ (ATMA) પ્રોજેક્ટના સહયોગથી યોજાયેલી પ્રાકૃતિક કૃષિ શિબિરમાં ખેડૂતોને ઝેરમુક્ત અને ટકાઉ ખેતી અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. નિવૃત્ત નાયબ ખેતી નિયામક વી. કે. પટેલ સહિતના કૃષિ નિષ્ણાતોએ પ્રાકૃતિક ખેતીના ફાયદા, ખર્ચમાં ઘટાડો અને જમીનની ફળદ્રુપતા જાળવવા અંગે વિસ્તૃત માહિતી આપી હતી. મોટી સંખ્યામાં ખેડૂતો ઉપસ્થિત રહી માર્ગદર્શનનો લાભ લીધો હતો.
કાર્યક્રમના અંતર્ગત પર્યાવરણ સંરક્ષણનો સંદેશ આપવાના હેતુથી શ્રી વૈજનાથ મહાદેવ મંદિર પરિસરમાં વૃક્ષારોપણ પણ કરવામાં આવ્યું હતું.
આ પ્રસંગે વડાલીના મામલતદાર હર્ષવર્ધન પરમાર, સતાવીશ આંજણા પટેલ સમાજના પ્રમુખ જસુભાઈ પટેલ, નિવૃત્ત નાયબ ખેતી નિયામક વી. કે. પટેલ, તખતસિંહ હડિયોલ, ડો. અમિતભાઈ દેસાઈ સહિત સમાજના આગેવાનો અને મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. ઉપસ્થિત મહાનુભાવોએ ટ્રસ્ટના પ્રમુખ ડાહ્યાભાઈ પી. પટેલ અને તેમની સમગ્ર ટીમ દ્વારા સમાજહિત અને પર્યાવરણલક્ષી પ્રવૃત્તિઓ માટે કરવામાં આવેલી સેવાકીય પહેલને બિરદાવી હતી.
બ્યુરો રિપોર્ટ…વિશાલ ચૌહાણ સાબરકાંઠા


