>
Wednesday, August 5, 2026

ગુજરાત-રાજસ્થાનમાં વાહનચોરી કરી તરખાટ મચાવનાર આંતરરાજ્ય ગેંગનો પર્દાફાશ

ગુજરાત-રાજસ્થાનમાં વાહનચોરી કરી તરખાટ મચાવનાર આંતરરાજ્ય ગેંગનો પર્દાફાશ

 

સાબરકાંઠા એલસીબીએ મુખ્ય સૂત્રધારને ઝડપી 19 ચોરાયેલી બાઇકો સાથે ₹4.10 લાખનો મુદ્દામાલ કબજે કર્યો

 

સાબરકાંઠા જિલ્લા પોલીસને વાહનચોરીના ગુનાઓમાં મોટી સફળતા મળી છે. સાબરકાંઠા એલસીબીની વાહન ડિટેક્શન સ્કોડે ગુજરાત અને રાજસ્થાનમાં મોટરસાયકલ ચોરી કરીને આતંક મચાવતી આંતરરાજ્ય ગેંગના મુખ્ય સૂત્રધારને ઝડપી પાડ્યો છે. આરોપીની પૂછપરછ દરમિયાન કુલ 19 ચોરાયેલી મોટરસાયકલો કબજે કરવામાં આવી છે, જેની કુલ કિંમત અંદાજે ₹4.10 લાખ થાય છે. આ કાર્યવાહીથી કુલ 10 વાહનચોરીના ગુનાઓનો ભેદ ઉકેલાયો હોવાનું પોલીસે જણાવ્યું છે.

પોલીસના જણાવ્યા મુજબ નાયબ પોલીસ મહાનિરીક્ષક નિરેન્દ્રસિંહ યાદવ તથા સાબરકાંઠા પોલીસ અધિક્ષક ડૉ. પાર્થરાજસિંહ ગોહિલના માર્ગદર્શન હેઠળ એલસીબીના પોલીસ ઇન્સ્પેક્ટર ડી.સી. સાકરિયાની રાહબરીમાં વાહન ડિટેક્શન સ્કોડ પેટ્રોલિંગમાં હતી. તે દરમિયાન મળેલી ચોક્કસ બાતમીના આધારે ખેડબ્રહ્મા નજીક નંબર પ્લેટ વગરની હીરો સ્પ્લેન્ડર મોટરસાયકલ પર ફરી રહેલા એક શંકાસ્પદ યુવકને ઝડપી લેવામાં આવ્યો હતો.

 

પકડાયેલા આરોપીની ઓળખ ઓમપ્રકાશ ઉર્ફે ઓપીયો બધાભાઈ ખેર, રહે. જોગીવાડ (નાલ), તાલુકો કોટડા, જિલ્લા ઉદયપુર (રાજસ્થાન) તરીકે થઈ છે. પૂછપરછ દરમિયાન તેણે પોતાના અન્ય સાગરિતો સાથે મળીને ગુજરાત અને રાજસ્થાનના વિવિધ વિસ્તારોમાંથી મોટરસાયકલો ચોરી કર્યાની કબૂલાત આપી હતી. ત્યારબાદ પોલીસે તેની પાસેથી જુદી જુદી કંપનીની કુલ 19 મોટરસાયકલો કબજે કરી હતી.

 

પોલીસે જણાવ્યું કે, આ કેસમાં વડાલી, ઇડર, દાંતા, હડાદ, પાલનપુર તેમજ રાજસ્થાનના વિવિધ પોલીસ સ્ટેશનોમાં નોંધાયેલા વાહનચોરીના કુલ 10 ગુનાઓ ડિટેક્ટ થયા છે. હાલ ત્રણ અન્ય આરોપીઓ ફરાર છે અને તેમની શોધખોળ હાથ ધરવામાં આવી છે.

 

આ સમગ્ર કામગીરી એલસીબીના પોલીસ ઇન્સ્પેક્ટર ડી.સી. સાકરિયા, પીએસઆઈ વી.આર. ચૌહાણ સહિત વાહન ડિટેક્શન સ્કોડના અધિકારીઓ અને કર્મચારીઓએ સફળતાપૂર્વક પાર પાડી હતી.

 

બ્યુરો રીપોર્ટ.. વિશાલ ચૌહાણ સાબરકાંઠા

 

મો ન 9998340891

- Advertisement -
અન્ય સમાચાર
Advertisements
 
Polls
તાજા સમાચાર
Live Scores